સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમે ભરાતો મેળો ૩૦૦ વર્ષમાં પહેલીવાર બંધ રહેશે

અંબાજી,તા.૮ 

જગતજનની મા અંબાના ધામ અંબાજીમાં પરંપરાગત ભાતીગળ ભાદરવી પૂનમનો મેળો ૩૦૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર બંધ રહેશે. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતિક સમાન મહામેળાને ગુજરાત સરકાર દ્વારા રદ કરવાની ગાંધીનગરથી વિધિવત જાહેરાત કરવામાં આવી છે. સાત દિવસીય આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર રાજસ્થાનથી અંદાજે ૨૦ થી ૨૫ લાખ જેટલા દર્શનાર્થીઓ પગપાળા આવતા હોય છે.નવરાત્રીમા મા અંબાને પોતાના ગામ ઘરે પધારવા માટે આમંત્રણ આપવા કે શેર માટીની ખોટ પુરી થતા માનતા પુરી માટે ભાદરવી પૂનમ પર ભક્તો અંબાજી આવે છે. મેળામાં ૨૦૦૦ કરતા વધુ સંઘ આવે છે. પદયાત્રીઓની સેવા માટે આલીશાન સેવા કેમ્પો લાગતા હોય છે. નાચતા ગાતા, હરખાતા મા અંબાના ધામમાં પહોંચી ઊર્મિઓનો નવસંચાર કરતા હોય છે. હજારો પરિવારો આર્થિક રીતે પગભર બને છે. ૧૯૯૫થી સરકારી તંત્ર વિધિવત રીતે મેળો યોજી જુદી જુદી વ્યવસ્થાઓ પર પાડવા ૩ થી ૪ કરોડના ખર્ચે સુવિધાઓ ઉભી કરી યાત્રિકોનું રક્ષણ કરે છે. આખું અંબાજી ૨૪ કલાક રોશની અને સાઉન્ડ સિસ્ટમથી હર્યુભર્યું રહે છે. જે ઇતિહાસમાં પહેલીવાર જોવા નહીં મળે. અમદાવાદના વીસનગરા નાગરનો અંબાજી ભાદરવા પૂનમના સંઘવી અને પ્રમુખ નરેશ રાજાએ જણાવ્યું હતું કે મેળામાં આવતા સંઘોના બે કે પાંચ પ્રતિનિધિઓ પોતાના વાહનોમાં ધ્વજા લઈને મા અંબાના મંદિરમાં અર્પણ કરી દર્શન કરીને પરત નીકળી જાય,તે રીતે પેઢીઓ જૂની પરંપરા સચવાય, અને કરવઠું પણ પૂરું થઈ શકવાથી કોઈ વહેમનું કારણ ના રહે. ૪૦ વર્ષ પહેલાં ભયાનક વરસાદ છતાં મેળો રદ થયો નહોતો. અમદાવાદથી માત્ર ૨ જણાં પહોંચ્યાં હતા જેમાં મારા પિતાજી પણ સામેલ હતા. ભાદરવી પૂનમનો મેળો એવો છે કે જેમાં કોઈપણ ભક્તને આવતા રોકી શકાય તેમ નથી. લાગણીઓ મા અંબા સાથે સૌને જોડાયેલી છે જેથી નિયમ સૌના માટે એક જ બનાવવો પડે એટલે સંપૂર્ણ મંદિર બંધ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જે અંગેનો ર્નિણય એક-બે દિવસમાં જાહેરનામું બહાર પાડીને લઈશું તેમ જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution