અજાણ્યા નંબરથી આવતી પીડીએફથી સાવધાન

ગુજરાતીમાં કહેવાય છે કે, દરેક સિક્કાની બે બાજુ હોય છે, એક સારી અને બીજી ખરાબ. ઇન્ટરનેટનું પણ કંઇક એવું જ છે. ભારત સરકાર દ્વારા ઓનલાઇન ટ્રાન્જેક્શન પર વધારે ભાર મુકાઇ રહ્યો છે. ત્યારે તેની અજ્ઞાનતા લોકો માટે અભિશાપ બની છે. જેનો લાભ ધૂતારાઓ લઇ રહ્યા છે. ખાસ કરીને તહેવારોના સમયમાં ઓનલાઇન ફ્રોડની સંખ્યા પણ વધી જતી હોય છે. હવે, તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. જેનો લાભ ધૂતારાઓ ઉઠાવી ઓનલાઇન મેસેજ મોકલી કરી રહ્યા છે. જાે, તમારા વોટ્‌સએપ પર કે પછી મેસેજમાં કોઇ અજાણ્યા નંબરથી સંદેશો આવે તો તમારે ચેતી જવાની જરૂર છે.

સાયબર માફિયા હવે, ઇન્ટરનેટ યુઝર્સને શિકાર બનાવવાના નવા નવા નુસ્ખા શોધી રહ્યા છે. ત્યારે દરરોજ નવા નવા કિસ્સા સામે આવી રહ્યા છે. જેની સામે સાવધાન રહેવાની ફરજ યુઝર તરીકે આપણી પણ છે. જેનાથી સાવધ રહેવા માટે તમારી બેન્ક, આરબીઆઇ, સરકાર અને પોલીસ વિભાગ સતત ચેતવણી આપતું રહે છે. પરંતુ સાવચેત તો યુઝરે જ રહેવાનું હોય છે. આજના લેખમાં આપણે સાયબર માફિયાઓની કેટલીક નવી પદ્ધતિ તેમજ તેનાથી બચવાના ઉપાય વિશે જાણીશું.

સાયબર માફીયાઓની નવી પદ્ધતિ કેવી છે?

સાયબર માફિયાઓ દ્વારા યુઝર્સ સાથે છેતરપિંડી કરવા માટે હવે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્‌સએપનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ દ્વારા યુઝર્સને વોટ્‌સએપ પર એક મેસેજ મોકલવામાં આવે છે. જે મેસેજમાં એક પીડીએફ ફાઇલ હોય છે. જે ઓપન કરવા માટે યુઝરને લાલચ આપવામાં આવતી હોય છે. જેથી યુઝર તેને ઓપન કરે. યુઝર ફાઇલ ઓપન કરે તેની સાથે જ યુઝરનો મોબાઇલ ડિવાઇઝ હેક થઇ જાય. જેથી સાયબર માફિયા યુઝરના ફોનમાંથી તેની બેન્ક ડિટેઈલ્સની માહિતી મેળવી બેંક ખાતા ખાલી કરી નાંખતા હોય છે.

પીડીએફ સાથે માલવેર મોકલાય છે

સાયબર માફિયાઓ દ્વારા કોઇ અજાણ્યા નંબરથી વોટ્‌સએપ પર યુઝરને પીડીએફ મોકલવામાં આવે છે. જે બાદ માફિયા તે વ્યક્તિને કોલ કરે છે અથવા મેસેજ કરી પીડીએ ઓપન કરવા લાલચ આપે છે. જાે યુઝર ના પાડે તો તેને વધુ સારી લોભામણી જાહેરાતો આપી મેન્ટલી દબાણ કરી પીડીએફ ખોલવા મજબૂર કરવામાં આવે છે. યુઝર પીડીએફ ખોલે એટલે તરત જ તેમાં રહેલો ખાસ માલવેર એક્ટીવ થઇ જાય છે અને તમારો ફોન હેક થઇ જાય છે. ઉપરાંત પીડીએફમાં ફિશિંગ લિન્ક પણ મોકલવામાં આવતી હોય છે. જેના પર ક્લીક કરતાંની સાથે જ એક નવું પેજ અથવા વેબસાઇટ ખુલી જાય છે. જેના થકી યુઝરના ફોનનો તમામ ડેટા હેકર્સ સુધી પહોંચી જતો હોય છે.

ફિશિંગ એટેક એટલે શું?

સાયબર માફિયા એટલે કે હેકર્સ દ્વારા હવે, ફિશિંગ લિંકનો ઉપયોગ પણ કરાય છે. ત્યારે ફિશિંગ લિંક એટલે શું તે પણ સમજવું જરૂરી છે. ફિશિંગ એટલે ઓરિજીનલ વેબસાઇટ જેવા આબેહુબ નામથી ફ્રોડ ફિશિંગ વેબસાઇટ બનાવવામાં આવે છે. જેની માટે ઓરિજનલ વેબસાઇટ પરથી જ તેનું ડેટા અને કોડિંગ ચોરવામાં આવતા હોય છે. જેથી વ્યક્તિને ફ્રોડ વેબસાઇટ ઓરિજીનલ જ લાગે. ફિશિંગ એટેકમાં ઓરિજીનલ વેબસાઇટમાં તેના યુઆરએલમાં માઇનોર બદલાવ કરી નવું ડોમેન રજિસ્ટ્રર કરાવવામાં આવે છે. અથવા તો સબ ડોમેન લઇને લિંક તૈયાર કરવામાં આવે છે. માફિયાઓ આ લિન્કને હોસ્ટિંગ સાઇટ પર અપલોડ કરતા નથી. પરંતુ ચાઇના બેઇઝ સર્વર પર ડેટા અપલોડ કરતા હોય છે.

તમારા ડિવાઇઝને કઇ રીતે સુરક્ષિત રાખી શકાય?

- સાયબર માફિયાઓથી બચવા માટે તમારા વોટ્‌સએપ પર અજાણ્યા નંબરથી આવતા મેસેજમાં કોઇ પણ પીડીએફ કે લિન્ક આપવામાં આવે તો તેને ચકાસ્યા વિના ક્લીક ન કરવી.

- અજાણ્યા નંબરથી મેસેજ આવે જેમાં, પીડીએફ, લિન્ક અથવા કોઇ પણ લોભામણી જાહેરાતો છે તો ચેતી જજો, ફ્રોડ હોઇ શકે છે.

- અજાણ્યા નંબરથી આવેલો મેસેજ શંકાસ્પદ જણાય તો નંબર તાત્કાલિક બ્લોક કરી દેવો.

- નંબર બ્લોક કરી પછી ફ્રોડ મેસેજ અંગે વોટ્‌સએપમાં પણ રિપોર્ટ કરવો, જેથી વોટ્‌સએપ દ્વારા તેને ચકાસી પ્રતિબંધ મુકી શકે. જેથી અન્ય કોઇ છેતરાય નહી.

- તમારા બેંકની ડિટેઇલ, ઓટીપી, પાસવર્ડ સહિતની મહત્વની માહિતી વોટ્‌સએપ પર અજાણ્યા નંબર પર શેર ન કરવી.

- બધુ કર્યા બાદ પણ સાયબર ક્રાઇમનો ભોગ બનો છો, તો ગભરાવાની જરૂર નથી, સાયબર ક્રાઇમ વિભાગના હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફોન કરી ફરિયાદ નોંધાવો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution