મુંબઇ
કાળિયાર હરણ કેસમાં સલમાન ખાન પહેલી ડિસેમ્બરના રોજ ફરી એકવાર કોર્ટમાં હાજર થયો નહીં. કોરોનાનો ઉલ્લેખ કરીને સલમાને જિલ્લા અદાલતમાં અરજી કરી હતી. હવે આગામી સુનાવણી 16 જાન્યુઆરીના રોજ થશે. કોરોના કાળમાં સલમાનને આઠ મહિનામાં છઠ્ઠીવાર આ રીતની છૂટ આપવામાં આવી છે. આ કેસમાં સલમાને અત્યાર સુધી 15વાર કોર્ટમાં હાજર ના થવાની છૂટ લીધી છે.
સલમાને કાળિયાર હરણ કેસ સાથે જોડાયેલા બે તથા આર્મ્સ એક્ટ સાથે જોડાયેલા એક કેસમાં કોર્ટમાં હાજર થવાનું હતું. પાંચ એપ્રિલ, 2018ના રોજ ટ્રાયલ કોર્ટે સલમાનને દોષિત જાહેર કરીને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. સલમાને ચુકાદો જિલ્લા અદાલતમાં પડકાર્યો છે.
કોર્ટે સૈફ અલી ખાન, નીલમ, તબુ તથા સોનાલી બેન્દ્રેને નિર્દોષ છોડી મૂક્યા છે. સલમાનને જોધપુર જેલ મોકલવામાં આવ્યો હતો. આર્મ્સ એક્ટના એક કેસમાં કોર્ટે સલમાનને નિર્દોષ જાહેર કર્યો હતો. ત્રણ દિવસ બાદ સલમાનને કોર્ટમાંથી જામીન મળ્યા હતા.
જોધપુર પોલીસે સલમાન ખાન તથા અન્યની વિરુદ્ધ 2 ઓક્ટોબર, 1998ના રોજ કાળિયાર હરણ શિકાર સંદર્ભે ફરિયાદ નોંધી હતી. સલમાન વિરુદ્ધ બિશ્નોઈ સમુદાયે કેસ કર્યો હતો. ત્યારબાદ સલમાનની કાળિયાર શિકાર તથા આર્મ્સ એક્ટમાં 12 ઓક્ટોબર, 1998ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પાંચ દિવસ બાદ એક્ટરને જામીન મળ્યા હતા.
ભવાદમાં હરણ શિકારના એક કેસમાં 17 ફેબ્રુઆરી, 2006માં સલમાનને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ઘોડા ફાર્મહાઉસ વિસ્તારમાં શિકાર કેસમાં 10 એપ્રિલ, 2006ના રોજ કોર્ટે સલમાનને દોષિત માનીને પાંચ વર્ષની સજા તથા 25 હજારનો દંડ ફટકાર્યો હતો. બંને કેસમાં સલમાનને હાઈકોર્ટમાંથી રાહત મળી ગઈ છે. રાજ્ય સરકારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે.