ગાંંધીનગર-
દેશની સંસદીય પ્રણાલીમાં જન પ્રતિનિધિ તરીકે ગૃહમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા સભ્યોને શ્રેષ્ઠ સભ્ય તરીકે લોકસભા, રાજ્યસભામાં સન્માનવાની પરંપરા છે. ભારતીય સંસદના બંને ગૃહોમાં અત્યાર સુધી કુલ 23 સભ્યોને ઉત્કૃષ્ટ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાએ આ પ્રણાલીને અનુસરતા શ્રેષ્ઠ વિધાનસભ્યના એવોર્ડ આપવાની પ્રથા શરૂ કરી છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સભ્યોને એવોર્ડ આપવાની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વર્ષ ૨૦૨૦ માટે અને વર્ષ ૨૦૧૯ માટે વરિષ્ઠ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા સત્રના ચોથા દિવસે શ્રેષ્ઠ વિધાયક એવોર્ડથી બંનેને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત વિધાનસભામાં આ નવી પરંપરા શરૂ કરવા માટે વિધાનસભા અધ્યક્ષને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, વિધાનસભા અને લોકસભા એ દેશની લોકશાહીના મૂલ્યોના જતન અને તેને સાચવવા સંવર્ધન માટેના સર્વોચ્ચ કેન્દ્રો છે. તેને લોકશાહીના મંદિર કહેવાયા છે, ત્યારે એ મંદિરમાં બેસનારા સૌનું વર્તન, વિચાર, વાણી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની સક્રિયતા એવા હોય કે એ બધા માટે માર્ગદર્શક અને પ્રેરણા રૂપ બને.