નબળાં પ્રમોશન બદલ ‘ઔરોં મેં કહાં દમ થા’ની ટીકા કરાઇ

અજય દેવગન અને તબ્બુની આવનારી ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’નું છૂટું છવાયું પ્રમોશન ઘણાં સમયથી ચાલે છે, પણ કોઈ ખાસ માર્કેટિંગ સ્ટ્રેટેજી ન જણાતાં દર્શકો સહિત ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ ફિલ્મ પ્રમોશનની ટીકા શરૂ કરી છે. તેમના મતે આજના માર્કેટ અને ઇન્ડસ્ટ્રીના વલણોની સરખામણીએ આ ફિલ્મનું પ્રમોશન પૂરતાં પ્રમાણમાં થયું નથી. તેના વિશે છેલ્લા થોડાં દિવસોથી ચાલી રહેલી ચર્ચાઓ બાદ ફિલ્મના કો પ્રોડ્યુસર શ્રેયાંસ હિરાવતે આ સ્ટ્રેટેજીને યોગ્ય તેમજ ‘અનકન્વેન્શનલ’ ગણાવી છે. પહેલાં આ ફિલ્મ ૨ ઓગસ્ટે રિલીઝ થવાની હતી. પછી ‘કલકી’ સાથે ક્લેશ થવાથી આ ફિલ્મની રિલીઝ પાછી ઠેલાઈ જેથી બંને ફિલ્મોને પૂરતાં સ્ક્રિન મળી રહે. જાેકે, હવે આ ફિલ્મને જ્હાન્વીની ‘ઉલઝ’ સાથે ટક્કર લેવી પડશે. અજય દેવગન સાથે હિરાવતની આ બીજી ફિલ્મ છે અને તે ‘ઓછામાં વધારે’ના વિચારમાં માને છે. તેણે જણાવ્યું,“‘શિવાય’ દિવાળી વખતે રિલીઝ થઈ હતી, અને તેની માસ અપીલ જ તેની પ્રમોશનલ સ્ટ્રેટેજી હતી. જ્યારે નીરજ પાંડેની આ ફિલ્મ અલગ છે. આ ફિલ્મ વળાંકો અને અકલ્પનીય ઘટનાઓથી ભરેલી છે, તેથી અમે તેના વિશે બહુ બધું જાહેર કરી શકતા નથી. છતાં અમે ફિલ્મ રિલીઝના સાત દિવસ પહેલાં પ્રમોશન વધારીશું, આ પ્રકારના કન્ટેન્ટને એ પ્રકારના પ્રમોશનની જરૂર છે એવું મને લાગે છે. અમે અજય અને તબ્બુ સાથે એક નવો વીડિયો બનાવ્યો છે, તેમાં અજયની એક અડધી મિનિટની શાયરી પણ છે. તેનાથી ફિલ્મને એક નવો દૃષ્ટિકોણ મળશે. અમે બહુ અગાઉથી ફિલ્મ વિશે કશું જાહેર કરવા નથી માગતા.” હિરાવતે આગળ કહ્યું,“દરેક ફિલ્મનું પ્રમોશન બિલકુલ અલગ રીતે થાય છે. ‘શિવાય’ માટે માત્ર ૫ ટકા બજેટ જ ટ્રેડિશનલ મીડિયા માટે હતું, બાકી બધું ડિજીટલ માટે. જ્યારે હમણાંની ‘બડે મિયાં છોટે મિયાં’ કે ‘ચંદુ ચેમ્પિયન’નું બહુ જ પ્રમોશન થયું પણ બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ રહ્યો. ઓડિયન્સને શું ગમી જશે તે સમજવું મુશ્કેલ છે. ‘મૂંજ્યા’ અને ‘લાપતા લેડીઝ’ બિલકુલ અલગ હતી છતાં સફળ થઈ.‘ઔરોં મેં કહાં દમ થા’ એક સાફ, જાેવામાં મજા આવે એવી અને એકથી વધુ પેઢીઓને અપીલ કરે તેવી ફિલ્મ છે, આવો રોલ માત્ર અજય સર જ નીભાવી શકે.” ‘ઉલઝ’ સાથે ક્લેશ બાબતે હિરાવતે કહ્યું,“અજયસર ઘણા લોકપ્રિય છે. અમે ઓછામાં ઓછી ૩૦૦૦ સ્ક્રિન મળે તેવી આશા રાખીએ છીએ, બાકી લોકોના વર્ડ ઓફ માઉથ પર આધાર છે. ‘ઉલઝ’નો વિષય અલગ છે તેથી બંને ફિલ્મો પોતાનું સ્થાન બનાવી લેશે.”

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution