વોશિંગ્ટન-
અમેરીકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાની સાથે ઘટેલી એક રંગભેદની રસપ્રદ ઘટના વર્ણવી હતી. ઓબામાએ કહ્યું એ પ્રમાણે તેમના સ્કૂલના દિવસો દરમિયાન તેમના એક સાથીએ તેમના વિશે રંગભેદની ટીપ્પણી કરી હતી ત્યારે તેમણે ગુસ્સામાં મુક્કો મારીને તેનું નાક તોડી નાંખ્યું હતું. ઓબામાએ કહ્યાનુસાર, આ ઘટના સ્કૂલના લોકરરૂમમાં થઈ હતી. ઓબામા આઠ વર્ષ સુધી અમેરીકાના પ્રમુખ રહ્યા હતા. એમણે બે કાર્યકાળ સુધી પ્રમુખપદ ભોગવ્યું હતું. ત્યારે જો બાયડેન ઉપપ્રમુખ હતા, જે હાલમાં અમેરીકાના 46મા રાષ્ટ્રપતિ છે.
બ્રુસ સ્પ્રિંગસ્ટીન સાથેના એક પોડકાસ્ટ થયેલા પ્રોગ્રામમાં ઓબામાએ આવો પ્રસંગ વર્ણવ્યો હતો. ઓબામાએ કહ્યું કે મારો એક ખાસ દોસ્ત હતો અને તેની સાથે અમે બાસ્કેટ બોલ રમતા હતા અને તે દરમિયાન જ ઝઘડો થયો. ત્યારે તેણે મને કેટલાક રંગભેદી શબ્દો કહ્યા. એણે જે કંઈ કહ્યું તેનો તેને અર્થ પણ કદાચ નહીં ખબર હોય. હું ગુસ્સામાં હતો. મેં એક મુક્કો મારીને તેનું નાક તોડી નાંખ્યું. અહીં એંકરે પણ કહ્યું હતું કે, તમે બિલકુલ બરાબર કર્યું હતું.
ઓબામાએ કહ્યું હતું કે, ત્યારબાદ તેમણે પોતાના એ મિત્રને તેનો મતલબ સમજાવ્યો હતો. ઓબામાએ કહ્યું કે, હું બદસુરત હોઈ શકું પણ તેનો અર્થ એવો નથી કે, કોઈ મારું અપમાન કરે. અને બીજી વાત એ કે, જે ભૂલ મેં નથી કરી તેની મને સજા કેવી રીતે આપી શકાય. જો કે, ઓબામા આ પહેલા પણ અનેકવાર રંગભેદને લગતી બાબતો ઉઠાવી ચૂક્યા છે. 2015માં તેમણે કહ્યું હતું કે, અમેરીકામાં રંગભેદને કોઈ સ્થાન નથી અને તેઓ તેને કોઈપણ સ્વરૂપે સ્વીકારી ન શકે. 300 પૂર્વે આવું થઈ શકતું હતું પણ હવે તેના માટે કોઈ સ્થાન હોઈ શકે નહીં.