અરવલ્લી,ભિલોડા,તા.૧૩
માં હાથમતી નદી નજીક રોડ પર પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી બાઈક ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા બાઈકચાલક રોડ પર પટકાતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. અકસ્માતના પગલે ભિલોડા પીએસઆઈ રાજપૂત ઘટનાસ્થળે દોડી આવી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જી ફરાર ડમ્પર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. ભિલોડા તાલુકાના ડોડીસરા ગામનો વિજય કુમાર કાનજીભાઈ મોડીયા(ઉં.વર્ષ-૨૫) બાઈક લઈ કામકાજ અર્થે નીકળ્યો હતો. ભિલોડા હાથમતી નદી નજીક આવેલા પેટ્રોલપંપ પાસે રોડ પરથી પસાર થતાં આગળ જઈ રહેલા ડમ્પરના ચાલકે બેફામ ગતિએ ડમ્પર હંકારી રોડ પર ઓચિંતી બ્રેક મારતા બાઈક ડમ્પર પાછળ જોરથી ભટકાતા બાઈક ચાલક યુવક રોડ પર પટકાતાં વિજયભાઈના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાના પગલે યુવકના પરિવારજનો અને સગા-સંબંધી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભિલોડા પોલીસને અકસ્માતની ઘટનાની જાણ થતા તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડી નગીનભાઈ મોડિયાની ફરિયાદના આધારે ડમ્પરચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.