વડોદરા : દેશભરમાં ભારે ચકચાર જગાવનાર ઉત્તર પ્રદેશના ધર્માંતરણના મામલામાં વડોદરા મુસ્લિમ મેડિકલ ટ્રસ્ટના આગેવાનની વડોદરાથી ધરપકડ કરી પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા છે. મંગળવારની રાતે ઉત્તર પ્રદેશ એટીએસ અને ગુજરાત એટીએસના સંયુકત ઓપરેશનમાં વડોદરાના સલાઉદ્દીન શેખને ઝડપી ત્યાંની અદાલતમાં પણ રજૂ કરાયો હતો. વડોદરા મુસ્લિમ મેડિકેર ટ્રસ્ટના ટ્રસ્ટી એવા સલાઉદ્દીન શેખ દ્વારા ઉત્તર પ્રદેશમાં ચાલતા ધર્માંતરણના ષડ્યંત્રમાં મોટી રકમની નાણાકીય મદદ કરી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. જેના પગલે ગુજરાત પહોંચેલી યુ.પી. એટીએસ દ્વારા ગુજરાત એટીએસની મદદ મેળવી વડોદરા, અમદાવાદ હાઈવે પર વડોદરા નજીકથી મંગળવારની મધરાતે સલાઉદ્દીન શેખને ઝડપી લેવાયો હતો.
ગુજરાત એટીએસે પકડેલા સલાઉદ્દીન શેખ નામની વ્યક્તિ પર ઉત્તર પ્રદેશમાં દાખલ થયેલા ધર્માંતરણ કેસમાં ૧૦ લાખનું ફન્ડિંગ કર્યાનું સામે આવ્યું છે. આરોપીએ ત્રણ વખત હવાલા મારફતે રૂપિયા ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં મોકલ્યાનું તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં, પણ આરોપી ગુજરાતના વડોદરામાં પોતાની એનજીઓ ચલાવી રહ્યો છે, તેને એક નહીં બે એનજીઓમાં વિદેશી ફન્ડિંગ મળતું હતું.
મૌલાના ઉમર ગૌતમ આસામની મરકઝ-ઉલ-મારિફ નામની સંસ્થા સાથે કામ કરતો અને આ સંગઠન બાંગ્લાદેશી અને રોહિંગ્યા નાગરિકો માટે કામ કરે છે. આસામમાં તેને આતંકી સંગઠન ગણાવીને ૨૦૧૦માં તેના વિરુદ્ધ દિસપુસમાં ફેરા અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તન લઈને હવે રોજબરોજ નવા નવા ખુલાસોઓ સામે આવી રહ્યાં છે. યુપી અને બીજા રાજ્યોમાં થઈ રહેલા ધર્મ પરિવર્તનના મામલાઓમાં વિદેશી ફંડિગની સાથે વિદેશી માસ્ટરમાઈન્ડનું કનેક્શન સામે આવી રહ્યું છે. હિંદુઓના ધર્મપરિવર્તનના મામલે યુ.પી. એટીએસ અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી ચૂકી છે.
એટીએસએ લખનઉથી ૨૧ જૂનના રોજ મૌલાના જહાંગીર અને મૌલાના ઉમર ગૌતમને પક્ડ્યા હતા. એ બાદ સોમવારે મહારાષ્ટ્રના ઈરફાન શેખ, હરિયાણાના મન્નુ યાદવ ઉર્ફે અબ્દુલ મન્નાન અને નવી દિલ્હીથી રાહુલ ભોલાની ધરપકડ પણ કરી છે. તો આ પહેલાં લખનઉથી પકડાયેલા ઉમર ગૌતમના તાર કતરના સૌથી મોટા ધર્મપરિવર્તન કરાવનાર ઈન્ટરનેશનલ માસ્ટરમાઈન્ડ બિલાલ ફિલિપ સાથે જાેડાયેલા છે. બિલાલ ફિલિપ ભારતના મોસ્ટ વોન્ટેડ ઝાકિર નાઇકનો સહયોગી રહ્યો છે.
મુસ્લિમ મેડિકલ ટ્રસ્ટના બે બેન્ક ખાતા છે
વડોદરા. બરોડા મુસ્લિમ મેડિકલ સેન્ટર ટ્રસ્ટના બે બેન્ક ખાતા છે જેમાં દાન ઉઘરાવાતું હતું. બોમ્બે મર્કન્ટાઈલ બેન્કમાં દેશના લોકો દાન કરી શકતા હતા અને ખાતા નંબર અપાતો હતો. જ્યારે વિદેશના એનઆરઆઈ લોકોને દાન કરવા માટે ઈન્ડિયન બેન્કનો ખાતા નંબર અપાતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ખાતામાંથી ફન્ડિંગ થયું છે કે કેમ? એ તપાસનો વિષય છે.
કોવિડ સેન્ટરમાં મુસ્લિમ મેડિકલ ટ્રસ્ટ લખલૂટ ખર્ચા કરતું હતું
વડોદરા. કોરોનાકાળમાં કોવિડ સેન્ટર ઊભુંકરી મુસ્લિમ મેડિકેર સેન્ટર દ્વારા લખલૂટ ખર્ચા કરાતો હતો, એ સમયે જ વહીવટીતંત્રના ભવાં ઊભા થયા હતા. સરકારી તંત્રની બરાબરીમાં અને કેટલાક કિસ્સાઓમાં તો સરકારથી પણ આગળ વધી જઈ કોવિડ સેન્ટરમાં સુવિધાઓ અપાતી હતી. ત્યારે કેટલાક અધિકારીઓને મુસ્લિમ મેડિકલ ટ્રસ્ટ પાસે આટલા નાણાં આવે છે ક્યાંથી? એવી શંકા ઊભી થઈ હતી.