‘ઔરોં મેં કહાં દમ થા’ નીરજ પાંડેની સૌથી નબળી ફિલ્મ

હિંદી ફિલ્મ ‘અ વેનસ ડે’થી ભારતીય સિનેમા જગતમાં ધમાકેદાર શરૂઆત કરનાર નીરજ પાંડેએ લેખક-દિગ્દર્શક,નિર્માતા અને માત્ર લેખક તરીકે વીસેક ફિલ્મો કરી છે. લેખક-દિગ્દર્શકની બેવડી ભૂમિકાવાળી અન્ય ફિલ્મો સ્પેશ્યલ-૨૬, બેબી, એમ.એસ.ધોનીઃ ધી અનટોલ્ડ સ્ટોરી અને ઐયારી પછી હવે તે ‘ઔરોં મેં કહાં દમ થા’ લઈને આવ્યા છે. અજય દેવગણ, તબ્બુ, સાંઈ માંજરેકર, શાંતનુ મહેશ્વરી અને જિમી શેરગિલ અભિનિત આ ફિલ્મ આમ તો લવસ્ટોરી છે, પણ સામાજિક ફિલ્મ પણ લાગે છે..! કારણ ફિલ્મ લવસ્ટોરીને વળગી રહ્યાં વગર અનેકવિધ વિષયો તરફ પણ ફંટાય છે.

ફિલ્મની વાર્તાની વાત કરીએ તો મુંબઈની આર્થર જેલમાં હત્યાના કેસમાં ૨૫ વર્ષની કેદની સજા કાપી રહેલા કૃષ્ણા(અજય દેવગણ અને શાંતનુ મહેશ્વરી) અને વસુધા(તબ્બુ અને સાંઈ માંજરેકર)ની પ્રેમકહાની પર આધારીત ફિલ્મ છે. ૨૦૦૧ના ફ્લેશબેક અને ૨૦૨૪ના વર્તમાનની ફિલ્મ છે. હા, સતત વર્તમાન અને ભુતકાળમાં ઝુલતી ફિલ્મ વાર્તાપટલને ૨૩ વર્ષ આગળ-પાછળ કરતી રહે છે. અને સાથે-સાથે દર્શકોને પણ..! કદાચ એટલે જ ફિલ્મમાં કે ફિલ્મ વિશે કંઈક સમજાય ત્યારે એકાદ કલાક વીતી ગયો હોય અને તેવાં સમયે ફિલ્મનો મધ્યાંતર આવી ગયો હોય. મધ્યાંતર પછી ફિલ્મની વાર્તા નવો ટ્રેક પકડે..! હા, આ ટ્રેક મૂળ ટ્રેક સાથે સંલગ્ન જરૂર ભાસે. પણ ભળી જતો નહીં..!

ઘણાંને આ ફિલ્મમાં ‘હમ દિલ દે ચૂકે સનમ’ની ઝલક દેખાય છે..! મને જરાય નહીં..! જેને તે પ્રેમ કરતો હોય તે યુવતી તેના જેલગમન પછી પરણી જાય. હવે તે બિઝનેસ વુમન છે. બહુ મોટા બિઝનેસમેન અને ધનવાન વ્યક્તિ અભિજિત (જિમી શેરગિલ)ની પત્ની છે. બંને જ્યાં રહે છે તે મુંબઈનો પોશ વિસ્તારમાં છે. બંનેનો ભુતકાળ એક નાનકડી ચાલીથી શરૂ થયો હતો. એક ઘટના પછી હીરો જેલમાં પહોંચી ગયો અને હીરોઈન વસુધા એવા બંગલામાં પહોંચી ગઈ જ્યાં પહોંચવું એ ચાલમાં રહેતી વ્યક્તિ માટે સપનાથી વિશેષ કશું જ ન હોય.

ખૈર, આ પહેલાંની પોતાની પાંચેય ફિલ્મોમાં કથા, પટકથા અને ફિલ્મ સર્જનમાં આગવું કરનાર નીરજ પાંડેની આ ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’ મૂળ પ્લોટ સશક્ત હોવાં છતાંય તેની પટકથા અને અમલીકરણ પછી સતત કંટાળો જન્માવતી લાગે છે. ખુબ લાંબા ઈન્ટ્રોડકશન પછી ફિલ્મ નવા વળાંક સાથે આગળ વધે ત્યારે પહેલાં ભાગ કરતાં પણ વધુ ભારે લાગે..! લગભગ બધાં કળાકારોની સારા અથવા તો ‘ખરાબ તો નહીં જ’ જેવાં અભિનય પછી પણ ફિલ્મ ભારેખમ લાગે ત્યારે સમજવું કે ફિલ્મ સર્જકે કંઈક ગંભીર ભૂલ કરી છે.

બે લોકોની હત્યાના કારણે ૨૫ વર્ષની કેદ ભોગવી રહેલ કૃષ્ણાને ખબર પડે કે તેના સારા વર્તનને કારણે તેની સજામાં લગભગ અઢી વર્ષનો ઘટાડો થયો છે. ત્યારે એ વાત પણ છતી થાય કે તેણે સજા ન ઘટાડવા કરેલ અરજી રદ કરવામાં આવી છે. જેલમાંથી છુટવાથી બચવા એક કેદી પર હુમલો કરી તેને ઘાયલ કરે..! તોય તેને જેલમાંથી મુક્ત કરી જ દેવામાં આવે..!

મિત્ર જીજ્ઞેશ તેને લેવા આવ્યો છે. જાે કે તે પહેલાં તે જેલમાંથી જ દુબઈ જતા રહેવાની તૈયારી કરી ચૂક્યો છે..! જીજ્ઞેશ ચોક્કસ જગ્યાએ પાસપોર્ટ લેવાં જાય તે પહેલા બંને મૂળ ચાલીવાળી જ્ગ્યાએ આવે. ત્યાં એ ભુતકાળ વાગોળે અને વસુધા સાથે મુલાકાત પણ થાય. વસુધા કૃષ્ણાની પતિ અભિજીત સાથે મુલાકાત કરાવવા માંગે છે. પૂર્વ પ્રેમીને વર્તમાન પતિની મુલાકાત દરમિયાન વસુધાની ગેરહાજરી..! વાતચીતમાં અનેક રહસ્યો ખૂલે. લાગે તો એવું કે વાર્તાના અધૂરા છેડા ભેગા કરવા રહસ્યો ખોલાવવામાં આવે. આ મુલાકાત વિજય સેતુપતિ અને ત્રિશાની ફિલ્મ '૯૬’ જેવી બનાવવાનો વ્યર્થ પ્રયત્ન કરાયો છે. કારણ એક દ્ર્‌શ્યથી આવો આભાસ ઉભો કરવો એ બળુકો પ્રયાસ છે.

ફિલ્મના જમા પાસાની વાત કરીએ તો કોમનમેનના પાત્રમાં અજય દેવગણએ ફરીવાર કમાલ કરી છે. આ પહેલાં ઝખમ, રૈડ અને દ્રશ્યમમાં કરી હતી તેવી નહીં, પણ નબળી ફિલ્મમાં તેનો અભિનય સબળો લાગે છે. જાે કે તેના યુવાનીના પાત્રમાં શાંતનુ જામતો નથી. નબળો લાગે છે. રોંગ કાસ્ટિંગ લાગે છે. તબ્બુ પાસે ખાસ કરવાનું કંઈ નથી, અને તેણી આ ફિલ્મમાં તેની અન્ય ફિલ્મો જેવાં અભિનયની ધાર બતાવી શકી પણ નથી. હા, યુવાન વસુધા તરીકે સાંઈ માંજરેકર છવાઈ ગઈ છે. નિર્દોષ ચહેરો, સહજ અભિનય અને સુંદરતા તેને ફિલ્મની હાઈલાઈટ બનાવે છે. જિમી શેરગિલ બહુ સારો અભિનેતા હોવા છતા આ ફિલ્મ તેને એવો કોઈ મોકો મળ્યો નથી. બિહારી છોકરો કૃષ્ણા જે વાયા દિલ્હી મુંબઈ પહોંચ્યો છે તેની અને મરાઠી મુલગીની લવસ્ટોરીમાં એવું કંઈપણ વિશેષ લાગતું નથી. કોમ્પ્યુટર હાર્ડવેરનો માસ્ટર બિહારી છોકરાનું જર્મની જવાનું સપનું પૂરું થાય તે પહેલાં...

આખો ઘટનાક્રમ ફિલ્મી ભાસે છે. કૃષ્ણાના બે દોસ્તો જીજ્ઞેશ અને પકિયાની વાર્તા પણ ફિલ્મમાં મહત્વનો ભાગ ભજવે છે. એક તેને તારવા માટે અને બીજાે તેને ડૂબાડવા માટે..! જાે કે પકિયો આવુ કેમ કરે છે, તે ટ્રેક પણ સાવ ઉપરછલ્લો લાગે છે. મારીમચડીને ગોઠવાયો હોય તેવો. ઘટનાના આવા અનેક ટુકડા ફિલ્મની વાર્તા સાથે જાેડાયા છે, જે એકંદરે નબળાં લાગે છે. નિરાશ પ્રેમી અજય દેવગણ ફિલ્મમાં જાણીજાેઈને બધું ગુમાવી દેનાર પ્રેમી કેમ બને છે..? ટૂંકમાં કહીએ તો ફિલ્મમાં દેખાતા દસ-વીસ ટકાના સારાપણા માટે આખી ફિલ્મ જાેવી હિતાવહ નથી. અને આમ થવા માટે જાે કોઈ જવાબદાર હોય તો એ માત્ર નીરજ પાંડે જ છે, કારણ એ લેખક અને દિગ્દર્શક બંને તરીકે નિષ્ફળ રહ્યાં છે. ઓટીટી પર આવે ત્યારે જાેવાય તો જાેઈ કાઢજાે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution