કાસગંજમાં દારુ માફિયાને પકડવા ગયેલ પોલીસ પર હુમલોઃ એક કોન્સ્ટેબલની હત્યા

કાસગંજ-

ઉત્તર પ્રદેશના કાસગંજ ખાતે મંગળવારે મોડી સાંજે બુટલેગર્સ સામે કાર્યવાહી કરવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો થયો હતો. કાસગંજના સિઢપુરા થાણા ક્ષેત્રના નગલા ધીમર પાસે કાલી નદીના કિનારે આ પ્રકારની અથડામણ થઈ હતી. માફિયાઓએ એક સિપાહીને મોતને ઘાટ ઉતાર્યો હતો જ્યારે ઈન્સપેક્ટરને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. ત્યાર બાદ બુધવારે વહેલી સવારે પોલીસની કાર્યવાહીમાં બુટલેગર મોતીના ભાઈને ઠાર મારવામાં આવ્યો હતો.

સિઢપુરા થાણા ક્ષેત્રના પ્રભારી પ્રેમપાલ સિંહના કહેવા પ્રમાણે પોલીસ બુટલેગર અને તેમના સાથીદારોની શોધમાં લાગી હતી અને તે સમયે પોલીસ અને બુટલેગર વચ્ચે અથડામણ થઈ હતી. બુટલેગર્સ દ્વારા પોલીસ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ સામો ગોળીબાર કર્યો હતો. આ અથડામણમાં બુટલેગર મોતી ધીમરના ભાઈ એલકાર સિંહને ગોળી વાગી હતી. એલકારને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટર્સે તેને મૃત ઘોષિત કર્યો હતો.

કાસગંજના નગલા ધીમર ગામમાં દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા અડ્ડા પર ઝેરી દારૂ મામલે કાર્યવાહી કરવા ગયેલા ઈન્સપેક્ટર અને સિપાહીને ગુંડાઓએ દોડાવી-દોડાવીને માર માર્યો હતો. તેમણે પોલીસકર્મીઓનો ગણવેશ ફાડી નાખ્યો હતો અને હથિયારો છીનવી લીધા હતા. અનેક કલાકોની શોધખોળ બાદ સિપાહીની લાશ મળી આવી હતી અને બીજી જગ્યાએથી ઈન્સપેક્ટર ગંભીર હાલતમાં મળી આવ્યા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઘોષણા

કાસગંજ ઘટના મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખૂબ જ આકરૂ વલણ અપનાવ્યું છે. તેમણે આ ઘટના સામે નારાજગી વ્યક્ત કરીને તેમાં સામેલ ગુનેગારો વિરૂદ્ધ આકરી કાર્યવાહીનો આદેશ આપ્યો છે અને રાસુકા અંતર્ગત કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે શહીદ પોલીસ કર્મચારીના પરિવાર પ્રત્યે ગાઢ સંવેદના વ્યક્ત કરી હતી અને 50 લાખની આર્થિક સહાય ઉપરાંત આશ્રિતને સરકારી નોકરી આપવા નિર્દેશ આપ્યો છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution