શારજાહ: બાંગ્લાદેશની જીત સાથે મહિલા ટી20 વર્લ્ડકપની શરૂઆત થઈ ગઈ છે. બાંગ્લાદેશે ગુરુવારે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં સ્કોટલેન્ડને 16 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે મેચમાં 7 વિકેટે 119 રન બનાવ્યા હતા. જવાબમાં સ્કોટિશ ટીમ 7 વિકેટે 103 રન જ બનાવી શકી હતી. એક દાયકામાં ટી20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની મહિલા ટીમની આ પ્રથમ જીત છે.નવમો આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ યુએઇમાં રમાઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆત બાંગ્લાદેશ વિરૂદ્ધ સ્કોટલેન્ડ મેચથી થઈ હતી. બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલ્તાનાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. શોભના મોસ્ત્રી અને સાથી રાની સિવાય બાંગ્લાદેશના મોટાભાગના બેટ્સમેનો મોટો સ્કોર કરી શક્યા ન હતા.તેની ટીમ તરફથી શોભના મોસ્ત્રીએ સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. ઓપનર સાથી રાનીએ 29 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન નિગાર સુલ્તાનાએ 18 રનની ઇનિંગ રમી હતી.120 રનના લક્ષ્યનો પીછો કરવા આવેલી સ્કોટિશ ટીમ માટે ઓપનર સારાહ બ્રાયસે એક છેડે જોરદાર બેટિંગ કરી હતી. સારાહ બ્રાઇસે 52 બોલમાં 49 રન બનાવ્યા અને અંત સુધી અણનમ રહી. પરંતુ બીજા છેડે વિકેટો પડતી રહી. સારાહ પછી ટીમના બીજા ટોપ સ્કોરર કેથરિન બ્રાઇસ (11) અને એલિસ લિસ્ટર (11) હતા. બાકીના બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા.ભારતીય ટીમ આવતીકાલ શુક્રવાર, 4 ઓક્ટોબરે મહિલા ટી20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતની પ્રથમ મેચ ન્યુઝીલેન્ડ સામે છે. બે દિવસ બાદ ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો ટકરાશે. ભારતીય ટીમ મહિલા ટી20 વર્લ્ડ કપમાં પોતાના પ્રથમ ટાઇટલની શોધમાં છે. ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2020માં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ તેને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.