દાહોદ વિધાનસભા બેઠક પર મોટો અપસેટ ઃ વજેસિંહ પણદાનું પત્તુ કાપી નાખી હર્ષદ નિનામાને ટિકિટ અપાઈ

દાહોદ,તા.૧૭

૧૩૨ દાહોદ વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય વજેસિંહ પણદાએ પોતાને મળેલ ટેલીફોનિક સૂચના બાદ ગતરોજ કોંગ્રેસના ધારાસભ્ય પદ માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યા બાદ આજે કોંગ્રેસ દ્વારા બહાર પડાયેલ ઉમેદવારોના નામોની અંતિમ યાદીમાં વજેસિંહ પણદાનું પત્તુ કપાઈ જતા અને દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા નું નામ યાદીમાં આવતા દાહોદ વિધાનસભા બેઠક પર મોટો અપસેટ સર્જાયો છે. પરમ દિવસ તારીખ ૧૪ મી નવેમ્બરના રોજ રાતે ૧૩૨ દાહોદ વિધાનસભાની બેઠક પર ઉમેદવારી પત્ર ભરવા માટે પ્રદેશ કક્ષાએથી વજેસિંહ પણદા પર ફોન આવ્યા નું અને તે રાતે જ કોંગ્રેસના કાર્યકરોને આ બાબતની જાણ કરી પોતાના કાર્યાલય ખાતે બોલાવી ફટાકડા ફોડી ખુશી મનાવી હોવાનું જાણવા મળ્યું છે અને બીજે જ દિવસે એટલે કે ગઈકાલ તારીખ ૧૫ મી નવેમ્બરના રોજ વજેસિંહ પણદાએ પોતાના સમર્થકો અને કાર્યકરોના જંગી કાફલા સાથે રેલી સ્વરૂપે વાજતે ગાજતે દાહોદ પ્રાંત અધિકારી કચેરીએ રેલી સ્વરૂપે જઈ પોતાનું શક્તિ પ્રદર્શન બતાવી ઉમેદવારી પત્રભરી પોતાના પ્રચાર કાર્યમાં લાગી ગયા હતા. વજેસિંહ પણદાની પોતાને ટિકિટ મળ્યાની આ ખુશી ક્ષણિક નીવડી અને કોંગ્રેસ દ્વારા આજે બહાર પાડવામાં આવેલ ઉમેદવારોની અંતિમયાદીમાં વજેસિંહ પણદાના નામનો છેદ ઉડી જતા અને તેમની જગ્યાએ દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામાનું નામ આવતા ૧૩૨ દાહોદ વિધાનસભાની બેઠક પર ભારે અપસેટ સર્જાતા ચૂંટણીના સમીકરણો એકાએક બદલાઈ જતા ભાજપા કાર્યકરો ગેલમાં આવી ગયા છે. ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ આજે તારીખ ૧૭મી નવેમ્બર હોઇ હર્ષદ નીનામા દાહોદ વિધાનસભા બેઠક માટે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા વાંજતે ગાજતે રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. દાહોદ વિધાનસભાની બેઠક પર આ અપસેટ સર્જાતા વજેસિંહ પણદાનું ચોથી વખત વિધાયક બનવાનું સપનું રોળાઈ જતા તેમના સમર્થકોમાં સોપો પડી જવા પામ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution