આણંદ, તા.૨૮
જ્ઞાન અને શિક્ષણ એ અવિરત આજીવન ચાલતી પ્રક્રિયા છે તે જેટલું વહેચવામાં આવે તેટલું વધે છે, આ સિદ્ધાંત પર એસવીઆઇટીના વિદ્યાર્થીઓ અનલ ઉપાધ્યાય અને અર્પિત શાહ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓ માટે લાઈવ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોવીડના સમયમાં ઘરમાં ઉપલબ્ધ નાના નાના કમ્પોનન્ટ્સનો ઉપયોગ કરીને ઓટોમેશન દ્વારા ઘરના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાં ફેરફાર કરીને દરેક વ્યક્તિ તે ઇલેક્ટ્રોનિક સાધનોને પોતાના મોબાઈલ દ્વારા ઓપરેટ કરી શકે તે રીતે બનાવવાનું શીખવવામાં આવ્યું હતું, જેથી કરીને દરેક વ્યક્તિને લાઈટની સ્વીચને હાથ લગાવ્યાં વગર પોતાના મોબાઈલ દ્વારા તે ઇલેક્ટ્રોનિક સાધનને ચાલુ બંધ કરી શકે.
દેશભરમાંથી ૨૫૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ આનો લાભ લીધો હતો. પ્રેક્ટિકલ ડેમો આપ્યાં પછી ભાગ લેનાર વિદ્યાર્થીઓને સંચાલકો દ્વારા માર્ગદર્શન આપી તેમનાં ઘરે આ ગેજેટ્સ બનાવવામાં મદદરૂપ થયા હતા.
અનલ અને અર્પિતનું કહેવું છે કે, જા સોસાયટી/ફ્લેટની કોમન ફેસિલિટી માટે આ રીતે કરવામાં આવે તો લિફ્ટમાં દરેક વ્યક્તિને સ્વીચબોર્ડને હાથ લગાવ્યાં વિના તેને પોતાના મોબાઈલથી ઓપરેટ કરી શકાશે અને કોરોનાથી મહદ અંશે દૂર રહી શકાશે.
લોકડાઉન દરમિયાન ટેકનોલોજીનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી વિદ્યાર્થીઓ જ્ઞાન વિજ્ઞાનનું પ્રચાર અને પ્રસાર કરી રહ્યાં છે, તે બદલ એસવીઆઇટીના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ, સેક્રેટરી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ દિપકભાઈ પટેલ, આચાર્ય ડા. એસ.ડી. ટોલીવાલ, આઈસી વિભાગના વડા ડા.રાકેશ પટેલ અને સમસ્ત એસવીઆઇટી પરિવાર તરફથી આયોજક અને વિદ્યાર્થીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.