ભારતના દરેક પ્રદેશમાં પ્રાદેશિક સિનેમા ઉદ્યોગનો વિકાસ થયો છે. મોટાભાગે આપણે તેના વિશે બહુ જાણતા હોતા નથી. પરંતુ પ્રાદેશિક સિનેમાના વિકાસની ગાથા પણ ઘણી સંઘર્ષપુર્ણ અને રસપ્રદ છે. આસામી સિનેમા વિશે વાત કરીએ તો આસામી ભાષાના ફિલ્મ ઉદ્યોગના મૂળ ક્રાંતિકારી વિચારક રૂપકુંવર જ્યોતિપ્રસાદ અગરવાલની કૃતિઓમાં રહેલું છે. તેઓ વિખ્યાત કવિ, નાટ્યલેખક, સંગીતકાર અને સ્વતંત્રતા સેનાની હતા.તેમણે ૧૯૩૫માં પ્રથમ આસામી ફિલ્મ ‘જાેયમતિ’ના નિર્માણમાં ભૂમિકા ભજવી હતી જે ચિત્રકલા મૂવીટોનના બેનર હેઠળ બની હતી. ૨૧મી સદીની શરૂઆતમાં બોલિવૂડ સ્ટાઇલની આસામી ફિલ્મો રજૂ થવા લાગી હતી, પરંતુ આ ઉદ્યોગ માર્કેટમાં સ્પર્ધા કરવામાં સક્ષમ રહ્યો નથી અને બોલિવૂડ જેવો મોટો ફિલ્મ ઉદ્યોગ તેના પર છવાઇ ગયો છે.
જ્યારે બંગાળી સિનેમાનો ઈતિહાસ રોચક છે. પશ્ચિમ બંગાળમાં ટોલીગંજની બંગાળી ભાષાની સિનેમેટિક પરંપરાએ ઘણા પ્રતિષ્ઠિત ફિલ્મનિર્માતાઓ આપ્યા છે. જેમાં સત્યજિત રે, ઋત્વિક ઘટક અને મૃણાલ સેન સૌથી વધુ સુપ્રસિદ્ધ છે. તાજેતરમાં જે બંગાળી ફિલ્મોએ રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે તેમાં ઐશ્વર્યા રાય દ્વારા અભિનિત રિતુપર્ણો ઘોષની ‘ચોકેર બાલી’ સામેલ છે.૧૯૩૩માં બંગાળી ફિલ્મોનું કુલ ઉત્પાદન ૫૭ ફિલ્મનું હતું.બંગાળમાં સિનેમાનો ઇતિહાસ ૧૯૮૦ના દાયકાથી શરૂ થાય છે જ્યારે કલકત્તાના થિયેટરમાં પ્રથમ બાયોસ્કોપ દર્શાવવામાં આવ્યું હતું. એક દાયકાની અંદર વિકટોરિયન યુગના અગ્રણી હીરાલાલ સેનએ ઉદ્યોગના બીજ રોપ્યાં હતાં. તેમણે રોયલ બાયોસ્કોપ કંપનીની સ્થાપના કરીને સ્ટાર થિયેટર, કલકત્તા, મિનરવા થિયેટર, ક્લાસિક થિયેટર ખાતે અનેક લોકપ્રિય શોના સ્ટેજ પ્રદર્શનોના દૃશ્યો રજુ કર્યા હતાં. સેનના કામ પછી લાંબા વિરામ બાદ ધિરેન્દ્રનાથ ગાંગુલી દ્વારા ૧૯૧૮માં ઇન્ડો બ્રિટિશ ફિલ્મ કંપનીની રચના કરવામાં આવી હતી જે બંગાળી માલિકીની પ્રથમ પ્રોડક્શન કંપની હતી. જાેકે, પ્રથમ બંગાળી ફિલ્મ ‘બિલ્વામંગલ’નું નિર્માણ ૧૯૧૯માં મદન થિયેટરના બેનર હેઠળ થયું હતું. મદન થિયેટર દ્વારા બનાવાયેલી ‘જમાઇ શષ્ઠી’ પ્રથમ બંગાળી બોલતી ફિલ્મ હતી.૧૯૩૨માં બંગાળી સિનેમા માટે ટોલીવૂડ શબ્દ પ્રચલિત થયો હતો. જેમાં ટોલીગંજને હોલિવૂડ સાથે પ્રાસ બેસાડવામાં આવ્યો હતો અને તે સમયે તે ભારતીય ફિલ્મ ઉદ્યોગનું કેન્દ્ર હતું. ત્યાર બાદ તેના પરથી બોલીવૂડ શબ્દ રચાયો હતો અને મુંબઇ સ્થિત ફિલ્મ ઉદ્યોગે ભારતીય ફિલ્મ ઉદ્યોગના કેન્દ્ર તરીકે ટોલીગંજને પાછળ રાખી દીધું હતું. બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં સમાંતર સિનેમાની ચળવળ ૧૯૫૦ના દાયકામાં શરૂ થઇ હતી. ત્યાર બાદ લાંબો ઇતિહાસનો પથ કાપવામાં આવ્યો છે. જેમાં સત્યજિત રે, મૃણાલ સેન, ઋત્વિક ઘટક અને બીજા મહાન ફિલ્મ નિર્માતાઓએ આંતરરાષ્ટ્રીય પ્રશંસા મેળવી અને ફિલ્મના ઇતિહાસમાં તેમનું સ્થાન બનાવ્યુ છે.
પંજાબી ફિલ્મ ઉદ્યોગની વાત કરીએ તો કે. ડી. મહેરાએ પ્રથમ પંજાબી ફિલ્મ ‘શીલા’(જે પિંડ દી કુડી તરીકે પણ જાણતી છે) બનાવી હતી. બેબી નૂરજહાંને આ ફિલ્મમાં અભિનેત્રી અને ગાયિકા તરીકે રજૂ કરવામાં આવી હતી. ‘શીલા’નું નિર્માણ કલકત્તામાં થયું હતું અને તે સમયના પંજાબની રાજધાની લાહોરમાં રિલીઝ કરાઇ હતી. તે ઘણી સફળ રહી અને આખા પ્રાંતમાં હિટ થઇ હતી. આ પ્રથમ ફિલ્મને મળેલી સફળતાના કારણે ઘણા નિર્માતાઓ પંજાબી ફિલ્મો બનાવવા લાગ્યાં હતાં. ઈ.સ.૨૦૦૦ બાદ પંજાબી સિનેમામાં પુનઃજીવન જાેવા મળ્યું છે. અને દર વર્ષે વધુ મોટા બજેટની વધુ ફિલ્મો રિલીઝ થઇ રહી છે. જેમાં સ્થાનિક કલાકારો ઉપરાંત પંજાબી મૂળના બોલીવૂડના કલાકારો કામ કરે છે.
સેંડલવુડ તરીકે ઓળખાતો કન્નડ ફિલ્મ ઉદ્યોગ બેંગલોર સ્થિત છે.અને મોટા ભાગે કર્ણાટક રાજ્યના લોકોને ધ્યાનમાં રાખી ફિલ્મો બનાવે છે. ડો. રાજકુમાર કન્નડ ફિલ્મોની પ્રતિમા સમાન છે. પોતાની કારકિર્દીમાં તેમણે વિવિધ પાત્રો ભજવ્યા છે અને ફિલ્મો અને આલ્બમ માટે લગભગ ૩૦૦ ગીતો ગાયા છે.કેટલાક જાણીતા કન્નડ ફિલ્મ નિર્દેશકોમાં ગિરિશ કાસરવલ્લી, પુત્તના કાનાગલ, જી.વી. ઐયર, ગિરિશ કર્નાડ, ટી. એસ. નાગાભારણા, યોગરાજ ભટ, સુરી વગેરે સામેલ છે. લોકપ્રિય કલાકારોમાં વિષ્ણુવર્ધન, અંબરિશ, રવિચંદ્રન, રમેશ, અનંત નાગ, શંકર નાગ, પ્રભાકર, ઉપેન્દ્ર, સુદીપ, દર્શન, શિવરાજ કુમાર, પુનિત રાજકુમાર, કલ્પના, ભારતી, જયંતિ, પંડરી બાઇ, બી. સરોજદેવી, સુધારાણી, માલાશ્રી, તારા, ઉમાશ્રી અને રમ્યાનો સમાવેશ થાય છે. જાણીતા સંગીત નિર્દેશકોમાં જી. વી. વેંકટેશ, વિજય ભાસ્કર, ટી. જી. લિંગપ્પા, રાજન-નાગેન્દ્ર, હમસાલેખા અને ગુરુકિરણનો સમાવેશ થાય છે.કન્નડ સિનેમાએ ભારતીય સમાંતર સિનેમાને ઘણું યોગદાન આપ્યું છે.
દક્ષિણના રાજ્ય કેરળ સ્થિત ફિલ્મ ઉદ્યોગને મલયાલમ ફિલ્મ ઉદ્યોગ કહેવામાં આવે છે. જે સમાંતર સિનેમા અને મુખ્ય પ્રવાહના સિનેમા વચ્ચેની ખાઇ પૂરે છે અને સામાજિક મુદ્દા પર ફિલ્મો બનાવે છે. જાણીતા ફિલ્મ નિર્માતાઓમાં અદૂર ગોપાલાક્રિષ્નન, શાજી એન. કરુણ, જી. અરવિંદન, પદ્મરાજન, સાથ્યાન આંથિકડ, પ્રિયદર્શન અને શ્રીનિવાસનનો સમાવેશ થાય છે.૧૯૨૮માં નિર્માણ થયેલી અને જે. સી. ડેનિયલ દ્વારા નિર્દેશિત મૂંગી ફિલ્મ ‘વિગતકુમારન’થી મલયાલમ સિનેમાની શરૂઆત થઇ હતી. ૧૯૩૮માં રજૂ થયેલી ‘બાલન’ પ્રથમ મલયાલમ બોલતી ફિલ્મ હતી. મલયાલમ ફિલ્મો ૧૯૪૭ સુધી મોટાભાગે તમિલ નિર્માતાઓ દ્વારા બનતા હતી.૧૯૪૭માં પ્રથમ સ્ટુડિયો ઉદયની કેરળમાં સ્થપના થઇ હતી.૧૯૫૪માં ‘નીલાક્કુયિલ’ ફિલ્મે રાષ્ટ્રપતિનો રજત ચંદ્રક જીતીને દેશનું ધ્યાન ખેંચ્યું હતું. જાણીતા મલયાલમ નવલકથાકાર ઉરુબ દ્વારા લખાયેલી અને પી.ભાસ્કરન તથા રામુ કરિયાત દ્વારા નિર્દેશિત આ ફિલ્મને પ્રથમ વાસ્તવિક મલયાલી ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. રામુ કરિયત દ્વારા નિર્દેશિત અને તાકાઝી શિવશંકર પિલ્લાઇની વાર્તા પર આધારિત ‘ચીમીન’ અત્યંત લોકપ્રિય બની હતી અને શ્રેષ્ઠ ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ જીતનારી પ્રથમ મલયાલમ ફિલ્મ બની હતી. ૭૦ના દાયકામાં ન્યુ વેવ મલયાલમ સિનેમાનો ઉદભવ થયો. અદૂર ગોપાલાક્રિષ્નને તેમની પ્રથમ ફિલ્મ ‘સ્વયંવરમ‘ દ્વારા ખ્યાતિ મેળવી. ૧૯૮૦ના દાયકાથી ૧૯૯૦ના દાયકાની શરૂઆતના ગાળાને મલયાલમ સિનેમાના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં મામુટી અને મોહનલાલ જેવા કલાકારોનો ઉદભવ થયો. મલયાલમમાં જ ભારતની પ્રથમ થ્રીડી ફિલ્મ(માય ડિયર કુટ્ટીચટ્ટન થ્રીડી)નું અસલ વર્ઝન બન્યું હતું જે કેરળના જાણીતા ફિલ્મ નિર્માતા નવોદય અપ્પાચન દ્વારા બનાવાઇ હતી.
તમિલ ભાષાનો ફિલ્મ ઉદ્યોગ તમિલ સિનેમા તરીકે ઓળખાય છે. અને તે ગુણવત્તા અને ટેકનોલોજીની દૃષ્ટિએ ભારતમાં સૌથી મોટા ફિલ્મ ઉદ્યોગ પૈકી એક છે. જે તમિલનાડુમાં ચેન્નાઇના કોડામ્બાક્કમ જિલ્લામાં સ્થિત છે. વિશ્વભરમાં વસતા તમિલ લોકો તથા દક્ષિણ ભારતના તમામ રાજ્યોના લોકો તમિલ ફિલ્મો જુએ છે. તમિલ ફિલ્મોમાં તમિલ સંસ્કૃતિનું સારું એવું નિરૂપણ કરવામાં આવે છે જેમાં અમુક અંશે જાતિય અભિવ્યક્તિ તથા ઉત્તર ભારતીય ફિલ્મોની સરખામણીમાં પ્રમાણસર ગ્લેમર હોય છે. તમિલનાડુ રાજ્યમાં સ્થાનિક રાજકારણમાં પણ તમિલ સિનેમા એક બળ પૂરવાર થયું છે જ્યાં એમ. જી. રામચંદ્રન, એમ. કરૂણાનિધિ અને જે. જયલલિતા જેવી ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓએ રાજકીય પદ ધારણ કર્યા છે. મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની રચના બાદ તમિલ સિનેમાની ગુણવત્તામાં ૧૯૮૦ના દાયકામાં સુધારો થયો છે અને મણીરત્નમ જેવા ફિલ્મ નિર્માતાઓના કામથી તેના વધુ આંતરરાષ્ટ્રીય મંચ મળ્યું છે.આજે તમિલ ફિલ્મો શ્રીલંકા, સિંગાપોર, સાઉથ કોરિયા, મલેશિયા, મોરેશિયસ, સાઉથ આફ્રિકા, પશ્ચિમ યુરોપ, ઉત્તર અમેરિકા જેવા દેશોમાં અને તમિલ મૂળના લોકો વસવાટ કરતા હોય તેવા અન્ય ભાગોમાં રિલીઝ થાય છે.૧૯૯૩માં તમિલ ઉદ્યોગે કુલ ૧૬૮ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. કમલ હસન જેવા તમિલ કલાકારને સૌથી વધુ નેશનલ ફિલ્મ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે.એકેડેમી એવોર્ડ ફોર બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે તેમની સૌથી વધુ ફિલ્મો મોકલવામાં આવી છે. રજનીકાંત મોટી સંખ્યામાં ચાહકો ધરાવે છે અને ભારતમાં સૌથી વધુ રકમ મેળવતા કલાકાર છે. ઇલિયારાજા, એ. આર. રહેમાન જેવા મહાન ફિલ્મ નિર્દેશકો તમિલ ફિલ્મ ઉદ્યોગની દેન છે.
આંધ્ર પ્રદેશનો તેલુગુ ભાષાનો ફિલ્મ ઉદ્યોગ હાલમાં દર વર્ષે નિર્માણ થતી ફિલ્મોની સંખ્યાની દૃષ્ટિએ ભારતમાં સૌથી મોટો છે.આંધ્ર પ્રદેશ રાજ્ય ભારતમાં સૌથી મોટી સંખ્યામાં સિનેમા હોલ ધરાવે છે.૨૦૦૬માં તેલુગુ ફિલ્મ ઉદ્યોગે ભારતમાં સૌથી વધુ સંખ્યામાં ફિલ્મો બનાવી હતી અને તે વર્ષે ૨૪૫ ફિલ્મનું નિર્માણ કર્યું હતું.આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદની બહાર રામોજી ફિલ્મ સિટી છે જે વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો કોમ્પ્લેક્સ છે. કે.વિશ્વનાથ, બાપુ, જંધ્યાલા, સિંગથમ શ્રીવાસરાવ, રામગોપાલ વર્મા, ક્રાંતિ કુમાર, દસારી નારાયણ રાવ, રાઘવેન્દ્ર રાવ, ક્રિષ્ના વામશી, પુરી જગન્નાથ, રાજા મૌલી, વી. વી. વિનાયક, સુરેન્દ્ર રેડ્ડી, બોમ્મારિલુ ભાસ્કર, શેખર કામ્મુલા વગેરે તેલુગુ સિનેમાના ઇતિહાસમાં થઇ ગયેલા શ્રેષ્ઠ નિર્દેશકો છે. દંતકથારૂપ કલાકારો એનટીઆર અને એએનઆર તેલુગુ ઉદ્યોગમાં થયા છે. આંધ્રપ્રદેશના રાજકારણી ચિરંજીવીએ તેમની કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં એક કલાકાર તરીકે કરી હતી.
Loading ...