ઓટોરિક્ષાઃ દેશની આઝાદીની સાથોસાથ જન્મેલી સક્સેસ સ્ટોરી

લેખકઃ કેયુર જાની


ઓટોરિક્ષા ભારતના સમાજજીવનનું એક અભિન્ન અંગ બની ગઈ છે. પરંતુ આપણા દેશમાં રિક્ષાનો પ્રારંભ થયો તેની પાછળ રસપ્રદ કહાણી છે. ભારતની આઝાદીના છ મહિના પહેલા ફેબ્રુઆરી ૧૯૪૭માં બોમ્બેની વિધાનસભા ગૃહમાં ચર્ચા ચાલી રહી હતી. મોરારજી દેસાઈ બોમ્બે સ્ટેટના ગૃહપ્રધાન હતા. તેઓ બોમ્બેના હાથ રિક્ષાચાલકોની સ્થિતિ સુધારવા માંગતા હતાં. સામાન લાદીને અને પેસેન્જરોને બેસાડી બોમ્બેની સડકો ઉપર દોડતા ફરતા હાથ રિક્ષાચાલકોના માનવીય અધિકારો ઉપર ચર્ચા થઇ. હાથરિક્ષા બંધ કરાવી દેવાથી બોમ્બેમાં પરિવહન અને સામાનની હેરફેર ઠપ્પ થઇ જાય તેમ હતું. તેનો વિકલ્પ શું ? તેની ગૃહમાં બીજા દિવસના અખબારમાં ગૃહમાં ચર્ચાના સમાચાર છપાયા. જાણીતા સ્વાતંત્ર્યસેનાની નવલમલ કુંદનમલ ફિરોદીયાએ અખબારમાં સમાચાર વાંચ્યા.


એન. કે. ફિરોદીયાએ થોડા દિવસ અગાઉ જ વિદેશના એક મેગેઝીનમાં ઇટાલીની પિયાગીઓ કંપની દ્વારા બનાવાતા થ્રિવ્હીલ ટેમ્પનો ફોટો જાેયેલો હતો. પેટ્રોલથી ચાલતા પીયાગીઓ કંપનીના તે ટેમ્પોનો ફોટો લઈને મોરારજી દેસાઈ પાસે પહોંચ્યા. એન. કે. ફીરોદીયાએ મોરારજી દેસાઈને કહ્યું કે ઈટાલીના ટેમ્પો બેકરીની આઈટમ તેમજ ફૂલોની ડિલિવરી માટે યુરોપમાં વપરાય છે. આ વાહનનો ઉપયોગ ભારતમાં પણ માલસામાન અને પેસેન્જરની હેરફેર માટે આપણે કરી શકીએ. એન. કે. ફીરોદીયાની વાત ગૃહપ્રધાન મોરારજી દેસાઈને પસંદ આવી ગઈ. બંનેએ સાથે મળી અને આ પ્રોજેક્ટમાં કમલનયન બજાજને પણ સાથે લેવાનું નક્કી કર્યું. ઈટાલીથી ભારતમાં બે પીયાગીઓ ઑટોરિક્ષા અને એક વાસ્પા સ્કૂટર મંગાવવામાં આવ્યા. માલસામાનની ફેરફાર માટે બનાવાયેલા ટેમ્પોમાં પેસેન્જર બેસાડી શકાય તેવું મોડિફિકેશન કરવામાં આવ્યું.


ભારત બજાજ તથા ફિરોદીયા જૂથ વચ્ચે જાેઈન્ટ વેન્ચર કરવામાં આવ્યું. તે સાથે ઇટાલીની પીયાગીઓ કંપનીને ભારતમાં એન્જીન અને ચેસીસ નિકાસ માટે મનાવી લેવામાં આવી. દરમ્યાનમાં દેશ આઝાદ થઇ ચુક્યો હતો. હવે પ્રશ્ન હતો ભારત સરકાર પાસેથી વાહનની સુરક્ષાનું લાઇસન્સ લેવાનો. દરમ્યાનમાં જાણકારી મળી કે વર્ષ ૧૯૪૮માં બોમ્બેમાં કોંગ્રેસનું અધિવેશન થવાનું છે અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બોમ્બે આવવાના છે. ભારતમાં મોડીફાઇ કરેલી પેસેન્જર રીક્ષા લઈને બજાજ અને ફીરોદીયા જવાહરલાલ નહેરુ પાસે પહોંચ્યા. તેમને હાથ રીક્ષા ખેલતા લોકો વિષે વાત કરવામાં આવી અને ઓટોરિક્ષાના વિકલ્પ બાબતે જણાવાયું. નહેરુએ ભારતમાં મોડીફાઇ કરેલી ઓટોરિક્ષામાં એક નાનું ચક્કર માર્યું.


ઓટોરિક્ષાની સવારીથી નહેરુ પ્રભાવિત થઇ ગયા. તેઓએ ભારત સડકો ઉપર ઓટોરિક્ષા દોડાવવાની મંજૂરી આપી દીધી. વર્ષ ૧૯૪૮માં બોમ્બેની સડક ઉપર સૌ પ્રથમ ભારતમાં મોડીફાઇ કરેલી પીયાગીઓની પેસેન્જર ઑટોરિક્ષા ઉતારવામાં આવી. બોમ્બેમાં ઑટોરિક્ષાનું લોન્ચિંગ નિષ્ફળ ગયું. હાથ રીક્ષા ખેંચવાવાળાને ઓટોરિક્ષા ખરીદ્યા બાદ સામે કેટલી કમાણી થશે તે અંગે અવઢવ હતી. બોમ્બેમાં તે વર્ષે માત્ર ત્રણ ઑટોરિક્ષાનું વેચાણ થઇ શક્યું. બજાજ અને ફીરોદીયા આ સમસ્યાનો રસ્તો કાઢવાના પ્રયત્નમાં હતા. દરમ્યાનમાં સમાચાર આવ્યા કે પુના ખાતે હાથ રીક્ષા ખેંચવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પૂનામાં મોટાભાગે ઘોડાગાડીઓનું ચલણ હતું.પુનામાં તે સમયે પાંચસો જેટલી ઘોડાગાડી ચાલતી હતી.


પૂનામાં આગાખાન પેલેસ ખાતે દુનિયાભરમાંથી ખોજા મુસ્લિમ પ્રવાસ ઉપર આવતા. આ પ્રવાસીઓને પૂના રેલ્વે સ્ટેશનથી આગાખાન પેલેસ પહોંચવામાં ઘોડાગાડીમાં ત્રણ કલાક લાગતા. બજાજ અને ફિરોદીયાએ બનાવેલી ઑટોરિક્ષાને પૂનામાં મુકવામાં આવી. જ્યાં ઘોડાગાડીમાં ત્રણ કલાકનો સમય લાગતો હતો તે ઓરોરિક્ષા દ્વારા હવે માત્ર ચાળીસ મિનિટમાં રેલ્વેસ્ટેશનથી આગાખાન પેલેસ પહોંચાતું થઇ ગયું.


બોમ્બેમાં મોડિફિકેશનથી જન્મેલી ઓટોરિક્ષાને નવજીવન પૂના ખાતે મળ્યું. પૂનામાં ઑટોરિક્ષાની માંગ રાતોરાત વધવા લાગી. પૂનાની સડકો ઉપર ઘોડાગાડીઓ ગાયબ થવા લાગી. તેનું સ્થાન ઑટોરિક્ષાએ લઇ લીધું. પૂના આગાખાન પેલેસ ખાતે આવતા દુનિયાભરના પ્રવાસીઓ ઑટોરિક્ષાથી પરિચિત થયા. ભારતના અલગ અલગ શહેરોમાં ઑટોરિક્ષા પ્રખ્યાત થવા લાગી અને તેની માંગ વધવા લાગી. બજાજ અને ફીરોદીયાએ તે બાદ અલગ અલગ રીતે પણ વાહનોના મોડલ બજારમાં મુક્યા. ફીરોદીયા દ્વારા મેટાડોર જેવા અનેક સફળ મોડલ બનાવવામાં આવ્યા. જયારે બજાજ ટુવ્હિલર સેગમેન્ટમાં ભારતમાં સૌથી મોટી કંપની તરીકે ઉભરી આવી. ભરતમાં થ્રીવ્હીલર સેગમેન્ટમાં બજાજ અને ફોર્સના જાેઈન્ટ વેન્ચરથી બનતા વાહનો દર વર્ષે લાખોની સંખ્યામાં બનવા લાગ્યા. વર્ષ ૨૦૦૬માં બંને કંપની વચ્ચેની પાર્ટનરશીપ છૂટી પડી.


આજે ઑટોરિક્ષા અને થ્રીવ્હીલર સેગમેન્ટમાં બજાજ ઓટો વર્ષે ત્રણ લાખ જેટલા વાહનોનું વેચાણ કરે છે. એક સમય ઉપર વર્ષમા ત્રણ ઑટોરિક્ષાનું વેચાણ કરવું પણ ભારતમાં કપરું બન્યું હતું. ત્યારે હાલ ભારતના લગભગ તમામ શહેર અને ગામમાં ઑટોરિક્ષાનો ઉપયોગ થાય છે. એક મેગેઝીનમાં ફોટો જાેયા બાદ ભારતના કરોડો લોકોને રોજેરોજ ઑટોરિક્ષામાં મુસાફરી કરવાની સક્સેસ સ્ટોરી લખનાર હતા નવલમલ કુંદનમલ ફિરોદીયા અને કમલનયન જમનાલાલ બજાજ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution