મુંબઇ
દેશ કોરોના મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે અને ચારેબાજુ ગ્લાનિયુક્ત માહોલ છે. ઉદ્યોગપતિ, ક્રિકેટર્સ કે કલાકારો...તમામ મોટી હસ્તીઓ હાલ દેશને મદદ માટે આગળ આવી છે. હવે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ સહાય કરી છે. અમિતાભ બચ્ચને દિલ્હીના કોવિડ કેર સેન્ટરમાં 2 કરોડ રૂપિયા દાન કર્યા છે.
દિલ્હીના ગુરુદ્વારાએ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે જેમાં બિગ બીએ 2 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. સાથે જ અમિતાભ બચ્ચને સુનિશ્ચિત કર્યું છે કે, ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ વિદેશથી ભારત સમયસર આવી જાય અને ગુરુદ્વારાના કોવિડ કેર સેન્ટરમાં પહોંચી જાય. અકાલી દળના પ્રવક્તાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલાસો કર્યો છે કે, આ મુશ્કેલ સમયમાં કેવી રીતે બિગ બીએ મદદ કરી છે.
મનજિંદર સિંહ સિરસાએ ટ્વિટ કરતાં લખ્યું, "શીખ મહાન છે, શીખોની સેવાને સલામ... આ શબ્દો હતા અમિતાભ બચ્ચનજીના જ્યારે તેમણે શ્રી ગુરુ તેગ બહાદુર કોવિડ કેર ફેસિલિટી માટે 2 કરોડ રૂપિયા દાન કર્યા હતા. દિલ્હી ઓક્સિજ માટે ઝઝૂમી રહ્યું છે ત્યારે અમિતાભજી લગભગ રોજ મને ફોન કરીને આ સુવિધાની પ્રગતિ વિશે પૂછતા રહે છે."
આ સિવાય કોરોના સાથે જોડાયેલી વેક્સ લાઈવ ગ્લોબલ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચને ભાગ લીધો હતો. વિડીયો શેર કરતાં બિગ બીએ લખ્યું, "ભારત માટેની લડાઈ અને આ કોન્સર્ટનો ભાગ બનીને ગૌરવ અનુભવું છું." અમિતાભ બચ્ચન વિડીયોમાં કહે છે, "નમસ્કાર, હું અમિતાભ બચ્ચન છું. મારો દેશ ભારત કોરોના મહામારીની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. એક વૈશ્વિક નાગરિક હોવાથી હું તમામ લોકોને વિનંતી કરું છું કે તેઓ પોતાની સરકારો અને ફાર્મા કંપનીઓ સાથે વાત કરે અને સહયોગની અપીલ કરે. દરેક નાનો પ્રયાસ સાર્થક થાય છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું તેમ- વિનમ્રતાથી તમે દુનિયા હલાવી શકો છો. આભાર."