વડોદરા : શહેરમાં સૌ પ્રથમવાર ‘ગુજસીટોક’ના નોંધાયેલા ગુનામાં બિચ્છુગેંગના ૨૬ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો જેમાં એકસાથે ૧૨ આરોપીઓને ઝડપી પાડી ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ ઝડપાયેલા વધુ ત્રણ આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી પોલીસે ૧૩ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બીજી તરફ બિચ્છુગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયાને શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચની બીજી ટીમો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રવાના થઈ છે.
ખંડણી, અપહરણ, હત્યા, હત્યાનો પ્રયાસ, લંૂટ જેવા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં કાર્યરત ગેંગ ઉપર સકંજાે કસવા માટે રાજ્ય સરકારના ‘ગુજસીટોક’ના બનાવેલા કડક કાયદા બાદ વડોદરામાં નોંધાયેલા સૌ પ્રથમ ગુનામાં બિચ્છુગેંગના ર૬ આરોપીઓના નામ હતા, જે પૈકી ૧૨ આરોપીઓને બુધવારે અને બીજા ત્રણ આરોપીઓને ગુરુવારે પોલીસે ઝડપી પાડયા હતા. તેમને અદાલત સમક્ષ રજૂ કરી ૧૩ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીઓમાં અરુણ પ્રકાશ ખારવા (રહે. નવાપુરા), મહંમદ ઈર્શાદ ઉર્ફે હીરો વારીસ અલી શેખ (રહે. રોશનનગર) અને અતિક સફદર હુસેન મલેકને સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજાે મેળવીને કોવિડ-૧૯ની કાર્યવાહી કર્યા બાદ અદાલત સમક્ષ રજૂ કરાયા હતા. બિચ્છુગેંગના આતંક સામે વડોદરા શહેર પોલીસ કમિશનર ડો. સમશેરસિંગને ફરિયાદ મળ્યા બાદ ડીસીપી ક્રાઈમ જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ ક્રાઈમ બ્રાન્ચે બિચ્છુગેંગના ર૬ આરોપીઓ સામે ગુનો નોંધી ૧૨ આરોપીઓને ઝડપી પાડયા હતા. આ ટોળકીએ છેલ્લાં ૧૦ વર્ષમાં પણ સતત ગંભીર ગુનાઓ આચર્યા હતા.