લેખકઃ કલ્પના ગાંધી |
લગભગ દરેક બાળકને બાળપણમાં એક સવાલ પૂછાયો હોય છે કે તું મોટો થઈને શું બનીશ?
આજે જેઓ પચાસનો દાયકો વટાવી ચૂક્યા છે. તેઓને ખબર છે કે, ગામડામાં નિશાળ એટલે વડલાનો છાંયો! મનમાં આવે તેવું માસ્તરો ભણાવે ને એવું છોકરાંવ ભણે. ત્યાં “મોટો થઈને શું બનીશ?” એટલે વળી શું???
...આજે પાછળ વળીને જુઓ તો જાણે યુગ વીતી ગયો. સ્વજનોના હોઠ પર સ્મિત લખી દેવાની ઉતાવળમાં ક્યારે સૂરજે આભમાં પ્રવેશ કર્યો ને ક્યારે સંધ્યાએ લાલ- કેસરી સાથિયા પૂર્યા, એ નિહાળવાની ફુરસદ રહી નહીં. વેપાર-ધંધાને સેટ કરી દેવાની લાહ્યમાં, ઘર-કુટુંબને ઠરીઠામ કરી દેવાની ચાહમાં, ક્યારે શ્રાવણ ટહુક્યો ને ક્યારે વસંત પાંગરી, એ જાેવાનો સમય રહ્યો નહીં. સંતાનોને ભણાવવાની-પરણાવવાની ઝંખનામાં ક્યારે વાળમાં સફેદી આવીને વસી ગઈ ને આંખે ચશ્મા ચડી આવ્યા તેની ખબર રહી નહીં. શુગર ને બ્લડપ્રેશર વધી ગયા ખ્યાલ રહ્યો નહીં. જિંદગીમાં બધુ મળ્યું પણ એમાં ક્યારે પોતાની કોઈ વ્યક્તિગત ઈચ્છા કોરણે મુકાઈ ગઈ, તે ખ્યાલ રહ્યો નહીં .
...લેકિન જિંદગી અભી બાકી હૈ દોસ્ત ! માન્યું કે કોઈ ગીત જ્યારે ગાવું’તું ત્યારે વાંસળી ન્હોતી, પણ હવે તો છે ને ! માન્યું ને આજે લોહીમાં એ ઊછાળ નથી પણ અનુભવની આંખ તો છે ને ! મુગ્ધતાભરી ઘેલછા નથી પણ સમજણભર્યું ડહાપણ તો છે ને...
જે બાળપણને ખોળે રમાડ્યું છે, એના નયનોથી વિસ્મય-બોધનું દાન લઇએ. તેમની પાસેથી થોડીક શરારત લ્હાણીમાં લઇએ ને તણાવને કહીએ બાય-બાય, જેથી “બાય-પાસ” પાસે ફટકે પણ નહીં.
તો ચાલો, હ્દય સાથે વાતો કરીએ. હવે શું થઈ શકે, મનને પૂછીએ કે બોલ, ઘાયલ! તારે શું કરવું છે?
બોલો, વોટ્સએપ ચેટ કરવી છે કે વીડિયો કોલ કરવા છે? જૂના મિત્રો સાથે આંધળોપાટો કે કબડ્ડી જમાવવી છે? નદીયે ના’વા પડવું છે? ઘોડા ઉપર ચડવું છે? વરસાદના ભરેલા ખાબોચિયામાં સૂટ-બૂટ પહેરી ઠેકડા મારવા છે? એક’દિ ગમતી’તી એ છોકરીને ફરી એકવાર નીખરવી છે? રામધૂન કરવી છે? ગમતા ગીતો, શ્લોક, ભજન અને કવિતા કંઠસ્થ કરવા છે? આત્મકથા લખવી છે? ચુનીંદા લેખો કે સાહિત્યનું સંપાદન કરવું છે? સંગીત શીખવું છે? ગમતાનો ગુલાલ કરી લેવો છે?
કોઈને સરપ્રાઈસ બર્થ-ડે પાટી આપી તેની મુસ્કુરાહટ મેળવી પોતે ધન્ય થવું છે ? કોઈને વર્ષો બાદ અષાઢી રાતે મળીને મીઠડું ગીત સંભળાવતા-વરસતા જવું છે? કોઈની સાથે જૂની યાદો વાગોળતા- વાગોળતા ધ્રુસકે ધ્રુસકે હસી પડવું છે? એકાદ સાથી સાથે કે એકલા-અટુલા ચાંદની રાતે નાવડીમાં કશા કારણ વગર ગામની નદીકાંઠે ફરવા નીકળી પડવું છે? કોઈ હારી જતું હોય તો જીતાડી દેવા છે? કોઈની ક્ષમા માંગવી છે? કોઈને માફી આપવી છે? છાનામાના ચોરીને ચોકલેટ ઉઠાવી લેવી છે?
મોટેભાગે વાંધો ઉમંગના મુદ્દે નથી આવતો, ઉંમરને મુદ્દે આવે છે. શારીરીક નિશાનીઓ પરથી નક્કી કરવામાં આવે છે કે, કઈ પ્રવૃતિઓ તમારે કરવી જાેઈએ કે નહીં! કોઈ મનની ગલીઓમાં વર્ષો વિહરતા ગુમનામ અરમાનોની વાત કાન દઈને કોઈ સાંભળતું નથી. કોઈ સાંભળે, ન સાંભળે, શું તમે પોતે પણ નહીં સાંભળો!?
જિંદગીભર વહાલાંઓ માટે જીવ્યા. ભાઈ-બહેન, મા-બાપ, સંતાનો, આડોશી-પાડોશી બધાએ ક્યારેય ને ક્યારેક કહ્યું કે “અમારે માટે તમે આટલું નહીં કરો?” આજે હૃદયનો સમય આવ્યો છે ત્યારે એ પૂછે છે, “તમે પોતે પોતાના માટે આટલું નહીં કરો !?”
આજ જિંદગી કહે છે કે, આજે છે તેટલી સંપન્નતા કે સ્વતંત્રતા ગઈ કાલે હોત તો જિંદગીની મજા જુદી હોત! હજુ આવતીકાલે એ અફસોસની તીવ્રતા વધે તે પહેલાં અરમાનોનું માન જાળવી લેવું. કારણ કે, જિંદગીનો શું ભરોસો આપણે તો દુઆ કરીએ કે એ કરોડો વર્ષોની હોય પણ બની શકે એ કાલે કદાચ એ છેલ્લાં શ્વાસો ગણતી હોય !
તો જિંદગીને પુછજાે કે, કોઈ ગંગા કે કોઈ હિમાલયનું ખરું સરનામું પુછવાનું-પામવાનું બાકી રહી જતું નથી ને ! કંઈ જાણવાનુ-સમજવાનું રહી જતું નથી ને ! કારણ કે, હ્દયે કેટલુ ધડકવું છે, એ વિશે જગતનો કોઈ જ્યોતિષી જાણતો નથી!
ગોલ્ડન કીઃ
વ્યક્તિની સૌથી મોટી મૂડી તેની જિંદગી છે.તેણે તે એવી રીતે જીવવી જાેઇએ, જેથી એ અફસોસ ન રહે કે જિંદગીના,કિંમતી વર્ષો નકામા વેડફાઈ ગયા.