વડોદરા : ગોધરા પૂર્વ રેન્જના બીટગાર્ડ અને રાઉન્ડ ફોરેસ્ટરને ગોધરા એસીબીએ ૨૩,૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. બંને સરકારી કર્મચારીએ જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રકને રોકીને લાંચ માંગી હતી. પોતાની ઓફિસના જ કર્મચારી દ્વારા લાંચની રકમ સ્વીકારવાનું નક્કી કરાયું હતું. ફરિયાદીએ આ અંગે લાંચ રુશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યા બાદ છટકું ગોઠવી બીટ ગાર્ડને રાઉન્ડ ફોરેસ્ટર વતી રોકડ રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરીયાદી દ્વારા ડમ્પરમાં પથ્થરો ભરીને ફેક્ટરીમાં વેચવાનો વ્યવસાય કરતા હતા. જેથી રાઉન્ડ ફોરેસ્ટરે ૩ ડિસેમ્બરે ડમ્પરો રોકીને ૬૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી. આ અંગે ચાલેલી લાંબી રકઝકના અંતે સ્થળ પર ૫ હજાર રૂપિયા લઈ લીધા હતા અને રૂપિયા ૩૦ હજાર રૂપિયા લેવાનો વાયદો કરીને ડમ્પર છોડી દીધા હતા. જાેકે, ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેઓએ ગોધરા એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેના આધારે ગોધરા એસીબીએ ગોધરા સ્થિત બીએસએનએલ કચેરી સામે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ગોધરા પૂર્વ રેન્જ રાઉન્ડ ફોરેસ્ટર ગુણવંતસિંહ મંગળસિંહ પરમારે ફરીયાદી સાથે મોબાઇલથી વાતચીત કરી હતી અને પૂર્વ રેન્જના બીટગાર્ડ ગોવિંદ વિરમભાઇ ચૌધરીને લાંચના નાણાં આપી દેવા જણાવ્યું હતું. આ દરમિયાન બીટગાર્ડ ગોવિંદ ચૌધરીને ફરીયાદી પાસેથી લાંચના નાણાં ૨૩,૫૦૦ સ્વીકારતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા અને ગુણવંત પરમારની તપાસ કરતા તે રજા ઉપર હોવાથી બન્નેએ મળીને ગુનો આચર્યો હોવાથી બન્ને વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.