દિલ્હી-
ભીમા-કોરેગાંવ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા 28- જુલાઈએ દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર હની બાબૂની ધરપકડ કરવામાં આવી છે. હની બાબૂની NIAની મુંબઈની ઓફિસમાં 23 જુલાઈથી પૂછપરછ ચાલી રહી હતી.દિલ્હી યુનિવર્સિટીમાં અંગ્રેજીના આસિસ્ટન્ટ પ્રોફેસર બાબૂ પર નક્સલ ગતિવિધિઓ અને માઓવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ છે.સપ્ટેમ્બર 2019માં પૂણે પોલીસે હની બાબૂના નોઈડા સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતા. જેમાં તેમનો મોબાઈલ ફોન અને કૉમ્પ્યુટર જપ્ત કરી લેવામાં આવ્યા હતા.
હની બાબૂની પત્ની અને દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર જેની રોવેનાને 28-જુલાઈએ NIA તરફથી એક કૉલ આવ્યો અને તેમને જણાવાયું કે, બાબૂની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે જ કહેવાયું કે, હની બાબૂના ગત વર્ષે જપ્ત કરવામાં આવેલા કૉમ્પ્યુટરમાંથી એક ગુપ્ત ફોલ્ડર મળી આવ્યું છે. જેમાં આરોપ લગાવવા માટે પૂરતા પુરાવા મળ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે 31 ડિસેમ્બર 2017માં પૂણેના શનિવારવાડામાં કબીર કલા મંચ દ્વારા આયોજિત એલ્ગાર પરિષધના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા સાથે સંકળાયેલો છે. આરોપ છે કે, અહીં ભડકાઉ ભાષણના કારણે હિંસા ભડકી હતી. સમગ્ર મહારાષ્ટ્રમાં થયેલા પ્રદર્શનમાં કરોડોનું નુક્સાન થયું હતું.
હની બાબૂ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા 12માં વ્યક્તિ છે. સુધા ભારદ્વાજ, શોભા સેન, સુરેન્દ્ર ગાડલિંગ, મહેશ રાઉત, અરુણ ફર્રેરા, સુધીર ધાવલે, રોના વિલ્સન, વર્નન ગોંજાલ્વ્સ, વરવર રાવ, આનંદ તેલતુંબડે અને ગૌતમ નવલખા જેવા એક્ટિવિસ્ટોની અત્યાર સુધીમાં ધરપકડ થઈ ચૂકી છે. હાલ તેઓ જેલમાં છે. હની બાબૂને 29 જુલાઈએ મુંબઈની NIA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમની કસ્ટડી માંગવામાં આવશે.