અમેરિકામાં બિગ લોટ્સના ૧૪૦૦ની આસપાસ સ્ટોર છે જેમાંથી ઘણા સ્ટોર સતત ખોટ કરી રહ્યા છે અથવા તેનું પરફોર્મન્સ નબળું છે. તેના કારણે ૩૦૦થી વધારે સ્ટોર બંધ કરવાનો ર્નિણય લેવાયો છે. આ કંપનીનો શેર છેલ્લા એક વર્ષમાં ૯૦ ટકા કરતા વધારે ઘટ્યો છે અને કદાચ કાયમ માટે તે બિઝનેસમાંથી નીકળી જાય તેવી શક્યતા છે.
અમેરિકાની રિટેલ ઈન્ડસ્ટ્રીમાં બિગ લોટ્સ એક મોટું નામ છે, પરંતુ અત્યારે જે કોમ્પિટિશન ચાલે છે તેમાં મ્ૈખ્ત ન્ર્ંજ માટે ટકી રહેવું મુશ્કેલ છે. બિગ લોટ્સે તેના ૩૧૫ સ્ટોર બંધ કરવાની જાહેરાત કરી છે અને શક્ય છે કે આ રિટેલર કાયમ માટે બંધ થઈ જાય. યુએસમાં વોલમાર્ટ, ટાર્ગેટ વગેરે બધા રિટેલરો માટે કોઈને કોઈ સમસ્યા છે જ. તેમાં બિગ લોટ્સ પણ સામેલ છે. યુએસમાં આવી સ્થિતિ શા માટે પેદા થઈ? બિગ લોટ્સે પહેલા જ કહી દીધું છે કે તેની નાણાકીય સ્થિતિ સારી નથી, તેની ખોટ સતત વધતી જાય છે જેના કારણે તેના ચોથા ભાગના સ્ટોરને કાયમ માટે તાળા મારવા પડશે. બિગ લોટ્સ એ એક ડિસ્કાઉન્ટ રિટેલર છે અને ત્યાંથી માલ ખરીદનારો એક મોટો વર્ગ છે. જૂન મહિનામાં તેના નફાના આંકડા બહુ ખરાબ આવ્યા ત્યારે જ તેણે જાહેરાત કરી હતી કે તે ૪૦ સ્ટોર બંધ કરશે. અને હવે ૩૦૦થી વધારે સ્ટોર બંધ કરવાની જાહેરાત કરી છે. બિગ લોટ્સે ગયા ક્વાર્ટરમાં ૨૦.૫ કરોડ ડોલરની જંગી ખોટ કરી હતી અને તેના સેલ્સમાં પણ ૧૦ ટકાનો ઘટાડો આવ્યો હતો. તેનું કારણ એ છે કે ગ્રાહકો ખર્ચ ઘટાડતા જાય છે. શક્ય હોય ત્યાં સુધી ખર્ચ કરવાનું ટાળે છે. કોઈ પણ વ્યક્તિ જેને દર મહિને અથવા દર અઠવાડિયે કોઈને કોઈ ચીજ ખરીદવાની ટેવ હોય અથવા તો જરૂરિયાતના કારણે ખરીદતા હોય, તે લોકો ખરીદવાનું બંધ ક્યારે કરી દે? સ્વભાવિક છે કે લોકોને જ્યારે પોતાની આવક વિશે ખાતરી ન હોય ત્યારે તે ખર્ચ ઘટાડી દે છે. અમેરિકામાં મંદીના ભણકારા વાગે છે તેનું એક કારણ આ પણ છે.
યુએસ ધીમે ધીમે મંદી તરફ આગળ વધશે તેવી આગાહી પહેલેથી કરવામાં આવી છે. હવે મોટા રિટેલર્સ તેના સેંકડો સ્ટોર બંધ કરી રહ્યા છે. આ બધા વચ્ચે ચોક્કસ એક લિંક છે કારણ કે સ્ટોર બંધ થવાના કારણે હજારો લોકો બેરોજગાર થઈ જશે. આ ઉપરાંત જીડીપીના ગ્રોથને પણ અસર થશે. ફરી પાછા બિગ લોટ્સની વાત પર આવીએ તો બિગ લોટ્સે તેના ફાઈનાન્સર સાથે નવેસરથી લોન એગ્રીમેન્ટ કર્યા છે અને તેમાં એવું નક્કી થયું છે કે જે સ્ટોર્સ સારી એવી કમાણી નથી કરી શકતા તેને બંધ કરવામાં આવે. તેથી ઓછામાં ઓછા ૩૧૫ સ્ટોર આ કારણથી બંધ કરવામાં આવશે. લોકો કમાતા જ રહે અને ખર્ચ કરતા જ રહે તેના પર યુએસ ઈકોનોમીનો ખાસ આધાર છે અને તેની લિંક બ્રેક થાય તો સેંકડો સ્ટોર બંધ થાય અને હજારો લોકો બેરોજગાર થઈ શકે છે. બિગ લોટ્સની વેબસાઈટ પ્રમાણે તે આખા અમેરિકામાં ૧૩૮૯ સ્ટોર ઓપરેટ કરે છે. એટલે કે હવે તેના ચોથા ભાગના સ્ટોર બંધ કરી દેવામાં આવશે. બિગ લોટ્સે એક સ્ટેટમેન્ટ આપીને કહ્યું છે કે અમારે એફિસિયન્ટ રીતે કામ કરવું છે, અમે સેલ્સને ધ્યાનમાં રાખીને સ્ટોર્સ ઓપરેટ કરવાનના છીએ. કંપનીએ દાવો કર્યો કે તેના મોટા ભાગના સ્ટોર નફો કરે છે પરંતુ જ્યાં અંડરપરફોર્મન્સ ચાલે છે તેવા સ્ટોરને બંધ કરવામાં આવશે.
બિગ લોટ્સ એ ૫૭ વર્ષ જૂની કંપની છે અને બીજા કરતા સસ્તા ભાવે માલ વેચવા માટે જાણીતી છે. પરંતુ હવે આ બિઝનેસમાં ઘણી કોમ્પિટિશન વધી ગઈ છે. તાજેતરમાં ૧૩૪ વર્ષ જૂના ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર હોમપ્લસે દેવાળું જાહેર કર્યું છે અને તેના બધા સ્ટોર બંધ થવાના છે. બોબ્સ સ્ટોર અને ૯૯ સેન્ટ્સ ઓન્લીનના સ્ટોર પણ આ વર્ષે જ બંધ થઈ ગયા છે. છેલ્લા એક વર્ષમાં બિગ લોટ્સના શેરના ભાવમાં ૯૦ ટકા ઘટાડો આવ્યો છે. તેના પરથી સ્પષ્ટ કહી શકાય કે અમેરિકામાં રિટેલ ઈન્ડસ્ટ્રી બીમાર પડી ગઈ છે. અહીં એક મહત્ત્વની વાત યાદ રાખવાની જરૂર છે કે અમેરિકન કસ્ટમર્સ જરૂરી ન હોય તેવી ચીજાે પણ સતત ખરીદતા રહેવા માટે જાણીતા છે અને હવે તેઓ બહુ જ જરૂરી ચીજ હોય તેને જ ખરીદવા લાગ્યા છે. મોટા ભાગનાને પોતાના ફ્યુચરની ચિંતા સતાવે છે કે ભવિષ્યમાં તેમની આવક ટકી રહેશે કે નહીં. તેથી ભવિષ્યમાં કોઈ મુસીબતમાં ન મૂકાય તે માટે તેઓ કોસ્ટ કટિંગ કરે છે અને તેની અસર બિઝનેસ પર પણ પડી છે.