બાળકોની કે જીવનસાથીની નિષ્ફળતાની ક્ષણે સહારો બની રહો

આપણા રિવાજાે અને આપણી વિધિમાં સપ્તપદીના જે વચનો આપવામાં આવે છે એમાં સ્ત્રી પોતાના પતિને એ વચન આપે છે કે હંમેશા પતિના સુખ-દુઃખની સાથીદાર રહેશે, પરંતુ બદલાતા સમય સાથે હવે આજે પત્ની પણ એવું ઈચ્છે છે કે એનો પતિ પણ એના સુખદુઃખ અને એની સફળતા- નિષ્ફળતાનો સાથી બને. પત્ની મોટાભાગે પોતાની નિષ્ફળતા બાબત પરિવાર કે પતિને જણાવતા ડરતી હોય છે એના પાયામાં પણ એ વાત રહેલી છે કે મોટાભાગે પત્નીની નિષ્ફળતા એ પતિ અને એના પરિવાર માટે મજાક અથવા ઉગ્રતાનો વિષય બની રહે છે. આપણે જાણીએ છીએ કે કોઈ સર્વગુણ સંપન્ન નથી. જે ભણે છે એ ભૂલે છે, જે શીખે છે ભૂલો કરે છે, જે પ્રયાસ કરે છે એ નિષ્ફળ પણ થાય છે પરંતુ પોતાની ભૂલો અને પોતાની નિષ્ફળતામાંથી ઉભા થવાની હિંમત અને તાકાત પરિવારનો સાથ આપે છે. જે પતિ કે પરિવાર પોતાની પત્નીને-ઘરની પુત્રવધુને એ નિષ્ફળતામાં સાથ સહકાર નથી આપતા એ પતિ અને પરિવાર પત્નીના હૃદયમાંથી પોતાનું સ્થાન ખોઈ બેસે છે. કારણકે નિષ્ફળતા એ એક જ સમયે એવો હોય છે જ્યારે સ્ત્રીને સૌથી વધારે પોતાના લોકોની જરૂર હોય છે. પરણીને આવ્યા પછી સ્ત્રી હંમેશા પોતાના પતિ અને સાસરિયાને પોતાનો પરિવાર માનતી હોય છે અને એટલે જ પોતાની નિષ્ફળતાના સમયે એનો પતિ અને સાસરીયા સધિયારો આપે એવું એ ઇચ્છતી હોય છે.

 આપણી સમાજ રચના અને બાળઉછેર એ બધાને લઈને એક એવી માન્યતા પ્રવર્તે છે કે પુરુષ દરેક બાબતમાં સક્ષમ છે. તે મજબૂતાઈનો માપદંડ છે. પુરૂષને ક્યારેય પોતાની નિષ્ફળતા માટે સહારાની જરૂર હોતી નથી. પોતાનું દરેક કામ પોતાની રીતે કરી શકવા એ સક્ષમ હોય છે. આ માન્યતા તદ્દન ભૂલ ભરેલી છે. આપણે જાણીએ છીએ કે વિશ્વમાં હાર્ટ એટેકના દર્દીઓનો રેશિયો જાેવામાં આવે તો પુરુષોની ટકાવારી વધારે હોય છે જે આ કારણે જ હોઈ શકે.તે પોતાની વ્યથા તકલીફ અને નિષ્ફળતા એ પરિવારમાં કોઈ સાથે શેર નથી કરી શકતો. કારણ કે એ પુરુષ છે અને પુરુષ મજબૂત હોવો જાેઈએ એને રોવાનો,પોતાનું દુઃખ શેર કરવાનો કે કોઈ પાસેથી આશ્વાસન મેળવવાનો હક નથી હોતો આવો એક હું વણલખ્યો નિયમ બની ગયો છે. બદલાતા સમય સાથે પત્નીએ પતિની દરેક કામગીરી વિશે જાણકારી રાખવી જાેઈએ. એના બદલાતા મૂડ, અચાનક ચૂપ થઈ જવું કે બદલાયેલા વર્તન પરથી પત્નીએ પતિના મનમાં રહેલી કોઈ દુઃખદાયી વાતને જાણવી જાેઈએ, બની શકે કે પુરુષને કોઇ નિષ્ફળતા ઘેરી વળેલી હોય અને એવા સમયે એને પણ કોઈ સધિયારાની જરૂર હોય આવા સમયે પત્ની પુરુષોએ સધિયારો બનવાનું હોય છે. ઘરકામ કરતી પત્ની પણ પતિને હિંમત તો આપી જ શકે છે અને પ્રશ્નો તથા ઉપાધીનું મોટાભાગનું કામ હિંમત આપવાથી સરખું થઇ જતું હોય છે.

નિષ્ફળતા આમ તો કોઈને ક્યારેય પચતી નથી હોતી. અને એટલે જ નિષ્ફળતા વખતે પતિ વધુ પડતો ઉગ્ર થઇ જતો હોય છે. પતિ કે પત્નીએ આદરેલા કોઈ સાહસ માટે જાે નિષ્ફળ જાય તો એવા સંજાેગોમાં એનો ઉપહાસ કરવા કે એને ઉતારી પાડવાને બદલે એના વિશે ચર્ચા કરવી જાેઈએ. નિષ્ફળ જવાના કારણોમાં ઊંડા ઉતરવું જાેઈએ. મોટાભાગે નિષ્ફળ ગયેલી વ્યક્તિમાં એ સમયે એ પ્રકારની માનસિક સ્વસ્થતા નથી હોતી કે પોતાની નિષ્ફળતાના કારણો વિચારી શકે. એવા સમયે સાથીએ તેને સધિયારો આપી નિષ્ફળતા વિષે જાણી અને એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી ચર્ચા કરવી જાેઈએ. આવી ચર્ચાથી એ નિષ્ફળતામાંથી તો થતો નથી નીકળી શકાતું. પરંતુ ભવિષ્યમાં અન્ય કોઈ બાબતમાં નિષ્ફળતા ન મળે એ માટે અન્ય જરૂરી શીખ મળે છે. એકબીજાની સફળતા માટે સાથે બેસીને ચર્ચા કરવાથી શક્ય છે કે સફળતા પાછળનું કારણ મળી પણ જાય પરંતુ આ વિષય પર નિરાકરણ વાત કે ચર્ચાથી શકે છે,એકબીજા પર ગુસ્સો કરવાથી કે એકબીજા પર ઢોળી દેવાથી નહિ.

  દરેક પતિએ પોતાની પત્નીમાં વિશ્વાસનું આરોપણ કરવું જાેઈએ. પત્નીને પોતાની જાતમાં વિશ્વાસ વધે અને પોતે પણ કંઈક કરી શકે છે એવો આત્મવિશ્વાસ પ્રગટે એ માટે અમુક કાર્યો એને સોંપવા જાેઈએ. પ્રેમપૂર્વક એ કાર્ય કરવા માટે સમજાવું પણ જાેઈએ અને એ પછી પણ એક વાર નિષ્ફળતા મળે તો સાથે બેસીને ચર્ચા કરવી જાેઈએ. ઘણી વખત પત્નીની નિષ્ફળતા પર પતિના ગુસ્સાનો વિચાર કરીને જ પત્ની કોઈ નવું કાર્ય કરવાની હિંમત નથી કરતી હોતી. બહુ સાદુ ઉદાહરણ લઈએ તો કાર ડ્રાઈવિંગ એ આમ તો સાવ સામાન્ય કાર્ય છે જે કોઈપણ કરી શકે છે. પરંતુ કેટલીક વખત પત્નીને અત્યંત ઈચ્છા હોવા છતાં ઓછી પ્રેક્ટિસના કારણે એ કાર ચલાવતી નથી હોતી. એવા સમયે પતિ એને હિંમત આપે, જાેશ વધારે અને સાથે ડ્રાઇવિંગ કરવા લઈ જાય તો પત્નીમાં હિંમત આવે છે. પરંતુ મોટા ભાગે એવું બનતું હોય છે કે કારમાં બાજુની સીટ પર બેઠેલો પતિ પત્ની તરફ એવી રીતે જાેતો હોય છે ડ્રાઇવિંગની બધી જ સ્કિલ જાણતી હોવા છતાં પત્ની બેલેન્સ ગુમાવી દે છે. આવી સ્થિતિમાં કેટલીકવાર અકસ્માત કે કારને ઈજા પણ થઈ શકે છે. આ વખતે પતિએ ગુસ્સો કર્યા વગર પત્ની દ્વારા બનેલી આ આખી ઘટનાનો અભ્યાસ કરવો જાેઈએ અને અકસ્માત કે ઇજા થવાના કારણ સુધી પહોંચવું જાેઈએ. પ્રેમપૂર્વક સાથે બેસીને નિષ્ફળતાનું મૂલ્યાંકન કરવામાં આવે તો ભવિષ્યમાં આવી નિષ્ફળતાને નિવારી શકાય છે અને સાથીદારની હિંમત અને જુસ્સો વધારી શકાય છે. પતિ પત્ની દ્વારા એકમેકને મળતી હિંમત અને સધિયારો નિષ્ફળતા સામે ટકવા અને ઉભા થઈને ફરી કાર્યરત થવા પ્રેરે છે, સાથોસાથ આવો સહકાર બંનેના સંબંધમાં વધારે નજીક લાવે છે.

લગ્ન જીવનમાં પતિ-પત્ની બાદ આવે છે બાળકો અને પરિવાર. બાળ ઉછેર એ આમ તો માતાની જવાબદારી હોય છે પરંતુ પિતાના વાણી-વર્તન અને એના વ્યવહાર પરથી પણ બાળકો ઘણું શીખે છે. બાળઉછેરમાં જેટલો સમય પત્ની આપે છે એટલું ધ્યાન પતિએ પણ આપવું જાેઈએ. આજના સમયમાં દરેક માતા-પિતાની પોતાના બાળક પાસે અપેક્ષા ઘણી વધારે હોય છે. આજનું બાળક જાણે મશીન બનીને જીવતું હોય છે. અભ્યાસ ઉપરાંત મનોરંજનના નામે અને એક્સ્ટ્રાએક્ટિવિટી ના નામે બાળકને અનેક રમતગમત અને સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં જાેતરી દેવામાં આવતા હોય છે અને આ બધી જ પ્રવૃત્તિઓ બાળકોનું મનોરંજન છે એવું પણ સાબિત કરવામાં આવતું હોય છે. હકિકતમાં આટલા બધા ભાર અને પ્રેશર વચ્ચે જીવતું બાળક ક્યારેક ક્યાંક નિષ્ફળ જતું હોય છે. બાળકની નિષ્ફળતા ખરું જાેવા જાવ તો એના માતાપિતાની વધુ પડતી અપેક્ષાઓનું પરિણામ હોય છે, છતાં આવી નિષ્ફળતા વખતે બાળક નાસીપાસ ન થઈ જાય એ જાેવાની માતા-પિતાની ફરજ હોય છે. માતા-પિતાએ બાળકને ખૂબ પ્રેમથી એની નિષ્ફળતા બદલ એને હિંમત આપવાની હોય છે. મોટાભાગે એક સર્વસામાન્ય ભૂલ જે માતા-પિતા કરતા હોય છે એ એ છે કે કોઈપણ પ્રવૃત્તિ કે પરીક્ષામાં પોતાનું બાળક જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે એનાથી આગળ નીકળી ગયેલા બાળક સાથે કે સગા સબંધીના કોઈ બાળક સાથે એની સરખામણી કરવામાં આવે છે. આગળ નીકળી ગયેલા બાળકને મળતી સવલતો સામે પોતે પોતાના બાળકને કેટલી વધારે સવલતો આપી છે એનો હિસાબ પણ માંડવામાં આવે છે,આનો અર્થ એ થયો કે માતા-પિતા પોતે આપેલી સગવડતા અને લાગણીનું વળતર માંગી રહ્યા છે અને એક ઉંમરે પહોંચ્યા પછી બાળક આ વાત બહુ સારી રીતે સમજતું થઈ જાય છે. જ્યારે એવું બને છે ત્યારે બાળકને તેના માતા-પિતા પણ સ્વાર્થી લાગે છે અને માતા-પિતા માટે એના મનમાં લાગણી અને પ્રેમ ઓછા થઈ જતા હોય છે. હંમેશા ધ્યાન રાખવું કે બાળક જ્યારે નિષ્ફળ જાય ત્યારે બહુ જ પ્રેમથી એના નિષ્ફળ થવાના કારણોમાં નજર કરો. ઘણી વખત હોશિયાર બાળક પોતાની જે વિષયમાં વધારે આવડત છે એ વિષયમાં પણ નિષ્ફળ જતું હોય છે અને એની નિષ્ફળતાનું કારણ તપાસતા ક્યારેક બહુ ચોંકાવનારી વિગતો બહાર આવતી હોય છે જે બાળકના મગજ અને આખા ભવિષ્ય પર અસર કરનારી હોય છે, માટે એવું ન થાય એનું દરેક માબાપે ધ્યાન રાખવું જાેઈએ. બાળકની સફળતા માટે એના પર ગુસ્સો કરવાને બદલે કઈ રીતે સફળ થઇ શકાય, સફળ થવા માટે શું કરવું, કઇ કચાસને કારણે આ વખતે નિષ્ફળ ગયું એની ચર્ચા કરવી અને ફરીવાર એ જ પ્રવૃત્તિ કરવા માટે એનો ઉત્સાહ વધારવો જાેઈએ.

યાદ રાખો, માતા-પિતાએ બાળકોના ઉત્તમ શિક્ષક પણ છે અને આદર્શ પણ અને આજીવન વાણી વ્યવહાર વર્તન પ્રેમ અને હુંફથી બાળકોની આ લાગણી દરેક માતા-પિતાએ ટકાવી રાખવાની હોય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution