ભુજ-
તાલુકાના નાના રેહા ગામના જંગલ વિસ્તારમાં શિકારી ટોળકી દ્વારા વન્ય જીવોનો શિકાર કરાયો હતો. રાત્રી દરમ્યાન શિકારી ટોળકીઓ જંગલ વિસ્તારમાં શિકાર કરતી હતી, ત્યારે ગામના જાગૃત નાગરીકોએ બે શખ્સોને ઝડપી પાડયા હતા, જ્યારે ચાર શખ્સો અંધારાનો લાભ લઈને નાસી છુટયા હતા. બનાવને પગલે વનતંત્રને જાણ કરતા આર.એફ.ઓ. સહિતની ટીમ દ્વારા ઘટના સ્થળે તપાસ આદરાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના નાના રેહાની સીમમાં જંગલ વિસ્તારમાં શિકારી ટોળકી દ્વારા વન્ય જીવોનો શિકાર કરાયો હોવાનું સામે આવ્યું છે. રાત્રે ખેડૂતો પોતાના ખેતરોમાં રખેવાડી કરતા હતા, તે દરમ્યાન શિકાર કરાયાની ઘટના જંગલ વિસ્તારમાં સામે આવતા જાગૃત નાગરિકોએ બે શખ્સોને ઝડપી પાડયા હતા.
જ્યારે અન્ય ચાર આરોપીઓ અંધારાનો લાભ લઈને નાસી છુટ્યા હતા. રાત્રીના અંધારામાં જંગલ વિસ્તારમાં કોઈ પણ સ્થળે આરોપીઓએ સસલાનો શિકાર કર્યો હોવાનું કબુલ્યું હતું. ત્યારે ગ્રામજનો દ્વારા વનતંત્રને બનાવ અંગે જાણ કરાતા આરએફઓ કે.બી.ભરવાડ સહિતની ટીમ નાના રેહાના જંગલ વિસ્તારમાં દોડી ગઈ હતી. બન્ને આરોપીઓનો કબજો મેળવીને કયા સ્થળે તેઓએ શિકારની ઘટનાને અંજામ આપ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.