દિલ્હી-
મેહુલ ચોક્સીને ડોમિનિકા કોર્ટમાંથી જામીન મળ્યા છે. સારવાર માટે એન્ટિગુઆ જવાની મંજૂરી મળી છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને ડોમિનિકા હાઇકોર્ટે જામીન આપી દીધા છે. તબીબી આધારો પર તેને એન્ટિગુઆ જવા માટે જામીન આપવામાં આવ્યા છે.મેહુલ ચોક્સીને રાહત આપતા કોર્ટે કહ્યું છે કે ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશના કેસ માટે તેમને પાછા ફરવું પડશે. કોર્ટ દ્વારા ચોક્સીને તબીબી સંભાળ માટે એન્ટીગુઆ જવાની મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જૂનના અંતિમ અઠવાડિયામાં પણ મેહુલ ચોક્સીના મામલામાં ડોમિનિકાની કોર્ટમાં સુનાવણી થઈ હતી. તે સમયે પણ મેહુલ ખરાબ તબિયતને કારણે કોર્ટમાં હાજર થઈ શક્યો ન હતો. તે હોસ્પિટલમાંથી જ છેલ્લી સુનાવણીમાં હાજર થયો હતો. મેહુલની સારવાર ડોમિનિકાની જ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. કોર્ટના આદેશ બાદ તેને પોલીસ કસ્ટડીમાંથી હટાવી જેલની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. જો કે, જ્યાં સુધી તેમની તબિયત સુધરતી નથી ત્યાં સુધી તેમને હોસ્પિટલમાં જ સારવાર લેવાની છૂટ મળી હતી. ચોક્સી પર પીએનબી બેંક સાથે રૂ. 13,500 કરોડની ઠગાઈ કરવાનો આરોપ છે. તે ભારતથી દેશ છોડીને એન્ટિગુઆ ભાગી ગયો હતો. ત્યારબાદ તે લાંબા સમય સુધી ત્યાં રહ્યો. જો કે, પછી મેના અંતિમ અઠવાડિયામાં ચોક્સી ડોમિનીકા ભાગી ગયો, જ્યાં પોલીસે તેની ધરપકડ કરી હતી.