અમદાવાદ-
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વ્યાજખોરોના આતંક વધવા પામ્યો છે.વ્યાજખોરોના ત્રાસને પગલે લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે.ત્યારે ફરી એક વાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો.જેને લઈ નિકોલના યુવકે વ્યાજખોરોના ત્રાસને પગલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું. હાલ તો આ મામલે નિકોલ પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.નોંધનીય છે પરિવારજનોનો આક્ષેપ છે કે વ્યાજખોરો સામે અગાઉ અરજી પણ પોલીસમાં કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
મળતી માહિતી મુજબ અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભૂપેન્દ્ર કામળિયાએ સવારે તેમના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે તેમના પત્નીએ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી કે ધંધાના કામ માટે ભૂપેન્દ્રભાઈએ ૮ લાખ રૂપિયા લીધા હતા. જે રૂપિયા તેમણે વિક્રમભાઈ, કાલુ રબારી, ભગા રબારી, રાજુ રબારી, હકો રાજધાની, નીતિનભાઈ પાસેથી લીધા હતાં. આ રૂપિયા તેઓ સમયસર ચૂકવી દીધા હતા. તેમ છતાં તેમની પાસે ધાકધમકી આપીને રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. સવારે ભૂપેન્દ્રભાઈ ખૂબ ચિંતામાં હતા એટલે તેમની પત્નીએ પૂછતાં તેમણે અંગેની જાણ તેમને કરી હતી. ત્યાર બાદ ભૂપેન્દ્રભાઈએ ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પરિવારજનો તેમની લાશને પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા હતા. પરિવાર લાશને પોલીસ સ્ટેશનમાં મૂકીને તેની ફરતે ગોઠવાઈ ગયા અને ધૂન બોલાવા લાગ્યા હતાં.