આણંદ : એનડીડીબીના ચેરમેન દિલીપ રથે ૨૩ ઑક્ટોબર, ૨૦૨૦ના રોજ મુજકુવા ડેરી કૉઑપરેટિવ સોસાયટી (ડીસીએસ) ખાતે યોજવામાં આવેલાં એક કાર્યક્રમમાં એનડીડીબી સમર્થિત ખાતર વ્યવસ્થાપનની પહેલના આગામી તબક્કાને લૉન્ચ કર્યો હતો. એનડીડીબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી મીનેષ શાહ, મુજકુવા ડીસીએસના ચેરમેન ચીમનભાઈ પુનમભાઈ પઢિયાર, સખી ખડ સહકારી મંડળીના ચેરમેન હેમાબેન નરેશભાઈ પઢિયાર, સરપંચસરોજબેન ઠાકોરભાઈ પઢિયાર અને ભૂતપૂર્વ સરપંચ મનુભાઈ પઢિયારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમ દરમિયાન મહિલા ખેડૂતોને બાયોગેસ પ્લાન્ટ સોંપવામાં આવ્યાં હતાં અને બાયો સ્લરી આધારિત જૈવિક ખાતર બનાવવા માટે નવી સ્થાપિત થયેલી મુજકુવા સખી ખડ સહકારી મંડળીને એનડીડીબીનો સુધન ટ્રેડમાર્ક મંજૂર કરવામાં આવ્યો હતો. આ પહેલના આગામી તબક્કા માટે મુજકુવા ગામની ૧૫૦ મહિલા ખેડૂતોને બાયોગેસ પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યાં હતાં. આ બાયોગેસ પ્લાન્ટ અગાઉ ઇન્સ્ટોલ કરવામાં આવેલાં ૪૨ બાયોગેસ પ્લાન્ટ ઉપરાંતના છે. આયુર્વેદિક વેટેરિનેરી મેડિસિન (એવીએમ)ને પ્રોત્સાહન આપવા માટે મહિલા ખેડૂતોમાં ઔષધિય છોડોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ દિલીપ રથે મુજકુવાની મહિલા ખેડૂતોને આગળ આવવા તથા બાયોગેસ પ્લાન્ટની નવી ટેકનોલોજી અપનાવવા બદલ બિરદાવી હતી. એનડીડીબીની ખાતર વ્યવસ્થાપન પહેલ હેઠળ, રાંધવાના બળતણ તરીકે ઉપયોગમાં લેવાનો ગેસ પેદા કરવા પશુપાલકો દ્વારા તેમનાં વાડામાં બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આ બાયોગેસ પ્લાન્ટમાંથી પેદા થતી બાયો સ્લરીને ખેડૂતો દ્વારા પ્રાથમિક રીતે તેમના ખેતરમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને વધારાંની બાયો સ્લરીને અન્ય ખેડૂતોને વેચી દેવામાં આવે છે અથવા તો તેને જૈવિક ખાતરમાં ફેરવી દેવામાં આવે છે.
અગાઉ મહિલા સભ્યો પાસેથી વધારાની બાયો સ્લરીના વ્યવસ્થાપન અને વેચાણનું સંકલન કરી રહેલી મુજકુવા સખી ખડ સહકારી મંડળી હવે સ્લરીના પ્રોસેસિંગની અને જૈવિક ખાતરના ઉત્પાદનની કામગીરી પણ સંભાળશે. એનડીડીબીનો સુધન ટ્રેડમાર્ક આ મંડળીને એક ઓળખ ઊભી કરવામાં અને ઉત્પાદનની ગુણવત્તાની ખાતરી કરવામાં મદદરૂપ થશે.
મહિલાઓના નેતૃત્ત્વ હેઠળની દેશની પ્રથમ ખાતર સહકારી મંડળી
સ્લરીના પ્રોસેસિંગ અને જૈવિક ખાતરના ઉત્પાદનમાં પણ સાહસ ખેડવાના મુજકુવા સખી ખડ સહકારી મંડળીના ર્નિણયની પ્રશંસા કરતાં દિલીપ રથે જણાવ્યું હતું કે, આ મંડળી કે જે મહિલાઓના નેતૃત્ત્વ હેઠળની દેશની પ્રથમ ખાતર સહકારી મંડળી છે, તે સમગ્ર દેશમાં આવી બીજી ઘણી પહેલને પ્રેરિત કરશે. તેમણે આગળ જણાવ્યું હતું કે, એનડીડીબીએ બિહારના બેગુસરાઈ જિલ્લા અને ઓડિશાના કટક જિલ્લામાં પણ આ જ પ્રકારના અન્ય બે પ્રોજેક્ટને સમર્થન પૂરું પાડવાની કામગીરી શરૂ કરી દીધી છે.
રાંધવાના બળતણ પાછળ થતાં ખર્ચાઓ પર નોંધપાત્ર બચત!
દિલીપ રથે જણાવ્યું હતું કે, આ બાયોગેસ પ્લાન્ટ સાથેના છેલ્લાં બે વર્ષના અનુભવથી એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે, વપરાશકર્તાઓ દ્વારા રાંધવાના બળતણ પાછળ થતાં ખર્ચાઓ પર નોંધપાત્ર બચત કરવામાં આવી છે. આથી વિશેષ, બાયોગેસનો ઉપયોગ કરનારી તમામ મહિલાઓએ ઇંધણા વીણી લાવવા અને તેને સળગાવવાના કઠોર પરિશ્રમ તથા તેના સંબંધિત આરોગ્યને રહેલા જાેખમોમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું પણ નોંધ્યું છે.