મુંબઇ-
કોવિડ-૧૯ને કારણે લાગુ કરાયેલા લૉકડાઉન વચ્ચે પણ મીરા રોડમાં બિયરબાર ચાલુ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આવા જ એક બારમાં કાશીમીરા પોલીસે મળસકે રેઇડ પાડી છ બારબાળા અને એક વ્યંડળને છોડાવી ૨૧ જણની અટકાયત કરી હતી.
મુંબઈ-અમદાવાદ હાઈવે પર મીરાગાંવ ખાતે આવેલા માનસી બારમાં ગ્રાહકો સામે બારબાળાઓ અશ્ર્લીલ ડાન્સ કરતી હોવાની માહિતી કાશીમીરા પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે મળસકે ત્રણ વાગ્યાની આસપાસ બાર પર રેઇડ કરી હતી.ઑરકેસ્ટ્રા બારના સિક્રેટ રૂમમાંથી પોલીસને છ બારબાળા અને એક વ્યંડળ મળી આવ્યા હતા. બારમાં હાજર ૧૩ ગ્રાહક અને આઠ કર્મચારીને તાબામાં લેવાયા હતા. આ પ્રકરણે કાશીમીરા પોલીસે ગુનો નોંધ્યો હતો. બારમાંથી ૧.૯૧ લાખની રોકડ, દેશી-વિદેશી શરાબ અને ઑરકેસ્ટ્રાનાં સાધનો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં. બારના માલિકો વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.