લેખકઃ એકતા રવિ ભટ્ટ |
આજે ફાધર્સ ડે છે. એક પિતાના અસ્તિત્વની ઉજવણીનો પાશ્ચાત્ય સંસ્કૃતિએ આપેલો એક દિવસ. આમ જાેવા જઈએ તો દેખાદેખીમાં અને ઉછીનો લીધેલા દિવસ જેવો આ દિવસ છે. મે મહિનામાં મધર્સ ડે અને જૂનમાં ફાધર્સ ડે. આપણા જીવનનું જે કેન્દ્રબિંદુ છે તેના અસ્તિત્વને સ્વીકારવા માટે કે ઉજવવા માટે માત્ર એક જ દિવસ છે. દુનિયાભરના લોકો શક્ય એટલા દંભ અને દેખાડા સાથે તેની ઉજવણી કરે છે. મોબાઈલ ગિફ્ટ કરવો, સ્માર્ટવોચ ગિફ્ટ કરવી, શૂઝ ગિફ્ટ કરવા કે પછી પરિવાર સાથે પિકનિક ઉપર જવું અને કેક કાપવા જેવી ઉજવણીઓ કરાય છે. તેમાંય પરિણીતો માટે અલગ સ્થિતિ હોય છે. છોકરાના પિતાનો ફાધર્સ ડે સવારે ઉજવાય તો પત્નીના પિતા માટે સાંજે ઉજવવા જવું જ પડે. સવારે અથવા તો સાંજે એક વખત તો બંનેના ફાધરને સારું લગાડવું પડે. નહીંતર બાકીનો મહિનો દરરોજ ફાયરિંગ ડે તરીકે ઉજવવાનો આવે. આ દંભ અને દેખાડા વચ્ચે પિતાના અસ્તિત્વ અને વ્યક્તિત્વને સમજવા જેવું છે.
એક વખત એક વ્યક્તિ હોય છે. તેની પાસે મોટું મકાન હોય છે. તેનો પરિવાર મોટો હોય છે, તેના સ્વજનો અને સ્નેહીજનો વધારે હોય છે. તેના ઘરે મહેમાનોની અવરજવર વધારે હોય છે. તેના કારણે આ બધું જ યોગ્ય રીતે ચલાવવા માટે તેણે વધારે મહેનત કરવી પડે છે. વધારે આવક ઊભી કરવી પડે છે. આ મથામણના કારણે તે મોટાભાગે ઘરે આવે ત્યારે ગુસ્સે રહેતો હોય છે. પત્નીને, દીકરાને તો ક્યારેક દીકરીને ખખડાવી કાઢે, રૂમમાંથી બહાર જવાનું કહી દે. તેનું આવું વર્તન બધાને દેખાતું અને સમજાતું હતું પણ ક્યારેય કોઈ ફરિયાદ કરતું નહીં. એક દિવસ તે ઓફિસથી આવીને પોતાના રૂમમાં ગોઠવાયો અને તેનો દીકરો તેની પાસે આવ્યો. તેણે કહ્યું કે, પપ્પા, મારે સ્કુલ હોમવર્કમાં ઈશ્વરને આભાર માનતો એક પત્ર લખવાનો છે. તમે મને મદદ કરશો? પેલા માણસે તેના દીકરાને ધધડાવી નાંખ્યો અને પેલો છોકરો ત્યાંથી જતો રહ્યો. સાંજે ભોજન કર્યા બાદ તેનો ગુસ્સો થોડો શાંત થયો અને તે તેના દીકરાના રૂમમાં ગયો. તેણે જાેયું કે, તેનો દીકરો ઉંઘી ગયો હતો. તેણે પોતાના દીકરાના સ્ટડી ટેબલ ઉપર જાેયું તો એક નોટબુક હતું. નોટબુક ખોલી તો તેમાં ઈશ્વરનો આભાર માનતો પત્ર તેણે લખી નાખ્યો હતો.
પેલા નાના છોકરાએ લખ્યું હતું કે, ઈશ્વર તારે ખૂબ જ આભાર કે, તે મને આ જિંદગી આપી છે. તે મને સુંદર માતા આપી છે. તે મને ઘણી વખત મારે છે. મને ત્યારે નથી ગમતું પણ પછી સમજાય છે કે, તે પોતાના જીવ કરતા પણ વધારે મને સ્નેહ કરે છે. મારા સારા જીવન માટે આમ કરે છે. મારા ઘરમાં એક એલાર્મ ક્લોક છે. તે સવારે જ્યારે વાગે છે ત્યારે મને સખત ગુસ્સો આવે છે. મને વહેલા જાગવાનો કંટાળો આવે છે. બીજી તરફ મને થાય છે કે, આ એલાર્મ ક્લોક બંધ કરીને હું બારી પાસે ઊભો રહું તો જાતભાતના પક્ષીઓ મને જાેવા મળે છે. તેમનો અવાજ સાંભળવા મળે છે અને મને સમજાય છે કે હું વધુ એક દિવસ જીવતો છું. હું બિમાર પડું ત્યારે મને દવાઓ અપાય છે તે મને નથી ગમતી. આ દવાઓ કડવી હોય છે. ત્યાર પછી સમજાય છે કે, આ કડવી દવાથી જ હું સ્વસ્થ થઈ જાઉં છું. શાળામાં વાર્ષિક પરીક્ષા લેવાય છે ત્યારે મને ખૂબ જ ગુસ્સો આવે છે. પરીક્ષાઓ માટે મહેનત કરવી પડે છે. ત્યારબાદ વેકેશન પડે છે તે આનંદ આપે છે. હું એક ધોરણ આગળ વધી ગયો છું તે જાણીને આનંદ થાય છે. ઈશ્વર સૌથી મોટો આભાર છે કે તે મને પિતા આપ્યા છે. તે મારા ઉપર ગુસ્સો કરે છે. મને ત્યારે નથી ગમતું. તે પોતાના કામની વ્યસ્તતા વચ્ચે અમને ફરવા લઈ જાય છે, સરસ મજાનું ભોજન કરાવે છે, અમારા માટે ગિફ્ટ્સ લાવે છે, નવા કપડાં લાવી આપે છે, વસ્તુઓ લાવી આપે છે. તે ખરેખર આનંદ આપે છે. પુત્રનો નિબંધ વાંચીને તે વ્યક્તિને સમજાયું કે, જે થાય તે યોગ્ય જ થાય છે. તેનું આયોજન કરનારી એક શક્તિ છે જે આપણો વિચાર કરીને જ બધું કરે છે.
આપણા જીવનમાં પિતા પણ આવી જ વ્યક્તિ છે. પિતા એક પુરુષ છે તેથી સ્વભાવે તો આકરો જ હોવાનો છે. તેના ર્નિણયો આકરા હશે, તેના શબ્દો કઠોર હશે, તેનું વર્તન ઉગ્ર હશે આ બધા વચ્ચે જાે અનુભવીશું તો તેના ર્નિણયો આપણા ભાવિ જીવન માટે ઉત્તમ હશે. તેના શબ્દો કઠોર હશે પણ તેના થકી જ્યારે આપણને લાભ થશે ત્યારે તેનો મખમલી અનુભવ વધારે ઉમદા હશે.
તેનું વર્તન ઉગ્ર થઈ જતું હશે પણ પોતાના સંતાનને ગુણવત્તાસભર જીવન મળી રહે તેવી ઉષ્મા તેના મનમાં સમાયેલી હશે. પિતા ક્યારેય માતાની જેમ લાગણીશીલ થઈને કે આંસુ સારીને અથવા તો તમારા મસ્તક ઉપર ચુંબન કરીને પોતાની લાગણી વ્યક્ત કરી શકે જ નહીં.
હા, એક વાત છે કે, દીકરીઓના પિતાને ઈશ્વરે આ એક અવસર આપ્યો છે. આટલી કુમાશ અને નરમાશ દીકરીઓના પિતામાં ઈશ્વરે ભરેલી છે. બાકી પિતા તો પિતા જ હોય છે. તે ઈશ્વર જેવો છે. તે તમારી ફરિયાદ સાંભળે છે પણ જવાબ નથી આપતો. તે તમારી કસોટી કરે છે પણ પરિણામ હંમેશા ઉત્તમ આપે છે. તે તમારા ધાર્યા પ્રમાણે કામ નથી કરતો પણ તમારી જરૂરિયાત પ્રમાણે કામ કરે છે. પિતાને ક્યારેય સમજવાના હોતા જ નથી. પિતાને તો સ્વીકારી લેવાના હોય છે. તમારી પાસે પિતા હોય કે ઈશ્વર હોય બંનેનું હોવું એક સરખું જ છે. તે તમારા માટે સારું અને સાચું હશે તે જ કરશે પણ ક્યારેય તમને તેનો અનુભવ થવા દેશે નહીં. આ અકથ્ય વાતોનો અનુભવ જ ઉત્તમ લાગણી છે.