ઉનાળામાં આટલું ધ્યાન રાખીએ

લેખકઃ નીતા દવે | 


ભારતીય ઋતુચક્ર પ્રમાણે જાેઈએ તો આ સમય એટલે ઉનાળાનો ઉત્તરાર્ધ કહી શકાય.પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણ અને ઋતુઓમાં થતા પરિવર્તનોના લીધે અત્યારે પણ ઉનાળાનો સખત તાપ અનુભવી શકાય છે.પ્રકૃતિની દ્રષ્ટિએ જાેઈએ તો શિયાળો, ઉનાળો, અને ચોમાસુ આ ત્રણેય ઋતુઓ પોતપોતાના સમયગાળામાં પ્રાથમિકતા ધરાવતી હોય છે. પરંતુ ઉનાળાની ઋતુ એટલે ગૃહિણીઓ અને વર્કિંગ વુમન બંને માટે ઘર પરિવાર માટેની જવાબદારીનો સંક્રમણ કાળ.

ઉનાળાનો આ સમય એટલે ગૃહિણીઓ માટે ઘરનાં સભ્યોનાં સ્વાસ્થ્યની જાળવણી તેમજ વાર્ષિક કામકાજની કામગીરી એમ બેવડી જવાબદારી ભર્યો સમય કહેવાય. કેમકે, ઉનાળામાં જ સામાન્ય રીતે ગૃહિણીઓ ઘરમાં અલગ અલગ સુકવણીઓ કરતી હોય છે..વેફર,અથાણા,મસાલા,આમ પાપડ તેમજ બાર મહિનાનું કરિયાણું સાફ કરી અને સંગ્રહિત કરવાની સિઝન એટલે પણ ઉનાળાનો આ સમયગાળો.વળી શાળા કોલેજના વેકેશન પણ આ સમયમાં ચાલતા હોય છે . આથી લોકો વધારે પડતું ટ્રાવેલિંગ પણ કરતા હોય.ઘરે પણ મહેમાનો ની આવનજાવન વધારે રહે છે. વળી પરિવાર સાથે પારિવારિક પ્રવાસ પર્યટનનો સમય પણ આ જ ગણાય..! આથી ગૃહિણીઓ માટે તો આ બધા જરૂરી કામ ઉપરાંત ઉનાળાનાં તાપથી ઘર પરિવારનાં સભ્યોનો બચાવ અને રાહત પણ એક ચેલેંજીંગ કાર્ય કહેવાય.

સામાન્ય રીતે આ ઋતુમાં ફળોનો રાજા કેરીનું સામ્રાજ્ય લગભગ દરેક ઘરમાં જાેવા મળતું હોય છે. ગૃહિણીઓ કેરીને કેરીનાં રસને ખાવા સિવાય પણ અથાણા મુખવાસ જેવાં વિવિધ ઉપયોગમાં લેતી હોય છે. આયુર્વેદિક ની દ્રષ્ટિએ જાેઈએ તો કેરીએ ખરેખર સ્વાસ્થ્યવર્ધક ફળ ગણી શકાય.પરંતુ આજના કેમિકલ યુક્ત ખેતીના સમયમાં કેરીના ફળનો ઉપયોગ કેવી રીતે કરવો..? એ પણ સમજવું ખાસ જરૂરી છે.શક્ય બને તો કેરી ઓર્ગેનિક આંબામાં પાકેલી હોય તેવી જ ખરીદવી જાેઈએ. એકસાથે ૧૦ કે ૨૦ કિલો કાચી કેરીનો સંગ્રહ કરી અને ઘરે ગરમીના વાતાવરણમાં રાખી અને કેરીને પકાવવી જાેઈએ. બજારમાં મળતો તૈયાર કેરીનો રસ અથવા પાકી કેરી બને ત્યાં સુધી જમવાના ઉપયોગમાં ન લેવી. કારણ કે માર્કેટમાં મળતો આવો કેરીનો રસ બનાવટી તેમજ પ્રીઝરવેટીવ વાળો હોય છે અને તૈયાર પાકી કેરી કેમિકલ દ્વારા પકાવવામાં આવી હોય છે. જે આપણે ખોરાકમાં લઈએ તો આપણા આંતરિક અવયવોને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત કેરીનો રસ બનાવતા પહેલા કેરીની ઉપર રહેલા નાની ડાળખી જેવા તેનાં બીજને તોડી અને ઠંડા તેમજ સ્વચ્છ પાણીમાં બે થી ત્રણ કલાક પલાળી રાખવી ખાસ જરૂરી છે. આમ કરવાથી તેમાં રહેલા કેમિકલના ઝેરી તત્વોનો નાશ થાય છે અને કેરીની ગરમી પણ ઓછી થાય છે.

કેરીની મીઠાશ સાથે જ આ ઋતુમાં કડવા લીમડાનાં વૃક્ષનું પણ ખૂબ મહત્વ રહેલું છે.લીમડાના વૃક્ષ પર આવતા જીણા સફેદ ફૂલને લીમડાનો કોલ કહેવામાં આવે છે.લીમડાનાં આ કૉલને નમક ,લીંબુ સાથે સેવન કરવાથી શરીરમાંથી ગરમી નું પ્રમાણ ઘટે છે.કડવા લીમડાની આખી ગળો અથવા ગળોનાં વસ્ત્રગાળ કરેલ પાઉડરને પલાળી ને પીવાથી ઉનાળામાં થતા ચામડીનાં રોગો તેમજ પરસેવાની દુર્ગંધમાંથી રાહત મેળવી શકાય છે.ટૂંકામાં કહીએ તો લીમડો એ ગ્રીષ્મમાં થતા અનેક સ્વાસ્થ્યલક્ષી સમસ્યાનું સમાધાન આપતી એક સચોટ સંજીવની છે.

ઉનાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળક તેમજ ઘરના વડીલોનાં સ્વાસ્થ્યની જાળવણી ખૂબ અગત્યની બની રહે છે.તડકાની ઋતુમાં આહાર અને વિહાર બંને ઉપર ખાસ નિયંત્રણ રાખવું જરૂરી બની જતું હોય છે. તડકો સખત પડતો હોવાથી દિવસ દરમિયાન વધારે પાણી પીવાનું રાખવું જાેઈએ.ખોરાક હંમેશા સાદો અને સુપાચ્ય ખાવો જાેઈએ. બને ત્યાં સુધી સુતરાવ અને કોટનના કપડા પહેરવાનો આગ્રહ રાખવો. શરીરને ઠંડક પહોંચે તેવા પદાર્થો જેમ કે, દહીં,છાશ, ફ્રુટના જ્યુસ,વરિયાળી નું શરબત, ઠંડા પાણી માં પલાળેલા તકમરિયા વગેરેનો ઉપયોગ વધારવો જાેઈએ.જરૂરી ન હોય ત્યાં સુધી બપોરના સમયે તડકામાં બહાર જવાનું ટાળવું જાેઈએ. ઓફિસે કે કામ અર્થે બહાર જતા ઘરના સભ્યો માટે સ્ત્રી હોય તો સમર કોટ અને પુરુષ હોય તો એમને વ્હાઈટ કેપનો ઉપયોગ ખાસ કરવો જાેઈએ. આ સાથે જ ગોળનું લીંબુ પાણી ખાસ પીવું હિતાવહ ગણી શકાય.

કુદરતની દરેક ઋતુ પોતાના સમયગાળા પ્રમાણે યથાર્થ છે.પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે.સતત ચાલતા આ જીવનકાળ દરમિયાન વાતાવરણમાં થતા ફેરફારોને લઈને સામાન્ય દૈનિક માનવજીવનને કુદરત સાથે કેળવી અને કેવી રીતે સ્વાસ્થ્યવર્ધક અને સાનુકૂળ બનાવી શકાય..? તે અંગે દરેક ઋતુ પ્રમાણે અલગ અલગ જીવન શૈલી ને અનુસરવું ખુબ અગત્ય નું બની રહે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution