સુરત-
જિલ્લામાં બારડોલીના બાબેન ગામે આવેલા લકઝરીયા એપાર્ટમેન્ટમાં રહેતી 28 વર્ષીય યુવતી લાપતા થયા બાદ તેનો મૃતદેહ વાલોડ તાલુકાના નવા ફળિયાના એક ખેતરમાં દાટેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ હતી. યુવતી તેમના ગામ કિકવાડના જ એક યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. 15 તારીખના રોજ ઝઘડો થતાં યુવકે તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેના સસરાના ખેતરમાં જ તેને દાટી દીધી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ બારડોલી તાલુકાના કિકવાડ ગામે રોહિત ફળિયામાં રહેતી રશ્મિ જયંતિ કટારીયા છેલ્લા કેટલાક સમયથી ગામના જ યુવક ચિરાગ સુરેશ પટેલ નામના પરિણીત યુવક સાથે છેલ્લા ચાર વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી અને ચિરાગ થકી તેને 3 વર્ષનો પુત્ર પણ છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બંને વચ્ચે ઝઘડા બાદ ચિરાગે ગુસ્સામાં આવી રશ્મિનું ગળું દબાવી દીધું હતું. જેને કારણે રશ્મિનું મોત નીપજ્યું હતું. મોત નિજપતા ગભરાઈ ગયેલા ચિરાગે મૃતદેહને સગેવગે કરવા માટે એક પ્લાસ્ટિકના કોથળામાં મૃતદેહને પેક કરી દીધો હતી. મૃતદેહ જલ્દી પીગળી જાય તે માટે કોથળામાં મીઠું પણ નાખ્યું હતું. વાલોડના નવા ફળીયા ખાતે આવેલા તેના પહેલા સસરાના ખેતરમાં જમીન લેવલિંગનું કામ ચાલતું હતું, ત્યારે ચિરાગ રશ્મિના મૃતદેહને કોથળામાં ભરી પોતાની વેરના કારમાં લઈ ગયો હતો અને ત્યાં તૈયાર ખાડામાં દાટી દીધા બાદ બીજા દિવસે ખાડા પર ટ્રેકટરથી માટી નાખી દીધી હતી. બારડોલીના બાબેન ગામે લકઝરીયા એપાર્ટમેન્ટમાં એક યુવક સાથે લિવ ઇનમાં રહેતી યુવતી લાપતા થઈ હોવાની ફરિયાદ બારડોલી પોલીસ મથકમાં નોંધાઇ હતી. પોલીસે યુવતી જેની સાથે લિવ ઇનમાં રહેતી હતી તે યુવકની પૂછપરછ કરતા તેણે જ યુવતીની હત્યા કરી તેના મૃતદેહને વાલોડના નવા ફળીયા ખાતે આવેલા ખેતરમાં દાટી દીધો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે વાલોડ વ્યારા પ્રાંત અને વાલોડ મામલતદારની હાજરીમાં એફ.એસ.એલની મદદથી ખોદકામ કરી મૃતદેહને બહાર કાઢ્યો હતો.