ભાજપના જ નેતાએ ૫ક્ષના ઉમેદવારને ઘરે બેસાડી દેવાની વાત કરતો ઓડિયો વાયરલ

વડોદરા : વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી આગામી૮ તારીખ ત્રીજી નવેમ્બરના રોજ યોજાનાર છે. ત્યારે પક્ષપલટો કરીને ભાજપમાં આવીને ચૂંટણી લડી રહેલા કરજણના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને માટે ઘર ફૂટે ઘર જાય જેવી સ્થિતિ સર્જાવા પામી છે, જે અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ખુદ ભાજપના જ નેતાએ કાર્યકરને ભાજપના ઉમેદવારને ઘરે બેસાડી દેવાની વાત કરતો ઓડીઓ વાયરલ કર્યો છે. જેને લઈને ભાજપામાં હડકંપ મચી જવા પામ્યો છે. અલબત્ત આ ઓંડીયોને લઈને એવી વાત વહેતી થવા પામી છે કે ભાજપે કરજણ વિધાનસભાની બેઠકને અંકે કરવાને માટે આઠ આઠ જિલ્લાની ટીમ ઉતાર્યા છતાં બેઠક ઘુમાવવાની ચિંતા સતાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. આ તમામ આઠે આઠ બેઠકની ત્રીજી નવેમ્બરે ચૂંટણીઓ યોજાનાર છે. જે પૈકી મધ્ય ગુજરાતમાંથી કરજણ બેઠક પર ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં આવેલ ધારાસભ્ય અક્ષય પટેલને ટીકીટ આપવામાં આવી છે. જેને કારણે કરજણ ભાજપના સંનિષ્ઠ કાર્યકરોમાં વ્યાપક અસંતોષ પ્રવર્તી રહ્યો છે. પરંતુ કોઈ ભાજપમાં લેવાયલ ધારાસભ્યને સીધી જ ટીકીટ અપાતા એનો ખુલીને વિરોધ કરતુ નથી. પરંતુ પાછલા દરવાજે પીઠ પાછળ ખંજર ભોંકવાને માટે ઘણા અગ્રણી કાર્યકરો સક્રિય બન્યા છે. આવાજ એક નેતા અને કાર્યકર વચ્ચેનો ઓડીઓ વાયરલ થવા પામ્યો છે. જેમાં ભાજપના નેતા કાર્યકરને એવું કહી રહેલા સ્પષ્ટ જણાય છે કે, “આપણે ઉંધુ કરવાનું છે. એને ઘરે સુવડાવી દેવાનો છે.” કોંગ્રેસના આયાતીને ભાજપે સીધી જ ટીકીટ આપતા આવો ભડકો ગામે ગામ થવા પામ્યો છે. તેમજ ભાજપના કાર્યકરો અને નેતાઓમાં અસંતોષની આગ ભભૂકી ઉઠી છે. એ જેમ જેમ ચૂંટણીનો દિવસ નજદીક આવતો જાય છે. એમ એમ વધુને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આમ ભાજપના જ નેતાઓ ભાજપના ઉમેદવારને હરાવવાને માટે મેદાને પડ્યા છે. આને લઈને કોંગ્રેસવાળા ગેલમાં આવી ગયા છે. તેમજ આ અસંતોષનો વધુને વધુ ફાયદો ઉઠાવી રહયા હોવાનું ચર્ચાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution