લેખકઃ ડો.દારા ભેસાણિયા |
અરે મગનભાઈ, સાંભળ્યું?’
‘શું?’ ‘પેલા ગામની ભાગોળે રહેતા કિસ્મતરામ બ્રહ્મચારી આપણા મૂળજીભાઈ છીતાભાઈની વહુને લઈને નાસી ગયા?’
‘ના હોય.’
‘અરે શું ના હોય. હું હમણાં ગામમાંથી જ આવું છું. આખું ગામ ચર્ચાની ચકડોળે ચડ્યું છે.’
‘આ તો માળું ખરૂં કહેવાય!’ ‘અરે જવા દો ને વાત, ભાઈ, હવે તો આ બાવાઓય બગડવા માંડ્યા છે. હળાહળ કળજુગ બેઠો છે.’
-------------
‘પોલીસ પટેલ સાહેબ, મારે ફરિયાદ નોંધાવવી છે.’ ‘શું છે? શેની વળી ફરિયાદ નોંધાવવી છે?’
‘સાહેબ, મને કહેતાય શરમ આવે છે. પેલા કીર્તનદાસ બાવા મારી સોળ વરસની છોરીને લઈને નાસી ગયાં. સાહેબ, મારૂં તો નાક કપાઈ ગયું. મારૂં કાંઈક કરો.’
‘જાવ જાવ હવે, કીર્તનદાસ બાવા તો અસલ ભગત હતાં. હાથમાં તંબુરો ઝાલીને કીર્તન કરતાં ત્યારે ભલભલાં ડોલી ઊઠતાં. એ આવું કરે જ ના ને.’
‘અરે સાહેબ, એ ભગતડો સાવ ઢોંગી હતો. તમે અંદરની વાત ન જાણો. એ તો ચાવવાના જુદાં અને બતાવવાનાં જુદાં.’
સમાજમાં જ્યારે આવા કિસ્સાઓ બને છે ત્યારે કોઈને પણ પ્રશ્ન ઉદ્ભવે કે વર્ષો સુધી ભજન-કીર્તન, જપ, સાધના, ઉપાસના કર્યા, કેટલાંય ઉપવાસો કે એકટાણાં કર્યાં, છતાં મન વશ ન રહ્યું ને ન કરવાનું કરી બેઠા. શા માટે? શા માટે આવું થતું હશે? વર્ષોની સાધના પછી તો મન વધુ શુદ્ધ બનવું જાેઈએ, પણ ઘણા કિસ્સાઓમાં પરિણામ ઊંધું જ આવે છે.
જેઓ મનની ગતિને સમજી શકતા નથી તેઓ આવા કિસ્સાઓને યથાર્થ રૂપે સમજી શકતા નથી. ઈશ્વરે જીવના ઉદ્ભવથી જ બે સંસ્કારો પ્રાકૃતિક રૂપે તેનામાં આરોપેલા છે. એક છે જાતીય વાસના અને બીજાે આહારની આસક્તિ. આ બંને સંસ્કારો દરેક વ્યક્તિમાં મૂળભૂત રીતે હોય છે. આ બંને સંસ્કારોને ઉલ્લંઘીને પુરુષવિશેષના પ્રદેશમાં પહોંચવાનું છે. હકીકતમાં અજ્ઞાનને કારણે તેને દુષ્કર બનાવી દેવામાં આવ્યા છે, યદ્યપિ તે એટલા દુષ્કર નથી.
સાધક જ્યારે સાધના કરવા માંડે છે ત્યારે થોડા વખતમાં આ સંસ્કારો તેને ઉપર આવતા જણાય છે, ફલતઃ તે વિચલિત થઈ જાય છે. એ એવું સમજી બેઠો છે કે આ સંસ્કારો કોઈ પણ સંજાેગોમાં હોવા જ ન જાેઈએ. આમ માની તે સઘળા ઉપાયે તેને દબાવવા પ્રયત્ન કરે છે. જેમ જેમ તે દબાવતો જાય છે તેમ તેમ તે સંસ્કારો વધારે જાેર પકડે છે. પરિણામે સંઘર્ષ પેદા થાય છે. અને સાધક છેક જ કંટાળી જાય છે. પછી તે છાનોમાનો વૃત્તિઓને સંતોષે છે અને તેમાંથી દંભ સર્જાય છે.
ઘણા વ્યક્તિઓ-સાધકો સૈદ્ધાંતિક રીતે માને છે કે વૃત્તિઓ દબાવવી ન જાેઈએ પરંતુ વાસ્તવિક રીતે જ્યારે વૃત્તિઓ હેરાન કરે છે ત્યારે તે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે તેમનું દમન જ કરે છે. ઘણી વાર તો તેને ખબરેય નથી હોતી કે તે વૃત્તિઓને દબાવી રહ્યો છે. જેમ કે કેટલાક સાધકો વિષયવાસના વારંવાર પજવવાથી પોતાની જનનેન્દ્રિયને કાપી નાંખે છે, કેટલાક આમાંથી બચવા માટે પોતાની આંખો ફોડી નાંખે છે. આ બધું તો મનનું સીધું દબાણ છે જ, પરંતુ કેટલાક મનને પરોક્ષ રીતે દબાવવા જ્યારે વાસના જાગે છે ત્યારે ક્યાં તો માળા ઝાલીને બેસી જાય છે કે ક્યાં તો ભજન-કીર્તન કરવા બેસી જાય છે. આમ કરવાથી વૃત્તિ થોડી નબળી પડે છે ખરી પણ નિર્મૂળ થતી નથી. તે વિચાર અર્ધજાગ્રત મનમાં ધરબાઈ જાય છે અને જ્યારે અનુકૂળતા સર્જાય છે ત્યારે ફરીથી ઉપર આવવા માંડે છે. આવી પરિસ્થિતિમાં સાધક આશ્ચર્ય અનુભવે છે કે આટલા બધા પ્રયત્ન છતાં વૃત્તિ દૂર કેમ થતી નથી! પરંતુ જ્યાં સુધી તે મનની કાર્યપધ્ધતિને સમજી શકતો નથી ત્યાં સુધી તે વૃત્તિ જીતવામાં સફળ થતો નથી.
તો આ વૃત્તિઓને જીતવી કેમ?
આપણે ત્યાં કહેવત છે કે ‘વાર્યો નહીં વળે, હાર્યો વળે.’ તેમ આ વૃત્તિઓને વાળવા પ્રયત્ન કરશો તો નહીં વળે. પણ તે જ્યારે રખડી રખડીને થાકશે ત્યારે એની મેળે શાંત થશે.
આવી પરિસ્થિતિમાં તેણે વિચારવાનું છે કે આ વિચારો કે મનની ગતિ હું નથી. તેણે તો માત્ર સાક્ષી બનીને બધી વૃત્તિઓને, વિચારોને તટસ્થતાપૂર્વક જાેયાં જ કરવાનાં છે. અહીં ખ્યાલ એ રાખવાનો છે કે વ્યક્તિએ તેની જાતને મનની ગતિ સાથે જાેડવાની નથી. વૃત્તિ વ્યક્તિની કાબુ બહાર ત્યારે જ ચાલી જાય છે જ્યારે તે વ્યક્તિ પોતાની જાતને મનની સાથે જાેડી દે તો.
અહીં વિચારોને સહેજે દબાવવાના નથી, પરિવર્તિત કરવાના નથી કે તેને નામ આપવાનું નથી. માત્ર દ્રષ્ટા બની રહેવાનું છે. તેનાથી મોં ફેરવવાને બદલે તેને ધ્યાનપુર્વક જાેવાના છે. કોઈ ડોક્ટર તેના દર્દીના જુગુપ્સાજનક ઘાને જાેવાનું ટાળે તો તેની સારવાર કેવી રીતે કરી શકે?
જ્યારે તમે તમારા વિકારોને ધ્યાનપુર્વક જુઓ છો ત્યારે તમને વિવશ કરીને, ગુલામ બનાવીને ઘસડી જવાની તાકાત કોઈ વૃત્તિમાં નથી. પણ જ્યારે તમે એવા મિથ્યાભાવમાં રહો છો કે એ વૃત્તિ કે વિચાર મારામાં નથી, ત્યારે મુશ્કેલી સર્જાય છે. મનના ખુલ્લું પડવા દો. આવા વિચારોથી ક્ષોભ ન પામશો. એ તો જન્મોજન્મની વાસનાઓ છે. એટલે તે ન હોય તેવી અપેક્ષા રાખવી બરાબર નથી. તેને સાક્ષીભાવ રાખી અલિપ્ત થવાથી જ તે નિર્મુળ થશે.