અગરતલા-
નોર્થ ઈસ્ટના રાજ્ય ત્રિપુરાના સીએમ બિપ્લવ દેવની હત્યાના પ્રયાસમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.રાજ્ય પોલીસે આ વાતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, સીએમ પોતાના સત્તાવાર નિવાસ સ્થાન પાસે ગુરુવારે સાંજે ચાલવા માટે નિકળ્યા હતા અને તે વખતે કારમાં સવાર ત્રણ લોકો તેમની સિક્યુરિટીને તોડીને અંદર ઘુસી ગયા હતા. આરોપીઓનુ વાહન બિપ્લવ દેવ પાસેથી પસાર થયુ ત્યારે તેઓ એક તરફ હટી ગયા હતા અને આ ઘટનામાં એક સુરક્ષા કર્મીને ઈજા પણ થઈ છે.મુખ્યમંત્રીના સુરક્ષા કાફલાએ બાદમાં આ વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં સફળતા મળી નહોતી.બાદમાં પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે.આ આરોપીઓનો ઈરાદો શું હતો તેની પૂછફરછ ચાલી રહી છે.