જામનગર-
રાજયમાં બર્ડફલુના કેસ વચ્ચે જામનગર નજીક ખોજાબેરાજા પાસે ૨૬ પક્ષીના મોત થતાં પશુપાલન વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. મૃતક પક્ષીમાં ૧૨ ટીટોડી, ૬ મોર, ૧ નૂતવાડી, ૭ સીસોટી બતકનો સમાવેશ થાય છે.ચારેય પક્ષીના એક – એક મૃતદેહ થ્રી લેયર પ્લાસ્ટીકમાં પેક કરી બરફ પર રાખી ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતાં. જાે કે, તમામ પક્ષીનો બર્ડફલુનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. કોરોના મહામારી વચ્ચે રાજયમાં બર્ડફલુના કેસથી તંત્રની મુશ્કેલી તો લોકોની ચિંતા વધી છે.
આ સ્થિતિમાં જામનગરમાં પણ પશુપાલન વિભાગની ૪૦ ટીમ દ્વારા તમામ પોસ્ટ્રીફાર્મમાં મરધાઓની સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પક્ષીઓના નમૂના ચકાસણી અર્થે ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતાં. જાે કે, તે પૈકી કોઇ પક્ષીનો બર્ડફલુનો કોઇ રિપોર્ટ પોઝિટીવ આવ્યો ન હતો.
રાજયમાં બર્ડફલુના કેસ વચ્ચે જામનગરનું ખીજડિયા પક્ષી અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. આટલું જ નહીં અભ્યારણ્યમાં વિદેશથી આવતા ૭૦ યાયાવર પક્ષીઓના નમૂના લઇ ભોપાલ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા છે. જાે કે, હજુ આ પક્ષીઓનો બર્ડફલુનો રિપોર્ટ આવ્યો નથી.