વલસાડ-
પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બેફામ રીતે વધી રહેલા કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં પ્રવેશ કરતા તમામ કારચાલકો અને પ્રવાસીઓ માટે આરટી પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. મુંબઈ તરફથી આવતા તમામ પ્રવાસીઓએ રાજ્યમાં પ્રવેશવા માટે ભીલાડ ચેકપોસ્ટ પર ૭૨ કલાકનો આરટી પીસીઆર ટેસ્ટ ફરજીયાત બતાવવો પડે છે. ત્યાર બાદ રાજ્યમાં પ્રવેશ આપવામાં આવે છે. જાેકે કેટલાક લેભાગુ લોકો આરોગ્ય અને પોલીસની ટીમને ચકમો આપવા માટે નકલી ટેસ્ટ સર્ટિફિકેટનું કૌભાંડ કરી રહ્યા હતા. વલસાડની ભીલાડ પોલીસે આ મામલે નકલી આરટી પીસીઆર સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.
મહત્વપૂર્ણ છે કે હવે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે નિયમો કડક કરી દેવામાં આવ્યા છે અને ૭૨ કલાકમાં કરેલો આરટી પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યો છે. આથી વલસાડ જિલ્લાની ભીલાડ ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકો ની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. ભીલાડ ચેકપોસ્ટ પર તૈનાત આરોગ્ય વિભાગની ટીમે ગુજરાતમાં પ્રવેશતા ચાલકો પાસે આરટી પીસીઆર રિપોર્ટ ન હોય તેવા તમામ લોકોને મહારાષ્ટ્ર પરત મોકલવામાં આવી રહ્યા છે. આવા માહોલ વચ્ચે ભીલાડ પોલીસ અને આરોગ્યની ટીમને કેટલાક આરટી પીસીઆરના સર્ટીફિકેટના ક્યુ આર કોડ સ્કેનમાં ગરબડી લાગી હતી.
આ મામલે ભીલાડ પોલીસે આધુનિક ટેક્નોલોજીનો સહારો લઇ તપાસ કરી હતી ત્યારે બહાર આવ્યું હતું કે કેટલાક પ્રવાસીઓના આરટી પીસીઆર નકલી હતા. ત્યારે એક જ દિવસમાં ૧૪ જેટલા આરટી પીસીઆર નકલી હોવાથી વાંસલડી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. મહત્વપૂર્ણ છે કે આરટી પીસીઆર કરાવતી વખતે જે તે પેથોલોજી લેબ દર્દીનું નામ અને તમામ વિગત આ ટેસ્ટમાં નોંધાતી હોય છે. આ રિપોર્ટમાં કેટલાક લોકો કોમ્યુટરની મદદથી ચેડાં કરી નાખતા હતા અને જે દર્દીના નેગેટિવ રિપોર્ટ હોય તે દર્દી ના રિપોર્ટમાં નામ સહિત અન્ય વિગતમાં ચેડા કરી નવું નામ ઉમેરી નકલી આરટી પીસીઆર ટેસ્ટ રિપોર્ટ બનાવી લેતા હતા.
ભીલાડ ચેકપોસ્ટ પર આવેલ તમામ લોકોની પોલીસ અને મેડિકલ ટીમે આ તમામ ટેસ્ટના ક્યુ આર કોડને પણ ઝીણવટથી તપાસ કરવામાં આવે છે. કોમ્પ્યુટરરાઇડ મશીનથી આ ટેસ્ટના ક્યુ આર કોડને અનકોડ કરી ટેસ્ટની તમામ વિગતો તપાસવામાં આવે છે. જેથી નકલી ટેસ્ટ રિપોર્ટનો તાત્કાલિક ખ્યાલ આવી જાય છે. આ કૌભાંડમાં વલસાડ પોલીસે હાલે ૧ લક્ઝરી બસ સહીત બે વાહનો ડિટેન કર્યા છે અને ૧૩ જેટલા લોકોને નકલી આર ટી પીસીઆર ટેસ્ટ સાથે ઝડપી પડયા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે લક્ઝરીના ચાલાક જ પોતાના પેસેન્જર માટે આ પ્રકારના નકલી ટેસ્ટની સગવડ કરી આપતો હતો. ત્યારે હાલ વલસાડ પોલીસે મહારાષ્ટ્ર પોલીસ સાથે રહી આ કૌભાંડના મુખ્ય માસ્ટરમાઈન્ડને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.