બનાસકાંઠા: ઠંડીની શરૂઆત થતાં જ બીમારીમાં વધારો, હોસ્પિટલ દર્દીઓથી ઉભરાયું

બનાસકાંઠા-

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. જેથી છેલ્લા પાંચ દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ ઠંડી પડી રહી છે. જેના કારણે ઠંડીમાં બીમારીનું પ્રમાણ ખુબ જ વધ્યું છે. ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે રોજના 300થી પણ વધુ ઠંડીના કારણે બીમાર દર્દીઓ સારવાર લેવા માટે આવે છે.

દર વર્ષે ઉત્તર ગુજરાતમાં નલિયા બાદ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સૌથી વધુ ઠંડી પડે છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. જેના કારણે જાહેર માર્ગો પર લોકોની સવાર અને સાંજ ખૂબ જ ઓછી અવરજવર દેખાઈ રહી છે. આમ તો શરીર માટે ઠંડી ખૂબ જ ફાયદાકારક હોય છે. લોકો પોતાના શરીર તંદુરસ્ત રાખવા માટે સવારે વહેલા ઊઠીને મોર્નિંગ વોક કરવા માટે જતા હોય છે.પરંતુ ક્યારેક વધારે ઠંડી પડવાના કારણે બીમારીઓનું પ્રમાણ વધતું હોય છે. ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં શરૂઆતથી જ ઠંડીએ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે. પ્રથમ તબક્કામાં ઠંડીએ બનાસકાંઠા જિલ્લાને ઠુંઠવાતું કરી દીધું છે.

ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કાની ઠંડી પડતાની સાથે જ હાલમાં બનાસકાંઠા જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલો તાવ શરદી અને ખાંસીના દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. હાલમાં ડીસા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં રોજના 300થી પણ વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. ડીસા તાલુકામાં દર વર્ષે ઉત્તર ગુજરાતમાં નલિયા બાદ સૌથી વધુ ઠંડી પડતી હોવાના કારણે ડીસા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ બીમારીનું પ્રમાણ વધ્યું છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે હજુ પણ આગામી સમયમાં જો ઠંડીનું જોર વધશે તો બીમારીમાં વધારો થઈ શકે તેમ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution