ODI વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયાને સુપર-8 મેચમાં અફઘાનિસ્તાન સામે પરાજય મળ્યો

નવી દિલ્હી: રાશિદ ખાનની કેપ્ટનશિપમાં અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. એક વખત T-20 અને 6 વખત ODI વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયાને સુપર-8 મેચમાં અફઘાનિસ્તાન સામે પરાજય મળ્યો છે. ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાનની આ પ્રથમ જીત છે.વેસ્ટ ઈન્ડિઝના કિંગ્સટાઉનમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું અને અફઘાનિસ્તાનને 148 રન પર અટકાવ્યું. પરંતુ ગુલબદ્દીન નઇબે 4 વિકેટ લઈને કાંગારુંઓ પાસેથી જીત છીનવી લીધી હતી. ઓસ્ટ્રેલિયા 127 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.આ મેચમાં બધું જ થયું. હેટ્રિક થઈ, રનઆઉટના ચાન્સ મિસ થયા, ફિલ્ડર્સે અસંભવ કેચ પક્ડ્યા. પહેલા બોલથી લઈને છેલ્લા બોલ સુધી કોઈ પણ ક્રિકેટ ફેન્સે મેચ પરથી નજર નહીં હટાવી હોય અને પરિણામે બધાને આશ્ચર્યચકિત કર્યા. અફઘાનિસ્તાનની ટીમ આ જીત સાથે સેમિફાઈનલની રેસમાં તો યથાવત્ છે, પરંતુ આ જીત સાથે ઓસ્ટ્રેલિયા માટે હવે સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. સોમવારે રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ હવે ઓસ્ટ્રેલિયા માટે નોકઆઉટ સમાન બની ગઈ છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે મિશેલ માર્શની ટીમને આ મેચ કોઈપણ ભોગે અને મોટા માર્જિનથી જીતવી પડશે જેથી ટીમનો નેટ રનરેટ પણ સુધરે. જો ટીમ આ મેચ હારી જશે તો તેણે અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ મેચ પર નિર્ભર રહેવું પડશે.

રાશિદ ખાને ગુલબદ્દીન નઇબને બોલિંગ આપી ત્યાં સુધીમાં તે 7 બોલર્સને અજમાવી ચૂક્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 10 ઓવરમાં 70 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલ 31 રન અને માર્કસ સ્ટોઈનિસ 11 રન બનાવીને ક્રિઝ પર અડીખમ ઊભા હતા. ત્રીજા જ બોલ પર ગુલબદ્દીને શોર્ટ બોલ પર સ્ટોઇનિસની વિકેટ લીધી હતી. સ્ટોઇનિસને આટલા બાઉન્સની અપેક્ષા નહોતી, તેણે શોટ રમ્યો અને બોલ હવામાં ગયો. વિકેટકીપર રહેમાનુલ્લા ગુરબાઝે એક સારો કેચ લીધો હતો. ગુલબદ્દીન 13મી ઓવર નાખવા આવ્યો ત્યારે તેણે ટિમ ડેવિડને ઇનસ્વિંગર પર પોતાનો શિકાર બનાવ્યો. ટિમ ડેવિડને DRSમાં LBW આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. ગુલબદ્દીને ઓસ્ટ્રેલિયાને 15મી ઓવરમાં સૌથી મોટો ઝટકો આપ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયાને જીત તરફ લઈ જઈ રહેલા ગ્લેન મેક્સવેલને આઉટ કર્યો. નૂર અહેમદે બેકવર્ડ પોઈન્ટ પર શાનદાર કેચ લીધો હતો. ગુલબદ્દીને 17મી ઓવરમાં પેટ કમિન્સને બોલ્ડ કરીને જીતની આશાનો અંત લાવ્યો હતો. ગુલબદ્દીને 4 ઓવરમાં માત્ર 20 રન આપ્યા અને 4 વિકેટ લીધી.અફઘાન ઓપનર ગુરબાઝે 60 રનની ઇનિંગ રમી હતી. 49 બોલમાં રમાયેલી આ ઇનિંગનો સ્ટ્રાઇક રેટ 122 હતો. ગુરબાઝે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. અફઘાનિસ્તાનને ફાઈટિંગ ટોટલ સુધી લઈ જવામાં ગુરબાઝે મોટી ભૂમિકા ભજવી હતી.ઈબ્રાહિમ ઝદરાનઃ બીજા ઓપનર ઝદરાને પણ ફિફ્ટી ફટકારી હતી. ઝદરાને 51 રનની ઈનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ફિફ્ટી 106ની સ્ટ્રાઇક સાથે બની હતી, ગતિ ધીમી હતી, પરંતુ તેણે એક છેડેથી વિકેટને નિયંત્રણમાં રાખી હતી.રાશિદ ખાને તેના સૌથી વધુ વિકેટ લેનાર ફઝલ હક ફારુકીની જગ્યાએ નવીન ઉલ હક સાથે બોલિંગની શરૂઆત કરી હતી. નવીને ત્રીજા બોલ પર જ રાશિદનો નિર્ણય સાચો સાબિત કર્યો. નવીને શાનદાર આઉટ સ્વિંગર પર ટ્રેવિસ હેડને ક્લીન બોલ્ડ કર્યો. વિકેટ પછી, નવીને રાશિદ તરફ ઈશારો કર્યો, જાણે કે.. જે કહ્યું હતું તે થઈ ગયું હોય. આ પછી નવીને કેપ્ટન મિચેલ માર્શ અને ઓલરાઉન્ડર એશ્ટન અગરની વિકેટ લીધી હતી. 4 ઓવરમાં 3 વિકેટ લીધી અને માત્ર 20 રન આપ્યા.

અફઘાનિસ્તાનના બંને ઓપનર્સે ફિફ્ટી ફટકારી હતી. બંને વચ્ચે 118 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. 95 બોલમાં આવેલી આ પાર્ટનરશિપ થોડી ધીમી હતી, પરંતુ અફઘાનિસ્તાન ટીમને ફાઈટિંગ ટોટલ સુધી લઈ ગઈ. આ બંને સિવાય કોઈ બેટર 13થી વધુ રન બનાવી શક્યો નહોતો.149 રનનો સ્કોર ડિફેન્ડ કરવા માટે ઘણો નાનો હતો, કારણ કે સામે ઓસ્ટ્રેલિયા જેવી ટીમ હતી. આમ છતાં રાશિદ ખાને પોતાના પ્રયત્નો છોડ્યા ન હતા. પ્રયોગ કરતો રહ્યો. પ્રથમ ઓવર નવીનને આપવામાં આવી હતી, ફારુકીને નહીં. પાવરપ્લેમાં સ્પિનરને લાવ્યો. રાશિદે 8 બોલરનો ઉપયોગ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ 12 ઓવર સુધી રનરેટમાં પાછળ નહતો, પરંતુ વિકેટો સતત પડી રહી હતી. જેના કારણે આખરે ઓસ્ટ્રેલિયન ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.અફઘાનિસ્તાનના ફિલ્ડર્સે એક ચોગ્ગો છોડ્યો. રનઆઉટની 2 તક ગુમાવી, પરંતુ જ્યારે પણ બોલ હવામાં ગયો ત્યારે કેચ પકડ્યો. આમાં રહેમાનુલ્લા ગુરબાઝે માર્કસ સ્ટોઈનિસનો કરેલો કેચ. આ પછી નૂર અહેમદે કરેલો મેક્સવેલનો કેચ ઘણો મહત્ત્વનો હતો. કરીમ જનતે ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર મેથ્યુવેડનો પણ શાનદાર કેચ લીધો હતો. અફઘાનિસ્તાનની જીતમાં તેની ફિલ્ડિંગની મોટી ભૂમિકા હતી. 14મી ઓવરમાં ગુલબદ્દીન નાખી રહ્યો હતો. સામે મેક્સવેલ હતો જે 59 રન બનાવીને રમી રહ્યો હતો. મેક્સવેલ એકમાત્ર એવો બેટર હતો જે ઝડપી રન બનાવી રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાને સતત જીત તરફ લઈ ગયો હતો.ગુલબદ્દીન ચોથો બોલ આઉટ સ્વિંગર ફેંક્યો, મેક્સવેલે ચોગ્ગો ફટકારવા માટે પોઈન્ટ તરફ શોટ રમ્યો. મેક્સવેલનો શોટ હવામાં બેકવર્ડ પોઈન્ટ તરફ ગયો. અહીં ઊભા રહેલા નૂર અહેમદ, જેણે બોલિંગમાં કોઈ પ્રતિભા દેખાડી ન હતી પરંતુ આ બોલને પકડવા કોઈ કસર છોડી ન હતી. નૂરે ડાઇવ કરતાં મેક્સવેલનો કેચ લીધો હતો. આ વિકેટ ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટો ફટકો હતો, કારણ કે આ પછી ઓસ્ટ્રેલિયાનો કોઈ રેગ્યુલર બેટર બાકી રહ્યો નહતો.મેક્સવેલે 59 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગ્સથી 149 રનના લક્ષ્યનો ચેઝ સરળ બનાવી દીધો હતો, પરંતુ તેની વિકેટ પડ્યા બાદ ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ વધી ગઈ હતી. મેક્સવેલે 144ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેણે સ્ટોઈનિસ સાથે 39 રન અને મેથ્યુ વેડ સાથે 21 રનની ભાગીદારી કરી હતી, પરંતુ ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો.

  બોકસ પેટ કમિન્સ T20 વર્લ્ડ કપમાં બે હેટ્રિક લેનાર એકમાત્ર ખેલાડી

ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે T20 વર્લ્ડ કપમાં સુપર-8ની સતત બીજી મેચમાં હેટ્રિક લીધી હતી. તે વિશ્વ કપમાં બે હેટ્રિક લેનાર પ્રથમ ખેલાડી છે. તેણે છેલ્લી મેચમાં બાંગ્લાદેશ સામે હેટ્રિક લીધી હતી. અફઘાનિસ્તાન સામેની આ મેચમાં તેણે રાશિદ ખાન, કરીમ જનત અને ગુલબદ્દીન નાયબને સતત ત્રણ બોલમાં આઉટ કર્યા હતા.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution