નવી દિલ્હી: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટી-૨૦ સિરીઝ રમાઈ રહી છે. આ શ્રેણીમાં ભારતીય ટીમને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ બીજી મેચમાં શાનદાર જીત હાંસલ કરી હતી. જ્યાં, શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે. શ્રેણીની ત્રીજી મેચ પહેલા, ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામેની ત્રીજી ટી-૨૦ મેચ પહેલા પ્રવાસનો આનંદ માણતી જોવા મળી હતી. ભારતીય ટીમ અને તેમના પરિવારોએ રમતથી થોડો સમય દૂર રહેવા માટે અહીં વન્યજીવ અભયારણ્યની મુલાકાત લીધી હતી. બીસીસીઆઈએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રવાસની તસવીરો શેર કરી છે. આ સાથે તેણે લખ્યું બીસીસીઆઇએ ઝિમ્બાબ્વે ક્રિકેટ અને ઝિમ્બાબ્વે ટુરિઝમના સહયોગથી હરારેમાં ભારતીય ક્રિકેટ ટીમ અને તેમના પરિવારો માટે વન્યજીવન પ્રવાસનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ખેલાડીઓ ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા. આવતીકાલે ભારતીય ટીમના પ્લેઈંગ-11માં ફેરફાર જોવા મળી શકે છે કારણ કે ટી-૨૦ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના ત્રણ ખેલાડીઓ હરારે પહોંચીને ટીમ સાથે જોડાઈ ગયા છે. બીસીસીઆઇએ પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમમાં સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણાનો સમાવેશ કર્યો હતો. સુદર્શને બીજી મેચમાં ટી-૨૦ માં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. જ્યારે ભારતીય ટીમ ત્રીજી મેચ રમવા આવશે ત્યારે તેનો ઈરાદો શ્રેણીમાં લીડ લેવાનો રહેશે.