મનોજકુમાર દેશભક્તિના વિષયો પર આધારિત ફિલ્મો બનાવવા માટે એટલા જાણિતા થયાં હતાં કે તેમને લોકો “ભારતકુમાર”ના હુલામણા નામે ઓળખતા હતાં. તેમણે વિવિધ શ્રેણીઓમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને સાત ફિલ્મફેર પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે. ભારતીય સિનેમા અને કળામાં તેમના યોગદાન માટે ભારત સરકાર દ્વારા તેમને ૧૯૯૨માં પદ્મશ્રી અને ૨૦૧૬માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૫૭-૧૯૯ વચ્ચે તેમણે દેશભક્તિની અનેક ફિલ્મો આપી હતી. છ ફૂટ એક ઇંચની હાઈટ ધરાવતા મનોજકુમારે શશી ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતાં અને સંતાનોમા પુત્ર કુણાલ ગોસ્વામી છે.
મનોજકુમારનો જન્મ બ્રિટિશ ભારતના ઉત્તર-પશ્ચિમ સરહદી પ્રાંતના એબટાબાદ,હાલનું ખાઇબર પખ્તુનવા પાકિસ્તાનમાં પંજાબી હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું જન્મનું નામ હરિક્રિષ્ણ ગિરિ ગોસ્વામી હતું. જ્યારે તેઓ ૧૦ વર્ષના હતાં, ત્યારે ભારત વિભાજનને કારણે તેમનો પરિવાર જંડિયાલા શેરખાનથી દિલ્હી સ્થળાંતર કરી આવ્યો હતો. મનોજકુમારે ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવતા પહેલા હિન્દુ કોલેજમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. જ્યારે તેઓ નાના હતાં ત્યારે તેઓ અભિનેતાઓ દિલીપકુમાર, અશોકકુમાર અને કામિની કૌશલના પ્રશંસક હતાં. ‘શબનમ‘ ફિલ્મમાં દિલીપકુમારના પાત્રના નામ પર પોતાનું નામ મનોજકુમાર રાખવાનું તેમણે નક્કી કર્યું હતું.
ફિલ્મ ‘ફેશન’માં તેમણે થોડું ધ્યાન ખેંચ્યું અને ત્યારબાદ સહારા, ચાંદ, અને હનીમૂન જેવી ફિલ્મોમાં સામાન્ય ભૂમિકાઓ કર્યા પછી ૧૯૬૧માં તેમણે 'કાંચ કી ગુડિયા’માં તેમની પ્રથમ મુખ્ય ભૂમિકા મળી હતી. ત્યારબાદ પિયા મિલન કી આશ,સુહાગ સિંદૂર, રેશ્મી રૂમાલ ફિલ્મો આવી, પરંતુ તેમાંથી મોટાભાગની ફિલ્મો કોઈ નોંધપાત્ર નહોતી તેથી ડૂબી ગઈ. પ્રથમ સફળતા ૧૯૬૨માં વિજય ભટ્ટની ફિલ્મ ‘હરિયાલી ઔર રાસ્તા’ જેમાં માલા સિન્હા અભિનેત્રી હતી,તેનાથી મળી હતી.
તેમને ૧૯૬૪માં રાજ ખોસલાની રહસ્યમય રોમાંચક ફિલ્મ ‘વો કૌન થી’ ના કારણે પ્રચંડ લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મ સુપરહિટ બની હતી.૧૯૬૫ મનોજકુમાર માટે એક મહત્વનું વર્ષ સાબિત થયું, કારણ કે ત્યારથી તેમના સ્ટારડમમાં વધારો થયો હતો. તેમની પ્રથમ દેશભક્તિની ફિલ્મ ‘શહીદ’ હતી. જે ક્રાંતિકારી ભગતસિંહના જીવન પર આધારિત હતી. તેને વિવેચકો તેમજ ભારતના તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને તે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ પછી રોમેન્ટિક ડ્રામા 'હિમાલય કી ગોદ મેં’ આવ્યું, જે એક મોટી બ્લોકબસ્ટર ફિલ્મ હતી, જેણે તેમને બોલિવુડમાં એક મજબુત સ્થાન આપ્યું.
૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી, વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ તેમને લોકપ્રિય સૂત્ર 'જય જવાન જય કિસાન’ પર આધારિત ફિલ્મ બનાવવા કહ્યું હતું. તેના પરિણામે તેમના નિર્દેશન હેઠળ દેશભક્તિપૂર્ણ ફિલ્મ ‘ઉપકાર’ બની. તે ઓલ ટાઇમ બ્લોકબસ્ટર બની. તેનું સંગીત ૧૯૬૦ના દાયકાનું છઠ્ઠું સૌથી વધુ વેંચાતું હિન્દી ફિલ્મ આલ્બમ હતું. ઉપકારનું એક ગીત,‘મેરે દેશ કી ધરતી’ ભારતમાં પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન દર વર્ષે વગાડવામાં આવે છે. આ ફિલ્મે મનોજકુમારને બીજી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર તેમજ તેમનો પ્રથમ ફિલ્મફેર શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર અપાવ્યો હતો.
વર્ષ ૧૯૬૯માં રાજેશ ખન્નાનો ઉદય થયો, જેમણે ‘આરાધના’ અને ‘દો રાસ્તે’ જેવી એક પછી એક બ્લોકબસ્ટર ફિલ્મો સાથે દેશભરમાં ધૂમ મચાવી હતી. તેમના ઉદયને કારણે ઘણા સ્થાપિત કલાકારોની કારકિર્દીમાં ઘટાડો થયો.પરંતુ મનોજકુમાર અને ધર્મેન્દ્ર ‘રાજેશ ખન્ના મેનિયા’થી અપ્રભાવિત રહ્યાં અને મોટી લોકપ્રિય ફિલ્મો આપતા રહ્યાં.
મનોજકુમાર ૧૯૭૦માં 'પૂરબ ઔર પશ્ચિમ‘ સાથે દેશભક્તિના વિષય પર પાછા ફર્યા હતાં. તે ભારત અને વિદેશમાં બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. યુનાઇટેડ કિંગડમમાં, આ ફિલ્મ ૧૯૭૧માં રજૂ થઈ હતી અને લંડનમાં ૫૦ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલી હતી. તેણે યુકેમાં ૨,૮૫,૦૦૦ ડોલરની કમાણી કરી હતી. તેણે યુકે બોક્સ ઓફિસ પર 'દો રાસ્તે’નો વિક્રમ તોડ્યો હતો, જે એક વર્ષ અગાઉ નોંધાયો હતો. ‘પૂરબ ઔર પશ્ચિમ‘નો યુકે રેકોર્ડ ૨૩ વર્ષ સુધી રહ્યો. ૧૯૭૧માં ‘બલિદાન’ સાથે સારી સફળતા આપ્યા પછી, તે પછીના વર્ષે તેમણે સોહનલાલ કંવરની ‘બેઇમાન’માં અભિનય કર્યો અને ‘શોર’માં દિગ્દર્શન અને અભિનય કર્યો. મનોજકુમારે ‘બેઇમાન’માં તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો તેમનો પ્રથમ અને એકમાત્ર ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. તેમજ 'શોર’ માટે શ્રેષ્ઠ સંપાદન માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.
મનોજકુમારની કારકિર્દીની ટોચ ૧૯૭૦ના દાયકાના મધ્યમાં આવી હતી. જ્યારે તેમણે સળંગ ત્રણ મોટી બ્લોકબસ્ટર ફિલ્મો આપી હતી. આની શરૂઆત સામાજિક ફિલ્મ ‘રોટી કપડા ઔર મકાન’થી થઈ હતી, જેનું નિર્દેશન પણ તેમણે જ કર્યું હતું. આ ફિલ્મમાં મનોજકુમાર ઉપરાંત શશી કપૂર, અમિતાભ બચ્ચન, ઝીનત અમાન અને મૌસમી ચેટર્જીએ અભિનય કર્યો હતો. ૧૮ ઓક્ટોબર ૧૯૭૪ના રોજ રજૂ થયેલી આ ફિલ્મ તે વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે ઉભરી આવી હતી. તેને ઓલ ટાઈમ બ્લોકબસ્ટરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. લક્ષ્મીકાંત-પ્યારેલાલ દ્વારા રચિત તેનું સાઉન્ડટ્રેક મ્યુઝિકલ ચાર્ટમાં પ્રથમ સ્થાન ધરાવતું હતું અને ૧૯૭૦ના દાયકાનું પાંચમું સૌથી વધુ વેચાતું હિન્દી ફિલ્મ આલ્બમ હતું. ૧૯૭૫માં, મનોજકુમાર 'સંન્યાસી’ માટે સોહનલાલ કંવર સાથે ફરી જાેડાયાં, જેને પ્રેક્ષકોનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો, આખરે બ્લોકબસ્ટર ફિલ્મ બની અને બોક્સ ઓફિસ પર ત્રીજું સ્થાન મેળવ્યું. આ ફિલ્મમાં ધાર્મિક વિચારધારા ધરાવતા યુવાનનું પાત્ર ભજવવા બદલ, મનોજકુમારને શ્રેષ્ઠ અભિનેતા શ્રેણી માટે ફિલ્મફેર એવોર્ડમાં તેમનું ચોથું અને અંતિમ નામાંકન મળ્યું હતું.૧૯૭૬માં એક્શન ક્રાઇમ ફિલ્મ 'દસ નંબરી’ સાથે, તેમણે બ્લોકબસ્ટર ફિલ્મોની તેમની હેટ્રિક પૂર્ણ કરી હતી.
૧૯૮૧માં મનોજકુમારે દિલીપકુમાર, હેમા માલિની, શશી કપૂર, પરવીન બાબી અને શત્રુઘ્ન સિંહા સાથે ઐતિહાસિક ફિલ્મ 'ક્રાંતિ’નું નિર્દેશન અને અભિનય કર્યો હતો. ક્રાંતિ ૧૯૮૧માં બોક્સ ઓફિસ ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવીને અત્યાર સુધીની સૌથી મોટી દેશભક્તિની હિટ ફિલ્મ બની હતી. તે ૧૯૮૦ના દાયકાની સૌથી સફળ ફિલ્મ હતી અને ઉપકાર અને રોટી કપડા ઔર મકાન પછી મનોજ કુમારની ત્રીજી ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ હતી.ફિલ્મનો ક્રેઝ એટલો હતો કે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા સ્થળોએ ક્રાંતિના નામથી ટી શર્ટ, જેકેટ, જેવાં વસ્ત્રો દુકાનોમાં વેંચાવા લાગ્યા હતાં.
૧૯૮૧માં ક્રાંતિ પછી, મનોજ કુમારની કારકિર્દીમાં ઘટાડો થવા લાગ્યો. તેમણે ૧૯૯૫ની ફિલ્મ મેદાન-એ-જંગમાં અભિનય કર્યા પછી અભિનય છોડી દીધો હતો. તેમણે તેમના પુત્ર કુણાલ ગોસ્વામીને ૧૯૯૯ની ફિલ્મ ‘જય હિંદ’માં નિર્દેશિત કર્યા હતા, જેનો વિષય દેશભક્તિનો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી અને મનોજકુમારની છેલ્લી ફિલ્મ હતી. ૪૦ વર્ષથી વધુ લાંબી કારકિર્દી માટે તેમને ૧૯૯૯માં ફિલ્મફેર લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ચહેરાને ઢાંકતા હાથની તેમની ટ્રેડમાર્ક એક્શન ખૂબ જ લોકપ્રિય હતી, અને તે સ્ટેન્ડ-અપ કોમેડિયન્સ માટે અનુકરણીય બની રહી છે.
અન્ય ઘણા બોલિવૂડ સ્ટાર્સની જેમ મનોજ કુમારે પણ તેમની નિવૃત્તિ બાદ રાજકારણમાં પ્રવેશવાનો ર્નિણય કર્યો હતો.ભારતમાં ૨૦૦૪ની સામાન્ય ચૂંટણી પહેલા તેઓ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા.
શ્રી સાંઈબાબા પ્રત્યે મનોજકુમારની ભક્તિની યાદમાં, શિરડીમાં શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટે શિરડીમાં ‘પિંપળવાડી રોડ’નું નામ બદલીને ‘મનોજકુમાર ગોસ્વામી રોડ’ રાખ્યું છે. મનોજકુમારને ભારતીય સિનેમાના મહાન અભિનેતાઓમાંના એક માનવામાં આવે છે.
Loading ...