ગાંધીનગર-
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી હતી કે તેઓ તા, 26 ડિસેમ્બરે અમદાવાદના ગાંધી આશ્રમથી નવી દિલ્હીના રાજ ઘાટ સુધીની પદયાત્રા નિકાળશે . તેમ છતાં જો કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદા પરત નહિ લે, તો ખેડૂતો સાથે અનિશ્ચિત ઉપવાસ કરશે. ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને સંબોધન કરતાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખેડૂત કાયદાઓ પરત લેવા આંદોલન શરૂ થયા બાદ સરકાર ખેડુતોને ભરમાવી રહી છે અને ખોટા વાયદાઓ કરી રહી છે.
તેમણે ઉમેર્યું કે "ભાજપના મંત્રીઓ અને નેતાઓ ખેડુતોને આતંકવાદીઓ, નક્સલવાદીઓ, ખાલિસ્તાની સમર્થકો અથવા રાષ્ટ્રવિરોધી કહેવામાં વ્યસ્ત છે અને આંદોલન કરતા ખેડૂતો સાથે વાતચીત કરવાનો તેમની તરફથી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. વાઘેલાએ જણાવ્યું હતું કે મેં અગાઉ પણ ખેડુતોની માંગને ધ્યાનમાં લેવા અને ત્રણ નવા ખેતી કાયદાઑને પાછું ખેંચવા માટે કેન્દ્ર સરકારને 25 ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે, અમે જોઈશુ કે ભાજપ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના વિચારોને સન્માન માન આપે છે. કેમ કે 25 ડિસેમ્બર તેમની જન્મજયંતિ છે. જો સરકાર કોઈ નિર્ણય લેવામાં નિષ્ફળ જશે તો હું 100 સ્વયંસેવકો અને ખેડુતો સાથે ગાંધી આશ્રમથી દિલ્હી રાજ ઘાટ સુધી કૂચ કરીશ.