અમેરિકામાં ક્રિકેટનો ક્રેઝ વધારવા મોટા માથાઓ મેદાને

વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ એવા બીસીસીઆઈ દ્વારા વિવિધ મેચોનું આયોજન કરીને જંગી રકમ અંકે કરવામાં આવી રહી છે. સાથોસાથ હવે ક્રિકેટને ગ્લોબલ રમત બનાવવા માટે બીસીસીઆઈ દ્વારા પુષ્કળ પ્રમાણમાં પ્રયત્નો કરવીમાં આવી રહ્યા છે, એવા અનેક નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે જેનાથી ક્રિકેટ એ બોક્સિંગ અને ટેનિસની જેમ ગ્લોબલ રમત બની જાય.

આ માટે અમેરિકાથી શરૂઆત કરવામાં આવી હતી. તમે જાણો છે કે અમેરિકા ખાતે વેસ્ટ ઇન્ડીઝના સહયોગથી ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્પર્ધાને ખૂબ સફળતા મળી હતી. ટૂંક જ સમયમાં અમેરિકામાં ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય રમત બની ગઈ છે. અત્યારે અમેરિકામાં ક્રિકેટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે જે મોટા માથાઓ મેદાને પડ્યા છે તે જાેતા આ દેશની લોકપ્રિય રમત બેઝબોલનું સ્થાન ક્રિકેટ લઈ લેશે એમ કહીએ તો તે અતિશયોક્તિ નહીં કહેવાય. ભારતની જેમ અમેરિકામાં પણ ક્રિકેટ સોનાના ઈંડા આપતી મરઘી છે તે બિઝનેસમેનો સમજી ગયા છે. હવે અમેરિકામાં પણ ભવિષ્યમાં પણ ક્રિકેટ મહત્વની રમત બની રહેશે એ ગણતરીથી મોટા માથાઓ ક્રિકેટ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છે. જેમાં સૌથી અગ્રેસર છે માઈક્રોસોફ્ટના સીઈઓ અને સિએટલ ટીમના માલિક સત્ય નાડેલા. તેઓ વોશિંગ્ટનમાં એક વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની યોજના લઈને આવ્યા છે અને આ યોજનાને પાર પાડવા માટે તેઓ અમેરિકા ખાતે વિધિવત પરવાનગી મેળવવા માટેની તજવીજમાં લાગી ગયા છે.

સત્ય નાડેલાએ વોશિંગ્ટનમાં રેડમંડ સ્થિત મેરી મૂડ પાર્કમાં મોટું સ્ટેડિયમ બનાવવાની યોજના ઘડી છે. આ જગ્યા માઈક્રોસોફ્ટ કેમ્પસ અને બે યુનિવર્સિટી પાસે છે. ઉપરાંત સાન ફ્રાન્સિસ્કો યુનિકોન સિલિકોન વેલી પાસે સાન્તા ક્લાર્ક એકાઉન્ટમાં પણ સ્ટેડિયમ બનાવવાનો પ્રસ્તાવ છે. જેને હવે લગભગ ટૂંક સમયમાં મંજૂરી મળી જશે.

 સાન ફ્રાન્સિસ્કો ટીમે સ્ટેડીયમ બનાવવા માટે એવી જગ્યા પસંદ કરી છે જ્યાં ભારત કે દક્ષિણ એશિયાના અન્ય સ્થળોથી આવેલા લગભગ ૨,૫૦,૦૦૦ ધનિક લોકો વસે છે. સ્વાભાવિક છે કે તેઓ ક્રિકેટના શોખિન હોય. માઈક્રોસોફ્ટના સીઈઓના નાડેલા ભવિષ્ય પારખી ગયા છે. તેમણે મોટું સ્ટેડિયમ બનાવવા સાથે અમેરિકામાં ક્રિકેટને લોકપ્રિય બનાવવા માટે અને વધુ દર્શકો ખેંચાઈ આવે તે માટે અનેક યોજનાઓ પણ બનાવી છે. અમેરિકામાં મોટાભાગની લીડિંગ કંપનીઓની મેચના વિવિધ હક્કો મેળવવા માટે કતાર લાગી ગઈ હોય એવી સ્થિતિ છે.

આ મોટા સ્ટેડિયમ ઉપરાંત અમેરિકાના વિવિધ વિસ્તારોમાં નાનામોટા સ્ટેડિયમ બનાવવાની યોજના પણ બનાવવામાં આવી છે. નાના સ્ટેડિયમ લગભગ બે-ચાર હજાર લોકો સમાવી શકે અને મોટા સ્ટેડિયમમાં ૧૫થી ૨૦ હજાર લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જ્યારે વેપારી વિચારધારા ધરાવતા લોકો પણ આ તકનો ફાયદો ઉઠાવવામાં પાછળ નથી. જેમાં મનોરંજન માટેની વ્યવસ્થા, ડાઇનિંગ માટેની વ્યવસ્થા, રહેવા માટેની વ્યવસ્થા, નાનીમોટી ખરીદી કરવા માટેની વ્યવસ્થા અને ટુરિઝમ માટે પણ બિઝનેસમેનો આમાં લાગી ગયા છે.એ દરેકનો આધાર એક જ છે અને તે છે ક્રિકેટ. તેઓને ચોક્કસપણે વિશ્વાસ છે કે ભવિષ્યમાં અમેરિકામાં નંબર વન રમત ક્રિકેટ બની જશે અને બેઝબોલ પાછળ ધકેલાઈ જશે. બોલ પાર્ટને ક્રિકેટ સ્ટેડિયમમાં તબદીલ કરવાનો વિચાર પણ મુકવામાં આવ્યો છે. અને તે માટેની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી છે. આ કેન્દ્રના મેનેજર બીલ હિલ્સ મોટાભાગના અમેરિકનોની જેમ ક્રિકેટથી અજાણ હતા. ગત વર્ષે ગ્રાન્ડ પેરીનું ૭,૨૬૩ની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ બન્યું ત્યારથી તેની પ્રસિદ્ધિ વધી ગઈ છે. આ સ્ટેડિયમ પર અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે મેચ પણ રમાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં દર્શકો હાજર રહ્યા હોવાથી આ સ્થળને ક્રિકેટ માટે મહત્વનું માનવામાં આવ્યું છે.

બીજી બાજુ લોન આઇલેન્ડમાં હંગામી મેદાન પર ૩૪ હજાર દર્શકોએ ભારત અને પાકિસ્તાનની મેચ નિહાળી હતી તે જાેઈને અમેરિકનો ચોંકી ગયા હતા. તેઓ સમજી ચૂક્યા હતા કે અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. માટે અત્યારથી તેમાં રોકાણ કરવામાં આવે તો કમાણી કરી શકાય એમ છે. એટલે ભવિષ્યમાં ભારતની જેમ અમેરિકામાં ક્રિકેટ એક મહત્વની રમત બની જાય એવું કહી શકાય. ભૂતકાળમાં આપણે જઈએ તો જાણી શકાશે કે એક સમય એવો હતો કે જ્યારે અમેરિકામાં ક્રિકેટની રમત લોકપ્રિય હતી. એક સમયે ક્રિકેટ અમેરિકનોની માનીતી રમત હતી.

વર્ષ ૧૮૫૩માં ન્યુયોર્ક ટાઇમ્સમાં ક્રિકેટની રમતને મર્દાનગી અને એથ્લેટીકની રમત ગણવામાં આવી હતી. તે સમયે ત્યાં વિવિધ ક્લબ દ્વારા વિવિધ મેચો રમાતી હતી. ૧૯મી સદીના અંતમાં બેઝબોલની રમત દાખલ થઈ અને આ રમત એટલી લોકપ્રિય બની કે તેને ક્રિકેટની રમતની લોકપ્રિયતામાં ઘટાડો કરી નાંખ્યો. લગભગ ક્રિકેટની રમત આઉટ થઈ ગઈ અને તેનું સ્થાન બેઝબોલની રમતે લઈ લીધું.

પરંતુ હવે ફરીથી સમય બદલાયો છે અને બેઝબોલના બદલે હવે ક્રિકેટના દર્શકો વધવા લાગ્યા છે. તેમાં બીસીસીઆઈ દ્વારા પણ તેના શેડ્યુલમાં ફેરફાર કરવાની વિચારણા ચાલુ કરવામાં આવી છે. ભવિષ્યમાં જેમ ભારતમાં આખું વર્ષ કોઈ પણ બહાને, કોઈપણ ટુર્નામેન્ટના નામે કે કોઈના નામ પર વિવિધ ક્રિકેટ મેચ રમાડવામાં આવી રહી છે એવી મેચો અમેરિકામાં પણ રમાડવામાં આવશે. જેથી વધુ લોકો ક્રિકેટની મેચો જાેવા આવે. ભવિષ્યમાં બીસીસીઆઇ દ્વારા પણ એક ખાસ પ્લાન મુકવામાં આવશે. જેમાં ફક્ત ભારતનો જ ક્રિકેટર શેડયુલ નહીં પરંતુ અમેરિકા ખાતે યોજાનાર ક્રિકેટ શેડ્યુલ પણ જાહેર કરવામાં આવશે. ભવિષ્યમાં ક્રિકેટને ગ્લોબલ રમત બનાવવામાં આવે તેમાં માત્ર ગણતરીના વર્ષો બાકી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution