ઓસ્ટ્રેલિયાનું ક્લિફ હાઉસઃ લટકતું આવાસ

માનવીને કુદરતના સાંનિધ્યમાં રહેવું ગમે છે પણ પોતાની શરતો મુજબ. એમાં પણ જ્યારે શોખ માટે અમુક કુદરતી પરિસ્થિતિનું સાંનિધ્ય પસંદ કરવામાં આવે ત્યારે તો પ્રતિકૂળ બાબતોનું નિયંત્રણ વધારે જરૂરી બની રહે. જંગલમાં લીલોતરી માણવાની હોય તો જીવજંતુ અને હિંસક પ્રાણીઓને પણ દૂર રાખવાના હોય. તેવી જ રીતે, દરિયાની વિશાળતા અને તેમાં ઉઠતા લહેરોના સ્પંદનો માણવાના હોય તો ભેજવાળી અને ખારાશયુક્ત આબોહવાને દૂર રાખવાની હોય. આવો એક પ્રયત્ન ઓસ્ટ્રેલિયાના ક્લિફ હાઉસમાં કરાયો છે.

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં, સ્થાનિક ડેવલોપરની માંગ પ્રમાણે, “મેડસ્કેપ” નામના સ્થપત્તિઓના ગ્રુપ દ્વારા ડિઝાઇન કરાયેલ આ પ્રિફેબ-મોડ્યુલર આવાસ છે. આને પહેલેથી જ જે તે સ્થાને બનાવી અહીં લટકાવી-ટેકવી દેવાયું છે, અને પછી થોડીઘણી બાબતો તેમાં ઉમેરાઈ છે. ૧૫ મીટર જેટલી ઊંચાઇના પાંચ માળના આ મકાનમાં સૌથી ઉપરના માળે પ્રવેશદ્વાર છે જ્યાં બે ગાડીના પાર્કિંગની વ્યવસ્થા પણ રખાઈ છે. આ જગ્યા કોતરની ઉપરના સમતલના સ્તરે છે. અહીંથી આવાસની શરૂઆત થાય છે અને નીચે તરફ પ્રસરે છે. એમ લાગે કે આવાસનું પ્રવેશ અગાસી પર છે. અહીં જ નીચે જવા માટે લિફ્ટ અને દાદરની શરૂઆત થાય છે. એની નીચેના માળે લિવિંગ રૂમ, રસોડું અને ડાઇનિંગ રૂમ છે. એની નીચે બે બેડરૂમ અને તેમની સાથેના ટોયલેટનું આયોજન કરવામાં આવ્યું છે. તેની નીચે વિશાળ માસ્ટર બેડરૂમ અને સૌથી નીચેના માળે અંગત પિકનિક સ્થાન બનાવ્યું છે. આ આવાસની પહોળાઈ તો એક સરખી છે પણ ઊંડાઈ ક્રમશ ઓછી થતી જાય છે.

આ આવાસની માળખાગત રચનામાં લોખંડનો ઉપયોગ કરાયો છે. સ્થિરતા અને મજબૂતાઈ માટે આ માળખાને કોતરના ઉપરના ભાગ સાથે જડી દેવાયું છે. દરિયાને સન્મુખ ત્રણ બાજુમાં કાચની દીવાલો છે જે દરિયોને માણવાની પૂરેપૂરી તક આપે છે. આ આવાસ કોતરની ઉપર જડી દેવાયેલું હોવાથી તે દરિયાની સપાટીથી સારું એવું ઊંચું રહે છે જેથી દરિયોની વિશાળતાને વધુ માણી શકાય. આ ડેવલોપરે અહીં જરૂરિયાત પ્રમાણે અનેક આવાસો બનાવવાનું નક્કી કર્યું હોય તેમ જણાય છે, અને આ માટે આ સ્થાન યોગ્ય પણ છે. સ્વાભાવિક છે કે આ પ્રકારના આવાસની કિંમત વધુ રહે, પણ જ્યાં શોખ હોય અને પૈસો પણ હોય ત્યાં આ એક રોમાંચિત કરી દેનારું આઉટ-હાઉસ બની રહે.

આવા સ્થાનોએ સામાન્ય રીતે આવાસને જમીન ઉપર ટેકવીને ઊંચાઈવાળા બનાવાતા હોય છે. તેની સામે અહીં એક નવા જ અભિગમ સાથે રચના નિર્ધારિત કરાઈ છે. આ રચનામાં એક નવીનતા છે અને રોમાંચ પણ. અહીં દરિયાનું સાંનિધ્ય છે તો સાથે સાથે આવાસનું જાણે આગવું વિશ્વ પણ છે. કાચની પેટી સમાન આ આવાસમાં દરિયા સાથેનો દ્રશ્ય-સંપર્ક કોઈપણ પ્રકારની અડચણ જળવાઈ રહે છે. આ પ્રકારના દ્રશ્ય-સંપર્કમાં અડચણ ન આવે તે માટે રાચરચીલાને ખડક તરફ અથવા તો ફ્લોરની અંદર થોડોક ખાડો પાડી ગોઠવી દેવાયું છે.

પ્રશ્નો તો દરેક રચનામાં રહેવાના. સ્થાપત્યની દરેક રચનામાં કોઈકને કોઈક મર્યાદાઓ રહેલી જ હોય. પ્રશ્ન સ્થાપિત કરેલ અગ્રતાક્રમનો છે. આ રચના પાછળના અગ્રતાક્રમમાં ‘દરિયાને માણી લેવા’નો જે અભિગમ છે તે સૌથી ઉપર છે. અને જાે આમ હોય તો આ રચના પ્રશંસનીય છે. અહીં રચના પાછળનો હેતુ જાણે સર્વથા સિદ્ધ થાય છે- જે પ્રશ્નો રહી ગયા છે તે આ આવાસના માલિક દ્વારા હસતા હસતા સ્વીકારી લેવાયા હશે.

દરિયાથી એક પ્રકારની શાંતિની અનુભૂતિ થતી હોય છે. અહીં કુદરતની વિશાળતા, ભવ્યતા તથા લહેરોની સ્થિર-ચંચળતા માણવા જેવી હોય છે. અહીં હવામાં રહેલા ભેજની ઠંડક, લહેરોનો અવાજ, રેતીનો ભીનો ભીનો સ્પર્શ તથા દરિયા કિનારાના પંખીઓનો કલરવ માણવા બહાર તો બેસી જ શકાય. એક પોતાના અંગત અલાયદા વિશ્વમાંથી દરિયો માણવાની આ ઘટના છે. દરિયાની અમાપ સીમા, તેનું વિકરાળ સૌંદર્ય, લયબદ્ધ તરંગોનો ઉછાળ, ભરતી-ઓટનું સંયમિત ચક્ર તથા કોતર સાથેનો લહેરોનો સંવાદ - આ અને આવી બાબતોનો લ્હાવો લેવા આ આવાસમાં અમુક દિવસ તો ગાળવાની ઈચ્છા થાય.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution