મુંબઇ
'યે હૈ મોહબ્બતેં' ફૅમ એક્ટર અલી ગોની ટૂંક સમયમાં રિયાલિટી શો 'બિગ બોસ'માં સ્પર્ધક તરીકે શોમાં જોવા મળશે. એક્ટરને શોની શરૂઆતમાં જ ઓફર મળી હતી પરંતુ તે બોની કપૂરની વેબ ફિલ્મમાં વ્યસ્ત હોવાને કારણે આવી શક્યો નહોતો. અલી હાલની સ્પર્ધક જાસ્મિન ભસીનની ઘણી જ નિકટ છે. અલી સતત આ સિઝનને ફોલો પણ કરે છે અને સોશિયલ મીડિયામાં જાસ્મિનને સપોર્ટ પણ કરે છે. હવે તે પોતાની કથિત પ્રેમિકા જાસ્મિનને ઘરની અંદર જઈને સરપ્રાઈઝ આપવાનો છે.
અલી ગોની ચાર નવેમ્બરના રોજ 'બિગ બોસ 14'ના ઘરમાં એન્ટર થશે. ચેનલે આ અંગેનો એક પ્રોમો વીડિયો પણ શૅર કર્યો છે. આ વીડિયોમાં અલી કહે છે કે ગયા વીકમાં જાસ્મિનના આંસુ તેનાથી જોવાયા નહોતા. આથી જ તેણે આ શોમાં આવવાનો નિર્ણય લીધો હતો. વધુમાં અલીએ પ્રોમોમાં કહ્યું હતું, 'બેસ્ટ ફ્રેન્ડ કરતાં પણ તું કિંમતી છો, તારા હાસ્યમાં મારું હાસ્ય છુપાયેલું છું. આથી જ વિચાર્યું હતું કે આ ત્રણ મહિના પસાર કરી લઈશ, તે ક્ષણોને યાદ કરીને. જોકે, પછી તારી આંખમાં આંસુ જોયા અને વિચાર બદલી નાખ્યો. આવી રહ્યો છે તારો મિત્ર ચાર નવેમ્બરના રોજ.'
અલી શોની શરૂઆતમાં જ જાસ્મિન સાથે જ ઘરમાં આવવાનો હતો, પરંતુ તે સમયે બોની કપૂરની વેબ ફિલ્મ 'જિદ'માં વ્યસ્ત હતો. આ ફિલ્મમાં અલીએ આર્મી ઓફિસરનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં પૂરું થયું. અલી તથા જાસ્મિનની વધતી નિકટતાને કારણે બંને ચર્ચામાં છે. જોકે, બંનેએ પોતાને એકબીજાના સારા મિત્રો ગણાવ્યા છે. 'બિગ બોસ'ના ઘરમાં અલી તથા જાસ્મિનની જોડી ધમાલ મચાવી શકે છે અને તેથી જ અલીને બીજીવાર શોની ઓફર કરવામાં આવી હતી.
કહેવાય છે કે અલીને શોમાં લાવવા માટે મેકર્સે બિગ અમાઉન્ટ ઓફર કરી હતી. સૂત્રોના મતે અલી ઘરનો સૌથી મોંઘો સભ્ય છે અને તેને રૂબીના કરતાં પણ વધુ ફી આપવામાં આવશે. રૂબીનાને દર અઠવાડિયે પાંચ લાખ રૂપિયા મળે છે.