બિલ ગેટ્‌સ આરામ કરવામાં માનતા નથી



બિલ ગેટ્‌સ એટલા પૈસાદાર છે કે પેઢીઓ આરામથી ખાઈ શકે. તેઓ ૧૨૮ અબજ ડોલરની સંપત્તિના માલિક છે. હાલમાં તેઓ પોતાની સંપત્તિને એવા કામોમાં ખર્ચ કરે છે જેનાથી દુનિયાની સમસ્યાઓનો અંત આવે. તેઓ કહે છે કે વોરેન બફેટ પાસેથી તેમને પ્રેરણા મળે છે અને ક્યારેય નિવૃત્તિ લેવાનું વિચારતા નથી કારણ કે ઘણું કામ કરવાનું છે.

માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને દુનિયાના સૌથી અમીર લોકોમાં સ્થાન ધરાવતા બિલ ગેટ્‌સ આરામ કરવામાં નથી માનતા. તેમની પાસે અબજાે ડોલરની નેટવર્થ છે છતાં તેઓ સતત કામ કરવામાં માને છે. ૬૮ વર્ષના બિલ ગેટ્‌સે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ હજુ ૨૦થી ૩૦ વર્ષ કામ કરવાનું વિચારે છે. તેમાં તેઓ દર અઠવાડિયે છ દિવસ કામ કરવાનું ધારે છે. કોઈ વ્યક્તિએ ક્યારેય કામ કરવાનું બંધ કરવું ન જાેઈએ એવું તેઓ માને છે.

બિલ ગેટ્‌સ અને વોરેન બફેટ એકબીજાના મિત્રો છો અને ગેટ્‌સ કહે છે કે તેમને ૯૪ વર્ષના વોરેન બફેટ પાસેથી પ્રેરણા મળે છે. કારણ કે બફેટ પણ રિટાયર થવાનો કોઈ પ્લાન ધરાવતા નથી. બિલ ગેટ્‌સે કહ્યું કે મારા મિત્ર વોરેન બફેટ અઠવાડિયામાં છ દિવસ ઓફિસે જાય છે. હું આશા રાખું કે મારી પણ હેલ્થ એવી હોય કે હું પણ સપ્તાહમાં છ દિવસ ઓફિસે જઈ શકું. બિલ ગેટ્‌સ પાસે એટલી સંપત્તિ છે કે કેટલીય પેઢી આરામથી ખાઈ શકે કારણ કે લેટેસ્ટ અંદાજ પ્રમાણે તેઓ ૧૨૮ અબજ ડોલરની સંપત્તિના માલિક છે. તેઓ અત્યારે માઈક્રોસોફ્ટના ટેક્નોલોજી એડવાઈઝર છે અને પોતાની સંપત્તિને એવા કામોમાં ખર્ચ કરે છે જેનાથી દુનિયાની સમસ્યાઓનો અંત આવે. ખાસ કરીને ગરીબી, રોગચાળો, ક્લાઈમેટ ચેન્જના પ્રશ્નો અને હેલ્થકેર તથા શિક્ષણ જેવા મુદ્દા પર તેઓ પોતાની મિલ્કત ખર્ચ કરી રહ્યા છે.

નેટફ્લિક્સ પર બિલ ગેટ્‌સને લઈને પાંચ પાર્ટમાં એક ડોક્યુસિરિઝ આવવાની છે જેનું નામ છે 'વ્હોટ નેક્સ્ટઃ ધ ફ્યુચર વિથ બિલ ગેટ્‌સ'. ૧૮મી સપ્ટેમ્બરે આ ડોક્યુસિરિઝનું પ્રીમિયર યોજાવાનું છે. આવતા વર્ષે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશનના ૨૫ વર્ષની ઉજવણી થવાની છે. ગેટ્‌સ કહે છે કે દુનિયામાંથી હજુ પોલિયો નાબુદ નથી થયો, મલેરિયા નાબૂદ નથી થયો. આપણે હજુ ઘણું બધું કામ કરવાનું બાકી છે. અમારે બાળમૃત્યુદર ૫૦ લાખથી ઘટાડીને ૨૫ લાખ કરવો છે. તેથી બિલ ગેટ્‌સ શક્ય હોય ત્યાં સુધી કામ કરવા માંગે છે જેમાં રિટાયર થવાની કોઈ વાત જ નથી. તેઓ કહે છે કે મારી તબિયત સારી હોય તો ઓછામાં ઓછા આગામી ૧૦ વર્ષ તો કામ કરવું છે. મને આશા છે કે ૨૦થી ૩૦ વર્ષ કામ કરી શકીશ. બિલ ગેટ્‌સ તેમની કરિયરની શરૂઆતમાં હતા ત્યારે પુષ્કળ કામ કરતા હતા અને તેની સરખામણીમાં તો અત્યારે બહુ ઓછું કામ કરવાનું થાય છે. તેઓ પોતે કહે છેકે હું પહેલાની જેમ હાર્ડ વર્ક નથી કરતો. હું યુવાન હતો ત્યારે વીકએન્ડમાં કે પછી વેકેશનમાં માનતો ન હતો અને સતત કામ કરતો રહેતો હતો. મારી જેમ કર્મચારીઓ પણ આવી જ સખત મહેનત કરે તેવી અપેક્ષા રાખું છું. હું મારા વર્કરની કારની નંબર પ્લેટ પણ યાદ રાખતો હતો જેથી કરીને તેઓ ક્યારે આવે છે અને ક્યારે જાય છે તેની મને ખબર પડે. ત્યાર પછી વોરેન બફેટે બિલ ગેટ્‌સને સમજાવ્યું કે તેમણે પોતાના પર અને પોતાના સ્ટાફ સાથે આટલું સખત બનવું ન જાેઈએ. બફેટે સમજાવ્યું કે દરેક મિનિટ તમે કામ કરતા રહો તે જરૂરી નથી. તમે તમારા ટાઈમને કન્ટ્રોલ કરો તે જરૂરી છે. બફેટે તે વખતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું ઈચ્છું તે દરેક ચીજ ખરીદી શકું છું. પરંતુ હું સમય નથી ખરીદી શકતો. ગેટ્‌સને પણ લાગ્યું હતું કે તેઓ બ્રેક નથી લઈ શકતા અને વધુ પડતું કામ કરે છે. નોર્થ એરિઝોના યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે હું યુવાન હતો ત્યારે કોઈએ મને બ્રેક લેવાની સાચી સલાહ આપી હોત તો સારું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution