મુંબઇ
બોલિવૂડના સદાબહાર અભિનેતા ધર્મેન્દ્રનો આજે બર્થ ડે છે. હરિયાણાના જાટ ખેડૂત પરિવારના આ નબીરા આજે 85 વર્ષના થયા. આજે પણ એ પહેલાં જેટલા જ ફિટ છે.
1935ના ડિસેંબરની આઠમીએ જન્મેલા ધર્મેન્દ્રે 1960માં અભિનય કારકિર્દી શરૂ કરી હતી. આરંભે તેમણે જબરો સંઘર્ષ કરવો પડ્યો હતો. એક અભિનેત્રીએ તો એને ફર્નિચર જેવો સખત ગણાવીને ઊતારી પાડ્યો હતો. જો કે પાછળથી આ બંનેએ કેટલીક ફિલ્મો સાથે કરી હતી.
શરૂઆતની ધર્મેન્દ્રની ફિલ્મો બહુ હિટ નીવડી નહોતી. ઓ પી રાલ્હનની ફૂલ ઔર પથ્થરમાં મીનાકુમારી સાથે ચમક્યા પછી રાતોરાત એની ગણના ટોચના સ્ટાર્સમાં થવા લાગી હતી. એની કેટલીક યાદગાર ફિલ્મોમાં કાજલ, ચૂપકે ચૂપકે, સત્યકામ, મેરા ગાંવ મેરા દેશ, દેવર, મેરે હમદમ મેરે દોસ્ત, આઇ મિલન કી બેલા, શોલે અને ગુડ્ડીનો સમાવેશ થાય છે.
પહેલા લગ્નથી ધર્મેન્દ્રને ત્રણ પુત્રો થયા હતા. સની દેઓલ. બોબી દેઓલ વગેરે. અભિનેત્રી હેમા માલિની સાથે બીજાં લગ્ન કર્યાં બાદ એને બે પુત્રી થઇ હતી. હેમા અને ધરમ બંને ભાજપના સાંસદ રહી ચૂક્યાં છે. હેમા હજુ પણ ભાજપની સાંસદ છે જ્યારે ધર્મેન્દ્ર હવે પોતાના ગામમાં ખેતીવાડી કરીને સમય પસાર કરે છે.