ગુજરાતમાં ઔરંગઝેબ ફેન ક્લબ ચાલે છે : સંજય રાઉત


મુંબઇ:શિવસેનાના સાંસદ સંજય રાઉતે શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ઔરંગઝેબ ફેન ક્લબના વડા ગણાવતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે.સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી ફેન ક્લબ છે. ઔરંગઝેબ ફેન ક્લબ ગુજરાતમાં કાર્યરત છે, કારણ કે મુઘલ બાદશાહનો જન્મ ત્યાં થયો હતો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના લોકો પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને પ્રેમ કરે છે, જે શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે જેવા છે.

સાંસદ સંજય રાઉતે કહ્યું કે ગુજરાતમાંથી ઔરંગઝેબના મિત્રો શિવસેનાને ખતમ કરી શકતા નથી. મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોને ધ્યાનમાં રાખીને શિવસેનાનો જન્મ થયો હતો. મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી મહારાજનું છે. અહીં શિવાજી ફેન ક્લબ છે. ભાજપ અને ગુજરાતમાં ઔરંગઝેબ ફેન ક્લબ ચાલે છે, જ્યાં ઔરંગઝેબનો જન્મ થયો હતો.

હાલમાં જ પુણેમાં બીજેપીના પ્રદેશ સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ધવ ઠાકરે વિશે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે મુંબઈ હુમલાના દોષી યાકુબ મેનન માટે માફી માંગી રહેલા લોકોની સાથે બેસે છે, તે ઔરંગઝેબ ક્લબના વડા છે. અમિત શાહે કહ્યું હતું કે ઔરંગઝેબ ફેન ક્લબમાં કોણ છે? જે ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના ગુનેગાર કસાબને બિરયાની પીરસે છે, જે વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકને શાંતિ દૂત પુરસ્કાર આપે છે અને જે પીએફઆઈને સમર્થન આપે છે. ઉદ્ધવ ઠાકરેને આવા લોકોની સાથે બેસતા શરમ આવવી જાેઈએ. આ સિવાય તેમણે એનસીપીના વડા શરદ પવારને ભ્રષ્ટાચારના વડા ગણાવ્યા હતા.અમિત શાહના નિવેદન પર શિવસેના-યુબીટી નેતા આનંદ દુબેએ કહ્યું હતું કે અમારી પાર્ટીનું ચૂંટણી ચિન્હ છીનવી લીધા બાદ પણ મહારાષ્ટ્રની જનતાએ ૧૭ સીટો પર મહાયુતિને રોકી હતી. તેમના માટે શરદ પવાર ભ્રષ્ટાચારના વડા બની ગયા છે અને અજિત પવાર સંત બની ગયા છે. ઉદ્ધવ ઠાકરે બીજેપી સામે ઊભા હોય તો ઠાકરેને ઔરંગઝેબ ફેન ક્લબના વડા ગણાવે છે. ભાજપને આ ગંદી રાજનીતિનો જવાબ વિધાનસભાની ચૂંટણીમાં મળશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution