અમદાવાદ-
દુનિયામાં આગવુ નામ ધરાવતી બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ ગુજરાત બહાર પોતાનો બીજાે પ્લાન્ટ સ્થાપવા જઇ રહી છે. વર્ષ ૨૦૧૬માં મધ્યપ્રદેશમાં તૈયાર કરેલ પ્લાન્ટ બાદ બાલાજી વેફર્સ હવે ગુજરાત બહાર ઉત્તરપ્રદેશમાં પોતાનો બીજાે પ્લાન્ટ તૈયાર કરવા જઇ રહ્યું છે. બાલાજી વેફર્સના એમડી અને ચેરમેન ચંદુભાઇ વિરાણીએ આ વિશે જણાવ્યું કે, બાલાજી વેફર્સ દ્વારા વર્ષ ૨૦૧૬માં મધ્યપ્રદેશના ઇન્દોરમાં પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જે ગુજરાત બહારનો પ્રથમ પ્લાન્ટ હતો અને હવે બીજાે પ્લાન્ટ ઉત્તરપ્રદેશ ખાતે કાનપુર-લખનઉ નજીક બનાવવા વિચાર ચાલી રહ્યો છે.
ઉત્તરપ્રદેશમાં કંપની દ્વારા ૧૦૦ એકરની વિશાળ જગ્યામાં અંદાજીત ૬૦૦ થી ૭૦૦ કરોડના ખર્ચે ફૂડ પાર્ક બનાવવા વિચાર ચાલી રહ્યો છે, જે માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી બાદમાં તેમની સૂચના અને માર્ગદર્શન બાદ ફૂડ પાર્ક શરૂ કરવામાં આવશે. સિનેમાઘરમાં કેન્ટીન ચલાવવાની શરૂઆત કરનાર વિરાણી બંધુ આજે ભારતની ખ્યાતનામ વેફર્સના એમડી બની ચૂક્યા છે. વર્ષ ૧૯૭૪માં ચંદુભાઇ વિરાણી અને તેમના ભાઇ નોકરીની શોધમાં રાજકોટ આવ્યા હતા અને એ સમય દરમિયાન એસ્ટ્રોન સિનેમાની કેન્ટીન ચલાવવાનું શરૂ કર્યું હતું. તેઓ પોતાના કામ પ્રત્યે પ્રથમથી જ વફાદાર અને નિશ્ચયી હતા. સિનેમાઘરની કેન્ટીનમાં જાતે જ વેફર બનાવવાનું શરૂ કર્યું હતું અને એ સમયે વેફરની સાથે કેન્ટીનમાં સેન્ડવીચ વેચતા હતા. તેઓએ નજીકના કેટલાક રિટેલરોને વેફરનું વિતરણ કર્યું હતું. એ સમયે સ્કેલ નાનો હતો, પણ તેમના સપના ખૂબ મોટા હતા. સિનેમાઘર ખાતે રાખેલ કેન્ટીનને પણ "બાલાજી" નામ આપવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૮૯ માં રાજકોટ ખાતે અર્ધ-સ્વચાલિત પ્લાન્ટ સ્થાપવા માટે તેઓએ લોન લીધી હતી અને પોતાનો બિઝનેસ ધીમે ધીમે આગળ વધાર્યો હતો. ત્યારબાદ વર્ષ ૧૯૯૫માં ખાનગી લિમિટેડ કંપની બનાવવામાં આવી અને સંપૂર્ણ રીતે ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો હતો. એ સમયે વેફર્સની સાથે સાથે અન્ય પ્રોડક્ટ બનાવવાની પણ શરૂઆત કરવામાં આવી હતી. રાજકોટ બાદ વર્ષ ૨૦૦૮માં વલસાડ ખાતે એક નવો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો. તે સમયે એશિયામાં સૌથી મોટો એક પ્લાન્ટ માનવામાં આવતો હતો.