ભરૂચ, ભરૂચ નગર પાલિકા વિસ્તારમાં ઉમેદવારો તેમજ તેમના કાર્યકર્તાઓ પક્ષ પલટો કરવા થનગની રહ્યા છે. છેલ્લા ૧૫ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત તેમજ ટાઇગર એકતા ગ્રુપના શંભુ માછી અને તેમની ટીમે ભાજપની કામગીરીથી નારાજ થઈ ભાજપનો વર્ષોજુનો ખેસ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે જાેડતા ભરૂચ નગર પાલિકા પૂર્વ પ્રમુખના વોર્ડ નંબર ૭ માં મોટાપાયે વોટનું ભંગાણ થાય તો નવાઈ નહિ. સાથે જ ઝાડેશ્વર ખાતે રહેતાં સમાજિક કાર્યકર અંકુર પટેલ સહિતના લોકો પણ કોંગ્રેસનો ખેસ ધારણ કરી આ વખતે કોંગ્રેસ લોકોને વિશ્વાસ અપાવવામાં સફળ રહી છે તેવી વાત કરી હતી. કાર્યક્રમમાં શહેર પ્રમુખ વિકી શોખી, ગણેશ સુગરના ચેરમેન સંદિપ મંગરોલા, નગર પાલિકા વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ, નગર સેવક હેમેન્દ્ર કોઠીવાળા, હશુભાઈ પટેલ, ઝુંબેર પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.