રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સફાળું જાગી ઉઠેલ દાહોદ જિલ્લાનું તંત્ર પણ દોડતું થયું....


દાહોદ,તા.૩૦

રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ સફાળી જાગી ઉઠેલી રાજ્ય સરકારના આદેશના પગલે દાહોદ વહીવટી તંત્ર દ્વારા ચારેક દિવસ અગાઉ ફાયર સેફટી સુવિધાઓના અભાવે દાહોદ શહેરમાં જુદી જુદી જગ્યાએ કાર્યરત બે ગેમઝોનને સીલ માર્યા બાદ આજરોજ કેટલીક ગંભીર ક્ષતિઓ સામે આવતા દાહોદ મામલતદારની ટીમ દ્વારા દાહોદ યાદગાર હોટલ સામે આવેલ બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરી તે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને નજીકમાં આવેલ ઝાયડસ હોસ્પિટલમાં રીફર કર્યા બાદ સદર હોસ્પિટલને સીલ મારવામાં આવતા દાહોદ શહેરમાં હાઈ રાઇઝ બિલ્ડીંગો, મોટી હોસ્પિટલો વગેરેના માલિકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. જ્યારે કેટલાક વેપારીઓ અને તબીબો પોતાને ત્યાં ચેકિંગ આવે તે પહેલા જ પોતાના સંસ્થાનોને તાળા મારી બચવાની વેતરણમાં પડ્યા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સફાળી જાગી ઉઠેલી રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકા તેમજ પાલિકાને તેમના વિસ્તારમાં વિવિધ બાબતોની ચકાસણી કરવાનો તેમજ નોટિસ આપીને છૂટી જવાની રમત રમવાને બદલે ક્ષતિ હોય તો મિલકતોને સીલ કરવાનો અને શરતી મંજૂરી નહીં આપવાનો આદેશ કરવામાં આવતા જ દાહોદ જિલ્લાનું તંત્ર પણ એક્શનમાં આવી દોડતું થયું હતુ. અને દાહોદમાં જુદી જુદી જગ્યાએ કાર્યરત બે ગેમ ઝોનને ફાયર સેફટીના અભાવે તેમજ અન્ય ક્ષતિઓના કારણે પાંચેક દિવસ અગાઉ જ સીલ મારી દેવામાં આવ્યા હતા. અને આજરોજ દાહોદ પ્રાંત અધિકારીના માર્ગદર્શન તેમજ આગેવાનીમાં દાહોદ મામલતદાર મનોજકુમાર મિશ્રા તથા તેમની ટીમ, દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર વાઘેલા તથા તેમની ટીમ, મેડિકલની ટીમ, ડી.એચ.ઓ, સીડી એચ ઓ. વગેરેની ટીમ તથા એમજીવીસીએલ ની ટીમ દ્વારા દાહોદ શહેર યાદગાર હોટલ સામે આવેલ ડોક્ટર સલીમ શેખની બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજે સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. અને તપાસ દરમિયાન હોસ્પિટલમાં ગંભીર પ્રકારની ક્ષતિઓ જાેવા મળી હતી જેમાં હોસ્પિટલમાં પ્રવેશ કરતાજ નીચે ઓક્સિજનના ૧૦ જેટલા સિલિન્ડરો જાેવા મળ્યા હતા. જેમાંથી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય કરવામાં આવતો હતો. સદર હોસ્પિટલમાં એન્ટર તેમજ એક્ઝિટ માટે માત્ર એક સાંકડી સીડી જાેવા મળી હતી તેમજ બીજી કોઈ સીડીની સુવિધા જાેવા મળી ન હતી. સાથે સાથે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ બાયો મેડિકલ વેસ્ટનો જે રીતે રોજે રોજ નિકાલ કરવાનો હોય છે તે ગાઈડ લાઈનનો આ હોસ્પિટલ દ્વારા અમલ કરવાના બદલે સરકારશ્રીની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન કરી સદર હોસ્પિટલ બિલ્ડિંગમાં ચોથે કે પાંચમે માળે એક રૂમમાં બાયોમેડિકલ વેસ્ટ ભરી રાખવામાં આવ્યો હતો. જે રૂમની તપાસ કરતા તે રૂમમાં દસ દિવસથી પણ વધુ દિવસોનો અત્યંત દુર્ગંધ મારતો બાયો મેડિકલ વેસ્ટ જાેવા મળ્યો હતો. જેથી કરીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની જે લીગલ એક્શન છે તે મુજબ તબીબ વિરુદ્ધ કાર્યવાહી હાથ કરવાની પ્રક્રિયા આગળ ધપાવી સદર તબીબને સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ ન કરવા સબબ નોટિસ પાઠવવામાં આવી છે. અને તે હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લઈ રહેલા ૮ જેટલા દર્દીઓને આ હોસ્પિટલની સામે આવેલ ઝાયડસ હોસ્પિટલમાં રિફર કર્યા બાદ આ બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને દાહોદ મામલતદારની ટીમ દ્વારા સીલ મારવામાં આવતા અને આ પ્રકારની તપાસની પ્રક્રિયા સદર ટીમો દ્વારા આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

---------------------------------------------------------------

દાહોદ યાદગાર હોટલની સામે છેલ્લા ત્રણેક વર્ષથી કાર્યરત બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમા એન્ટર અને એક્ઝિટ માટે માત્ર એક સાંકડી સીડી જ છે. જે તે વખતે લાગતા વળગતા વિભાગના અધિકારીએ આ હોસ્પિટલને મંજૂરી આપતા પહેલા આ ગંભીર ક્ષતિ જાેઈ નહીં હોય? અને જાેઈ હોય તો આ મંજૂરી કેવી રીતે આપી ? અને જાે મંજૂરી નહીં આપી હોય તો મંજૂરી વગર આ હોસ્પિટલ આટલા સમયથી કેવી રીતે કાર્યરત રહી? આ તમામ સવાલો હાલ દાહોદ શહેરમાં ચર્ચાના એરણે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution