વિશ્વામિત્રી નદીમાં આટલું બધું પાણી છોડતાં પહેલાં પ્રજાની સુરક્ષાનો વિચાર કેમ ના આવ્યો

આપણા સૌના વ્હાલા વડોદરાને પૂરના પાણીમાં ડૂબાડી દેનારા મ્યુનિ. કમિશનર દિલીપ રાણા, મેયર પિંકીબહેન સોની અને સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીને એક જાગૃત અખબાર તરીકે અમારે પુછવું છે કે, વિશ્વામિત્રી નદીનું જળસ્તર જાેખમી સ્તર સુધી લઈ જવા પાછળ જવાબદાર કોણ ? વિશ્વામિત્રી નદીમાં આટલું બધું પાણી છોડતા પહેલા જનતાની સુરક્ષાનો વિચાર કેમ ના કર્યો ? વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ પહોંચી ત્યારે તમે સોસાયટી વિસ્તારોને એલર્ટ કેમ ના કર્યાં ? તમે કેમ નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવાની સૂચના આપી પણ સોસાયટી વિસ્તારોમાં રહેતા લોકોને આગોતરી સૂચના કેમ ના આપી ? વડોદરામાં દરવર્ષે પૂરની પરિસ્થિતિ સર્જાય છે, છતાંય તમે રાહત અને બચાવની આગોતરી તૈયારી કેમ ના કરી ? પૂર આવ્યા પછી પણ ૪૮ કલાક સુધી રાહત અને બચાવના કામ કેમ ના થઈ શક્યાં ? હરણી, સમા રોડ, ન્યૂ સમા રોડ, અકોટા, માંજલપુર સહિતના નવા વિસ્તારોમાં પૂરના પાણી કેવી રીતે ઘુસી ગયા ? તમને તો ખબર હતી કે, વડોદરાના માથે પૂરનો ખતરો તોળાઇ રહ્યો છે છતાંય તમે જનતાને અંધારામાં કેમ રાખી ? ખેર, અમે સારી રીતે જાણીએ છીએ કે, અમારા સવાલોના તમારી પાસે જવાબ નહીં હોય. વડોદરાની જનતાના મનમાં ઉઠી રહેલા પ્રશ્નોનો સામનો કરવાની તમારી હિંમત પણ નહીં હોય. પણ હકીકત એ છે કે, વડોદરાની ધૂરા તમારા હાથમાં છે. તમે જ મારી શકો છો અને તમે જ તારી શકો છો. એટલે તમે તમારી જવાબદારીમાંથી છટકી શકવાના નથી. પૂરને કારણે ૧૧ લોકોના મોતનું પાપ તમને જ લાગવાનું છે. તમે ક્યારેય એ પાપમાંથી મુક્ત થઈ શકવાના નથી. ખેર ! તમારી નિષ્ક્રિયતા, નિષ્ફળતા અને બેદરકારી કેટલી સહન કરવી ? એનો ર્નિણય રાજ્ય સરકારે લેવાનો છે. તમને રાખવા કે, બદલવા ? એનો ર્નિણય રાજ્ય સરકારે લેવાનો છે. વડોદરાના શાસક તરીકે તમે બધી રીતે સંદતર નિષ્ફળ છો. તમારાથી માત્ર વડોદરાની જનતા જ નહીં પણ તમારા સાથી કાઉન્સિલરો પણ એટલા જ નારાજ છે.

સવાલ નં.૧
વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક કેટલી થઇ?
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર જન્માષ્ટમીના દિવસે વધવાની શરૂઆત થઇ. જન્માષ્ટમીએ શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો અને ત્યાર બાદ વિશ્વામિત્રી નદીના પાણી ઘુસી ગયા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજવાની સપાટીમાં વધારો થયો અને પાણી નદીમાં છોડવાનું શરૂ કરાયું. શહેરીજનોને જરાયે અંદાજ ન હતો કે, આટલું બધું પાણી આવશે અને શહેર ડૂબી જશે. શહેર ચાર ભાગમાં વહેંચાઈ ગયું હતું. વિશ્વામિત્રી નદીમાં આટલું બધું પાણી આવવા પાછળ જવાબદાર કોણ? શું આજવામાંથી પાણી છોડવાનું આયોજન જ કોઈએ ન કર્યું? કોઈને પાણી છોડવા માટેના આયોજનમાં ખબર જ ન પડી? વિશ્વામિત્રીમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે વર્ષ ૨૦૦૫ના વિનાશક પૂર બાદ ૨૦૦૯માં વિશ્વામિત્રીમાં આવતા પાણીને કેનાલ મારફતે મહીસાગર નદીમાં કેવી રીતે ડાયવર્ટ કરી શકાય તે માટેનો એક્શન પ્લાન પણ ઘડવામાં આવ્યો હતો પરંતુ તે માત્ર કાગળ ઉપર રહ્યો. વિશ્વામિત્રી નદી ઉપર અનેક સ્થળોએ દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે અને તેના કારણે પાણીના નિકાલ માટેની જગ્યા જ રહી નથી. અને તેનો ભોગ સામાન્ય જનતા બની રહી છે. ત્યારે શહેરમાં આવેલા આ વિનાશક પૂર માટે જવાબદાર કોણ? વિશ્વામિત્રી નદીમાં કેટલું પાણી આવ્યું તેનો કોઈ આંકડો તંત્ર પાસે છે ખરો? વહીવટી તંત્ર માત્ર વિશ્વામિત્રીની સપાટી ૩૫.૨૫ ફૂટ બાદ જાહેર જ કરી શક્યું ન હતું કારણ કે ત્યાર બાદ પાણી શહેરમાં ફરી વળ્યાં હતા. અને શહેર તબાહી તરફ આગળ વધ્યું હતું. પારાવાર નુકસાન થયું. અને લોકો અધ્ધર શ્વાસે ચાર દિવસ સુધી પોતાના પરિવારની ચિંતા કરતા રહ્યા. અને મદદ માટે વલખા મારતા રહ્યા. ખરેખર શહેરમાં કેટલું પાણી આવ્યું એનો જવાબ તંત્રમાંથી કોણ આપશે? અને આટલું બધું પાણી આવવા પાછળ જવાબદાર કોણ? તેનો તંત્રએ જવાબ આપવો જ પડશે. કારણ કે આ વેધક સવાલો જે લોકો પૂરના પાણીમાં વગર વાંકે ડૂબ્યા હતા તેઓના છે. અને તેઓને શહેરના નાગરિક તરીકે જાણવાનો અધિકાર છે.

સવાલ નં.૨
રાહત-બચાવનું પ્લાનિંગ વેળાસર કેમ ના કર્યું?
વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી તે કુદરતી હતી કે માનવસર્જિત હતી તે તપાસનો અલગ વિષય છે પરંતુ જયારે પરિસ્થતિનો તાગ વહીવટી તંત્રને મળી ગયો હતો તો બચાવ કામગીરીમાં વિલંબ કેમ કરાયો? જરોદ ખાતે જ એનડીઆરએફનો કેમ્પ છે છતાં પણ બચાવ કામગીરી માટે તંત્રે જાણ કેમ ન કરી? વડોદરાની આટલી વિકટ પરિસ્થિતિ સર્જાશે તેવો અંદાજ બે દિવસ અગાઉથી આવી ગયો હોવા છતાં તંત્ર હાથમાં હાથ નાખીને કેમ બેસી રહ્યું તે પણ સવાલો લોકો પૂછી રહ્યા છે. રાહત અને બચાવની કામગીરી વેળાસર કેમ ન કરવામાં આવી? અને પૂર આવ્યા બાદ ૨૪ કે ૪૮ કલાક પછી બચાવ ટીમોની મદદ લેવાઇ. તંત્રનું માની લઈએ કે, આ આફત કુદરતી હતી અને ઉપરવાસમાં વરસાદના કારણે આજવા સરોવરમાં પાણીની જંગી આવક થઇ અને વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ. શહેરમાં ૫ લાખથી વધુ લોકો પાણીમાં હતા જેમને ૭૨ કલાક પાણીની વચ્ચે અધ્ધર જીવે કાઢ્યો. બચાવ માટે અગાઉ એનડીઆરએફની માત્ર બે ટીમો તૈનાત કરાઇ હતી અને ત્યાર બાદ એસડીઆરએફની ૩ ટીમોને બોલાવાઇ. ૪૮ કલાક બાદ અન્ય ટીમોને અન્ય જિલ્લાઓમાંથી બોલાવાઇ. ત્યાર બાદ આજવા સરોવરના દરવાજા બંધ કર્યા બાદ આર્મીની પણ મદદ લેવામાં આવી. ત્યારે તંત્રે રાહત અને બચાવ કામગીરી માટે અગાઉથી આયોજન કેમ ન કર્યું? જાે આ પ્લાનિંગ વેળાસર કરી દેવાયું હોત તો જે લોકો બીમાર હતા અથવા તો જેઓને સલામત સ્થળે ખસેડવાની જરુર હતી તેઓને સમયસર સલામત સ્થળે ખસેડી શકાયા હોત. સીટી કંટ્રોલ સેન્ટર ઉપર બેસીને અધિકારીઓ અને સત્તાધીશોએ માત્ર મોનીટરીંગ કર્યું જે ત્વરિત ર્નિણય લેવાના હતા તે કેમ ન લીધા તેવા સવાલો પણ લોકોના મનમાં રમી રહ્યા છે તેનો જવાબ પણ તંત્રે આપવો જ પડશે. તંત્ર માત્ર છટકબારી કરી લેશે. પરંતુ લોકો ૩ દિવસ સુધી પાણીમાં રહ્યા છે અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠ્‌યું છે અને તે પણ તંત્રના પાપે ત્યારે લોકોનો ગુસ્સો તંત્ર સામે ફાટી નીકળ્યો છે.

સવાલ નં.૩
શહેરના માત્ર નીચાણવાળા વિસ્તારને જ ઍલર્ટ કરાયું?
વડોદરા શહેરના વહીવટી તંત્રને જન્માષ્ટમીના દિવસે જ ખ્યાલ હતો કે વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી વટાવશે અને શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે. અંતરંગ વર્તુળો તરફથી મળતી વિગતો અનુસાર સ્થાયી સમિતિના ચેરમેને ત્યારે જ માહિતી આપી હતી કે વિશ્વામિત્રી તેની ભયજનક સપાટી વટાવી ૩૦ ફૂટે પહોંચશે. ત્યાર બાદ રાત્રીના સમયે વિશ્વામીત્રીનું જળસ્તર ધીમે ધીમે વધવા માંડ્યું. જાેતજાેતામાં નીચાણવાળા વિસ્તાર જ નહિ પરંતુ જ્યાં અગાઉ પાણી પહોંચ્યા ન હતા ત્યાં પણ પાણીનો ભરાવો થયો. કેટલીક સોસાયટીઓમાં લોકો રાતે મીઠી નીંદર માણી રહ્યા હતા અને સવારે જયારે ઉઠ્‌યા ત્યારે તેઓના ઘરની બહાર ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ ચુક્યા હતા. તેઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. ત્યારે સવાલો એ ઉભા થાય છે કે વિશ્વામિત્રી નદીમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે તે અંગેની જાણ વહીવટી તંત્રને હતી જ. કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો કંટ્રોલ રૂમમાંથી બેસીને મોનીટરીંગ કરી જ રહયા હતા. ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેની પણ તમામ માહિતી હતી તો પછી માત્ર નીચાણવાળા વિસ્તારોને જ કેમ એલર્ટ કરાયા? દર વર્ષની માફક જે વિસ્તારોમાં પાણી ભરાય છે તે લોકોને કેમ એલર્ટ કરાયા જે સોસાયટીઓમાં લોકોને કોઈ જાણ કેમ ન કરાઈ? તંત્ર શું કામ માત્ર વર્ષોથી પાણી ભરાય છે તેવા વિસ્તારોને જ એલર્ટ કરવામાં કામે લાગ્યું? આસપાસની સોસાયટીઓમાં તો લોકોને કઈ જાણ ન કરાઇ. જે લોકો તંત્રના ભરોસે બેસી રહ્યા તે ડૂબી ગયા. જાે સોસાયટી વિસ્તારને સમયસર સતેજ કરી દેવામાં આવ્યા હોત તો કેટલાય લોકો બચી શક્યા હોત અને લોકોમાં આટલો બધો આક્રોશ જાેવા ન મળ્યો હોત. તંત્રના પાપે લોકો ૪ - ૪ દિવસ સુધી કપરી પરિસ્થિતિમાં મુકાવા માટે મજબુર બન્યા. અને તે કોના પાપે? મહાનગરપાલિકાને માત્ર ટેક્ષ લેવામાં જ રસ છે લોકોના જીવ બચાવવામાં કોઈ રસ જ નથી? મહાનગરપાલિકા માટે લોકોના જીવની કિંમત કોડીની હોય તેમ લાગી રહ્યું છે.

સવાલ નં.૪
વડોદરાવાસીઓને અંધારામાં કેમ રખાયાં?
વડોદરા શહેરમાં વરસાદની મોસમમાં આ બીજી વખત પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. થોડા દિવસો અગાઉ પણ વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને તેમાં બે દિવસ સુધી નીચાણવાળા વિસ્તારના લોકો પાણી વચ્ચે હતા. આ વખતે પણ તંત્રે પૂરના પાણીને ખુબ હળવાશથી લીધું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે વહીવટી તંત્ર દ્વારા સમયસર લોકો સુધી જે માહિતી પહોંચાડવાની હતી તે પહોંચાડવામાં જ આવી ન હતી અને લોકોને અંધારામાં રાખવામાં આવ્યા હતા. લોકો સુધી પૂરતી માહિતી પહોંચાડવામાં આવી ન હતી અને તેના કારણે લોકો એ જ ભ્રમમાં રહ્યા કે સામાન્ય પૂર આવે છે તે જ રીતે આવશે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાશે. પરંતુ આ પૂર તો શહેરની ચારે તરફ ફરી વળ્યાં હતા. અને લોકોને બાનમાં લઇ લીધા હતા. વહીવટી તંત્રને અગાઉથી આ સ્થિતિનો અંદાજ હતો. ત્યારે વહીવટી તંત્રે લોકોને અંધારામાં કેમ રખાય? શહેરીજનોને અગાઉથી એલર્ટ કેમ ન કરવામાં આવ્યા? શહેરીજનોને કેટલું પાણી આવશે અને ક્યાં સુધી પાણી આવશે તેની જાણકારી કેમ ન આપવામાં આવી? આ સ્થિતિ માટે શું જિલ્લા વહીવટી તંત્ર અને પાલિકામાં બેઠેલા નિષ્ણાત સત્તાધીશોની નિષ્કાળજી જવાબદાર કે પછી તેઓનો ઓવર કોન્ફિડન્સ જવાબદાર છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. બધું થઇ જશેની નીતિ અપનાવી સત્તાધીશોએ પોતાના હાથમાં તમામ મોનીટરીંગ અને આયોજન લીધું અને સરવાળે શહેર ડૂબી ગયું. શહેરમાં જેમ સારું કામ થાય છે તેની ક્રેડિટ લેવા માટે તમામ આગેવાનો આગળ આવે છે તેમ આ સ્થિતિની જવાબદારી લેવા કયો ભડવીર નેતા આગળ આવશે તેવા સવાલો પણ લોકો પૂછી રહ્યા છે. અને તેના જવાબો તંત્રે લોકોને આપવા જ પડશે કારણે કે તે નેતાઓ અને અધિકારીઓની નૈતિક જવાબદારીમાં આવે છે. લોકોએ ખોબે ખોબે મત આપીને તેઓને એટલા માટે ચૂંટ્યા છે કે તેઓ સારી રીતે શાસન કરે પરંતુ તેઓ તો શહેરના વિકાસના બદલે માત્ર પોતાનો જ વિકાસ કરી રહ્યા છે તેમ લોકો જણાવી રહ્યા છે.

સવાલ નં.૫
શહેરમાં જ્યાં પાણી ક્યારેય ન આવ્યાં હોય તેવા નવા નવા વિસ્તારોમાં પાણી કેવી રીતે ઘૂસ્યાં?
શહેરમાં આ વખતના પૂરમાં નવા વિસ્તારોમાં પાણી પ્રવેશ્યા હતા. જેનો અંદાજ સ્થાનિક લોકોને પણ ન હતો. ત્યારે સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે આ નવા વિસ્તારોમાં આ વખતે પાણી કેવી રીતે ઘુસ્યા? વિશ્વામિત્રી નદીની ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ છે કે, પછી નદી ઉપર કરાયેલા દબાણોના કારણે આવું બન્યું? શહેરના માંજલપુર, અટલાદરા, જુના પાદરા રોડ, જેતલપુર રોડ, વાસણા, હરીનગર-ગોત્રી જેવા વિસ્તારોમાં પાણી પ્રવેશી ગયા હતા. ઉપરાંત સમા, હરણી સહિત કેટલાક વિસ્તારોમાં પણ પૂર્ણ પાણી પ્રવેશ્યા હતા. આ વિસ્તારોના લોકો કાંઈ સમજે તે પહેલા સવારથી તેમના ઘરોમાં પાણી પ્રવેશવા માંડ્યા હતા. જાેકે અનેક વિસ્તારોના લોકોનું કહેવું છે કે, વિશ્વામિત્રીના પાણી આ વિસ્તારોમાં પહેલી વખત જાેયા છે. આ વિસ્તારના લોકોને ખ્યાલ જ નથી કે તેઓના ઘરોમાં પાણી પ્રેવશયા કેવી રીતે કારણ કે કોઈ ભૌગોલિક પરિસ્થિતિ એવી નથી કે અહીં પાણી આવી શકે. ત્યારે આ વિસ્તારોમાં પાણી કેવી રીતે ઘુસ્યા તેનો જવાબ પણ તંત્રે આપવો પડશે? એવી કઈ પરિસ્થિતિ જવાબદાર છે કે નવા વિસ્તારોમાં પાણી ઘુસ્યા? શહેરના ગોત્રી વાસણા રોડ ઉપર હાલ સુધી માત્ર વરસાદી પાણી ભરાતા હતા. પૂરના પાણી હાલ સુધી ક્યારેય પ્રવેશ્યા ન હતા. તો હરણી રોડ ઉપર પણ અનેક એવા વિસ્તાર હતા જ્યાં પ્રથમ વખત પાણી પ્રવેશ્યા છે. તો તેના માટે જવાબદાર નદી ઉપરનું દબાણ, તંત્રની નિષ્કાળજી કે પછી આડેધડ અપાયેલી પરમિશનો જવાબદાર છે તે માટેનું આંકલન કરી તંત્રે લોકો સમક્ષ તેનો જવાબ આપવો પડશે.
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution